અમદાવાદ, તા.ર
ગુજરાતની ભાજપ સરકાર છેલ્લા ૧૮ વર્ષથી પાણીના નામે અને પાણી યોજનાઓના નામે રાજનીતિ કરી રહી છે. રાજ્ય સરકારે ર૦૧૮માં ૧૧ હજાર લાખ ઘન ફૂટ પાણી સંગ્રહ કરવાના કામો કરાયા હતા. નદીઓને પુનઃ જીવિત કરવામાં આવી હતી. તળાવો ઊંડા કરાયા, આમ છતાં આજની તારીખે રાજ્યના ૧૧ હજાર નાના ગામડાઓ અને શહેરો પાણી માટે વલખાં મારે છે. રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમીએ સમગ્ર રાજ્યના લોકોની સાથે પશુધન અને પક્ષીઓ તેમજ અન્ય જીવોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. ત્યારે ભાજપ સરકારે ૨૦૧૮માં સંગ્રહ કરેલું પાણી હવામાં ઉડી ગયું કે ભ્રષ્ટાચારની કેનાલોમાં…? તેવો પ્રશ્ન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ગત વર્ષે ૧૧ હજાર લાખ ઘનફૂટ પાણી સંગ્રહ કરવાના કામો કરાવ્યા હતા. જે અગાઉ પાણીની જે જળ સંગ્રહ ક્ષમતા હતી તેનાથી દોઢ ગણી વધારી હતી. ૩૨ નદીઓને પુનઃ જીવંત કરવામાં આવી હતી, તો ૧૩,૦૦૦ તળાવને ઊંડા કરવામાં આવ્યા હતા, જ્યારે ૫૫૦૦ કિલોમીટરની નહેરોની સાફ-સફાઈ કરી હતી, તેમજ પાઈપોના જે પાણી લીકેજ હતા તે પણ બંધ કરી દીધા હતા અને આ તમામ કામો બે લાખ લોકોના શ્રમયજ્ઞ તેમજ ૧૫૦૦૦ જેસીબી દ્વારા કરવામાં આવ્યા હતા. આમ છતાં આજની તારીખે રાજ્યના ૧૧ ગામડાઓ અને નાના શહેરો પાણી માટે વલખાં મારે છે ત્યારે સવાલ એ ઊઠે છે કે જો ૨૦૧૮ના વર્ષમાં ૧૧ હજાર લાખ ઘનફૂટ પાણી સંગ્રહ કરવાના રાજ્ય સરકારે કરેલા કામો ગયા ક્યાં….? શું સંગ્રહ કરેલ પાણી હવામાં ઊડી ગયું… કે પછી……!! જો કે અત્યારે મે મહિનાની શરૂઆત છે અને રાજ્યના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી માટે લોકો અહીં તહી ભટકીને પાણી મેળવવા વલખાં મારે છે. અમદાવાદ સહિતના મહાનગરોમાં પણ કેટલાક વિસ્તારોમાં ટેન્કરો દ્વારા પાણી વિતરણ કરવાની ફરજ પડી રહી છે. રાજ્યના અનેક ગામોમાં પાણી પહોંચાડવા ટેન્કરનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. પરંતુ આ ટેન્કરો નક્કી કરે સ્થળો ઉપર નિયમિત પાણી પહોંચાડે છે કે કેમ ? તે સવાલ ઉઠવા પામ્યો છે કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાં જ્યા ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે ત્યાં લોકોની પાણી મેળવવા લાઈનો લાગેલી જ રહે છે. ભાજપ સરકાર જળવિતરણ અને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે સદંતર નિષ્ફળ ગયું છે. દર વર્ષે કરોડો રૂપિયાના નામે પાણી યોજના અને પાઈપલાઈન યોજનાઓ ભ્રષ્ટાચારની યોજનાઓ બની ગઈ છે. રાજ્ય સરકાર પણ આગ લાગે ત્યારે પાણી માટે યોજનાઓ બનાવે છે પણ પરિણામ શું…?