(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૩૦
રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણને લીધે લોકડાઉનની સ્થિતિમાં રાજ્યની આવકમાં ઘટાડો થયો હોવા છતાં કોરોનાની મહામારી સામે જીવના જોખમે ફરજ બજાવતા સરકારી કર્મચારીઓને એપ્રિલ માસનો પગાર તથા પેન્શનરોને પેન્શન રાબેતા મુુજબ જ મે માસના પ્રથમ અઠવાડિયામાં જ ચૂકવવામાં આવશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે દેશ અને ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીને લીધે લોકડાઉનનો ચુસ્તપણે અમલ થઈ રહ્યો છે તે સંદર્ભે પણ વેપાર-ધંધા, ઉદ્યોગ, કૃષિ, પેટ્રોલ પમ્પ, ટ્રાન્સપોર્ટેશન, વાહનોની અવરજવર અને અનેક ધંધા-રોજગાર બંધ થયા છે જેના પરિણામે રાજ્યની જીએસટી અને વેટની આવકમાં પણ મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે. તેમ છતાં રાજ્ય સરકાર અને પંચાયત વિભાગ સહિતના ૫.૩૮ લાખથી વધુ કર્મચારીઓને એપ્રિલ મહિનાનો પગાર રૂપિયા ૨૬૦૦ કરોડ તથા રાજ્યના ૪.૫૭ લાખ જેટલા પેન્શનરોને એપ્રિલ માસનું પેન્શન રૂા.૧૪૦૦ કરોડ મળી કુલ અંદાજે રૂપિયા ૪૦૦૦ કરોડની રકમ કર્મચારીઓને અને પેન્શનરોને મે માસના પ્રથમ સપ્તાહમાં જ ચુકવી દેવામાં આવશે.
તેમણે ઉમેર્યું કે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે પરામર્શ કર્યા બાદ રાજ્યની આવકમાં ઘટાડો થયો હોવા છતાં પણ રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરોને કોઈ તકલીફ ન પડે તે માટે તમામ કર્મચારી અને પેન્શનરોને આ લાભો રાબેતા મુજબ ચૂકવવાનો નિર્ણય કરાયો છે.
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં લોકડાઉનનો ચુસ્તપણે અમલ થઈ રહ્યો છે ત્યારે રાજયના નાગરિકોનો પણ ખૂબ જ સહયોગ મળી રહ્યો છે. નાના-મોટા ધંધા-રોજગાર ધરાવતા લોકો પણ આ મહામારી ની સામે જીતવા માટે પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને જે સહયોગ આપી રહ્યા છે તે તમામનો રાજ્ય સરકાર વતી આભાર માનતા કહ્યું કે કોરોનાની લડાઈમાં જીતવા માટે અત્યાર સુધી જેવો સહયોગ આપ્યો છે તેવો સહયોગ આગામી સમયમાં પણ મળશે તો ચોક્કસ આપણે આ મહામારી સામે જીતી શકીશું.