મદાવાદ, તા.૧૪

કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નીતિ જાહેર કર્યા બાદ તેના અમલીકરણ માટે અલગ-અલગ રાજ્યોએ પોતાની રીતે કામગીરી શરૂ કરી દીધી છે. તેમાં સૌથી અગ્રેસર એવી ગુજરાત સરકારે નવી નીતિના અમલીકરણની તૈયારીઓનો આરંભ કરી દીધો છે. રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ નવી શિક્ષણનીતિના અમલીકરણ માટે બે ટાસ્ક ફોર્સની રચના કરી દેવામાં આવી છે. જેમાં સ્કૂલિંગ ટાસ્ક ફોર્સમાં પાંચ સમિતિઓની રચના કરી દેવાઈ છે.

વિગતવાર વાત કરીએ તો નવી શિક્ષણ નીતિ બન્યા બાદ રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના નેતૃત્ત્વમાં શિક્ષણ વિભાગે નવી શિક્ષણ નીતિના અમલીકરણ માટે બે ટાસ્ક ફોર્સની રચના કરી છે. જેમાં હાયર એજ્યુકેશન માટેની ટાસ્ક ફોર્સની પહેલી મીટિંગ ગત અઠવાડિયે યોજાઈ હતી. ત્યારબાદ સ્કૂલિંગની ટાસ્ક ફોર્સની રચના બાદ તેની પહેલી મીટિંગ આજરોજ મળી હતી. જેમાં નવી નીતિના અમલીકરણ માટે પાંચ પેટા સમિતિઓની રચના કરાઈ હતી. જેમાં (૧) ફાઉન્ડેશનલ એજ્યુકેશન, (ર) સાર્વત્રિક પ્રવેશ, (૩) અભ્યાસક્રમ અને મૂલ્યાંકન, (૪) શાળા-સંકુલ તથા પ્રૌઢ શિક્ષણ અને (પ) શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ નામની પાંચ સમિતિઓની રચના કરાઈ છે.