(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૨૫
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રાજ્યવ્યાપી શાળા આરોગ્ય કાર્યક્રમનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, તા.૩૦ જાન્યુઆરી, ર૦ર૦ સુધીમાં ચાર લાખ આરોગ્ય કર્મચારીઓ રાજ્યના ૧.પ૯ કરોડ બાળકોના આરોગ્ય તપાસનું મહા અભિયાન પાર પાડશે. તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતને સર્વાંગી વિકાસના શિખરો સર કરાવવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની સાથે સોશિયલ મીડિયા સેક્ટરમાં આરોગ્ય, શિક્ષણ સહિત વિશેષ ધ્યાન સરકારે કેન્દ્રિત કર્યું છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, આવતીકાલના નાગરિક સમા બાળકોની તંદુરસ્તી અને સુખાકારી માટે સંપૂર્ણ આરોગ્ય ચકાસણીનો આ અભિગમ સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ અને હેપીનેસ ઈન્ડેક્સમાં વધારો કરવાનો સંવેદનાપૂર્ણ સફળ અભિગમ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતભરમાં ૧.પ૯ કરોડ બાળકો એટલે કે, રાજ્યની કુલ વસ્તીના ચોથા ભાગના બાળકોના આરોગ્યની સઘન તપાસ કરીને યોગ્ય નિદાન, સારવારનો આરોગ્ય સેવાનો શાળા આરોગ્ય કાર્યક્રમ તહેત રાજ્ય સરકાર “સ્વસ્થ બાળ-તંદુરસ્ત રાજ્ય-સક્ષમ રાષ્ટ્ર”ના ભાવ સાથે ચલાવી રહી છે. તેમણે ઉમેર્યું કે, બાળક ગર્ભમાં હોય ત્યારથી માંડીને જન્મના પ્રથમ ૧૦૦૦ દિવસ સુધી તેનું શરીર, મન, બુદ્ધિના વિકાસની કાળજી લઈએ છીએ. ગંભીર બીમારી જણાય તો સુપર સ્પેશિયાલિસ્ટ સારવાર પણ રાજ્ય સરકાર વિનામૂલ્યે પૂરી પાડે છે. આ આરોગ્ય સેવા કાર્યક્રમમાં ૦થી ૧૮ વર્ષ સુધીના શાળાએ જતા તથા ન જતા બાળકોની આરોગ્ય તપાસ અને સારવાર કરવામાં આવે છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, શાળા આરોગ્ય કાર્યક્રમ દરમિયાન કેન્સર, હૃદય રોગ, કિડની, કોકલિયર ઈમ્પ્લાન્ટ, ક્લબ ફૂટ ઉપરાંત બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી જટિલ અને અદ્યતન સારવાર પૂરી પાડીને બાળકને સક્ષમ-સ્વસ્થ મજબૂત બનાવવા રાજ્ય સરકાર કોઈ કસર છોડતી નથી.