(સંવાદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧
હોળી-ધૂળેટીના તહેવારને લઇ રાજય સરકાર દ્વારા તેના કર્મચારીઓ અને પેન્શનરોને ખાસ ભેટ જાહેર કરાઇ છે. આજે વિધાનસભાના બજેટ સત્ર દરમ્યાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, રાજય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને સાતમા પગારપંચના તફાવતના લાભો ત્રણ હપ્તામાં રોકડમાં ચૂકવવામાં આવશે. સરકારની આ જાહેરાતને પગલે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોમાં ખુશીની લાગણી ફેલાઇ ગઇ છે. આ જાહેરાતના કારણે રાજય સરકારની તિજોરી પર રૂ.૩૨.૮૦ કરોડનું ભારણ પડશે.
સાતમા પગારપંચની ભલામણનો અમલ કરવાનો ઝડપી નિર્ણય લેવાના કારણે કર્મચારીઓને પહેલી જાન્યુઆરી ૨૦૧૬થી ૩૧મી જુલાઈ ૨૦૧૬ સુધીના માત્ર સાત માસના પગાર તફાવતની રકમ ચુકવવાની થાય છે તથા પેન્શનરોને પહેલી જાન્યુઆરી ૨૦૧૬થી ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૬ નવ મહિનાના પેન્શન તફાવતની રકમ ચુકવવાની રહેશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટ કર્યું હતું કે, સરકારના કર્મચારીઓને તા.૧-૧-૨૦૧૬થી તા.૩૦-૭-૨૦૧૬ સુધીના સાત માસ અને પેન્શનરોને તા.૧-૧-૨૦૧૬થી તા.૩૦-૯-૨૦૧૬ સુધી નવ માસના તફાવતની રકમ ચૂકવવામાં આવશે. આ તમામ રકમ રોકડમાં અને ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવશે. જેમાં પ્રથમ હપ્તો આ માર્ચ મહિનામાં, બીજો હપ્તો મે મહિનામાં અને ત્રીજો હપ્તો જૂલાઇ માસમાં ચૂકવવામાં આવશે. સરકારના આ નિર્ણયને પગલે રાજયભરના આશરે ૪.૬૫ લાખ કર્મચારીઓ અને ૪.૧૨ લાખ પેન્શનરોને લાભ થશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ત્રણ હપ્તામાં રોકડેથી એરિયર્સની ચૂકવણી કરવાના કારણે પગાર તફાવત પેટે રૂ.૭૫૨.૭૮ કરોડ તથા પેન્શન તફાવત પેટે રૂ.૩૪૦.૪૮ કરોડ મળી કુલ રૂ.૧૦૩૯.૨૬ કરોડનું પ્રતિ હપ્તા પેટે ભારણ સરકાર પર આવશે. આમ, ત્રણેય હપ્તાઓનું મળી કુલ રૂ.૩૨૭૯.૭૯ કરોડનું આર્થિક ભારણ સરકારની તિજોરી પર પડશે.
ના.મુખ્યમંત્રી નીતિન પટેલે આ મુદ્દે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના કર્મચારી મંડળો / મહામંડળો અને પેન્શનર મંડળો દ્વારા પગાર-પેન્શન તફાવતની રકમ ચૂકવવા અંગેની વારંવાર કરાયેલી માંગણીઓને ધ્યાને રાખીને સરકાર દ્વારા કર્મચારીઓ તથા પેન્શનરોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.