(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.ર૪
એક તરફ રાજ્ય સરકાર રાજ્યમાં પાણીની કોઈ મુશ્કેલી ન હોવાની મોટી-મોટી વાતો કરે છે ત્યારે બીજી તરફ રાજ્યના ૧ર૯પ૦ ગામોમાં પીવાના પાણીનો સ્થાનિક કોઈ સોર્સ ઉપલબ્ધ ન હોવાની ખૂદ સરકારે જ ચોંકાવનારી કબૂલાત કરી છે. રાજ્યમાં કુલ ૧૮૦૦૦ જેટલા ગામોની સામે આટલી મોટી સંખ્યાના ગામોની આ સ્થિતિ જેમાં રાજ્યનો પોણા ભાગના વિસ્તારમાં પાણીના સ્થાનિક સોર્સનો અભાવ હોવાનું જણાઈ આવે છે. જેના કારણે આ ગામો પૈકી નવ હજાર જેટલા ગામોમાં નર્મદાનું પાણી પહોંચાડવું પડે છે.
વિધાનસભામાં ધારાસભ્ય સુનિલ ગામીતે રાજ્યમાં પીવાલાયક પાણીની સ્થિતિ ગંભીર હોવાના પ્રશ્ન કરતા તેના જવાબમાં મંત્રીએ જણાવ્યું છે કે, રાજ્યના ૧૨,૯૫૦ ગામોમાં સ્થાનિક સ્ત્રોતથી પીવાલાયક પાણી મળતું નથી. રાજ્ય સરકારે સ્વીકાર્યું કે સ્થાનિક સ્રોતથી પીવાલાયક પાણી ઉપલબ્ધ નથી. સરકારે કહ્યું કે, ૮,૯૭૬ ગામોમાં નર્મદા આધારિત સ્ત્રોત છે. જ્યારે ૩,૯૭૪ ગામોમાં અન્ય સ્ત્રોત આધારિત છે. આ ૧૨,૯૫૦ ગામોને રાજ્ય વ્યાપી પાણીપુરવઠા ગ્રીડના માધ્યમથી જોડવામાં આવ્યા છે અને દૈનિક ૩૦૦ કરોડ લીટર પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે. ૨,૮૪૨ ગામો માટે જૂથ પાણી પુરવઠા યોજનાની કામગીરી કરવામાં આવી છે. સરકારે સ્વીકાર્યું કે અનેક ગામોમાં સ્થાનિક સ્રોતથી પીવાલાયક પાણીનો ઓછો જથ્થો છે. ગુજરાત સરકારે રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડ દ્વારા ૧ર,૯પ૦ ગામોનું જોડાણ કરેલ છે એમ જણાવતા મંત્રીએ વધુમાં જવાબમાં જણાવ્યું છે કે, તે થકી દૈનિક ૩૦૦ કરોડ લીટર પાણી પુરૂ પાડવામાં આવે છે. આ સિવાય ર૮૪ર ગામોનો સમાવેશ કરતી ર૭ મુખ્ય જૂથ પાણી પુરવઠા યોજનાની કામગીરી ચાલી રહી છે જ્યારે રાજ્યમાં બાકી રહેલા ગામોને પીવાલાયક પૂરતું પાણી મળી રહે તેનું તબક્કાવાર આયોજન કરવામાં આવશે તેમ અંતમાં મંત્રીએ જણાવ્યું છે. જે દર્શાવે છે કે, રાજ્યના ગામડાઓમાં પાણીની સ્થિતિ શું છે ? જેમાં મોટાભાગના ગામોમાં બોર-ટેન્કર દ્વારા પાણીની વ્યવસ્થા કરાવામાં આવતી હોવાની વિગતો મળે છે.