(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૧
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠકે કોરોના કોવિડ-૧૯ અસરગ્રસ્તોની સઘન સારવાર માટે રાજ્યના ર૬ જિલ્લાઓમાં ૩૧ હોસ્પિટલોને ડેઝિગ્નેટેડ કોવિડ-૧૯ હોસ્પિટલ તરીકે કાર્યરત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ હોસ્પિટલો એપીડેમિક એકટ ૧૮૯૭ અને ધી ગુજરાત એપીડેમિક કોવિડ-૧૯ રેગ્યુલેશન ર૦ર૦ અંતર્ગત કાર્યરત કરવામાં આવી છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે રાજ્ય મત્રીમંડળના આ મહત્ત્વપૂર્ણ નિર્ણયની વિગતો સંદર્ભમાં કહ્યું કે, રાજ્યમાં આવી ડેઝિગ્નેટેડ કોવિડ-૧૯ હોસ્પિટલોના રોજબરોજના સંચાલન, કામકાજ અને નિયંત્રણ દેખરેખ માટે એક મેનેજમેન્ટ કમિટીની પણ રચના કરી દેવામાં આવી છે. આવી ડેઝિગ્નેટેડ કોવિડ-૧૯ જાહેર થયેલી આ ખાનગી હોસ્પિટલોના આરોગ્ય, તબીબી, પેરામેડિકલ સ્ટાફને જવાબદારીઓ પણ સોંપી દેવાઇ છે. તેમણે જણાવ્યું કે, કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતીમાં રાજ્ય સરકારે જિલ્લા કલેકટરોને તેમના જિલ્લામાં ઉપલબ્ધ કોઈપણ ડૉકટર અને પેરામેડિકલ સ્ટાફની સેવાઓ આ રોગ નિયંત્રણ હેતુસર લેવા માટેના સત્તાધિકારો પણ આપ્યા છે. રાજ્યમાં હાલની સ્થિતીએ અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં કુલ રર૦૦ બેડની ડેડીકેટેડ કોવિડ-૧૯ હોસ્પિટલ કાર્યરત છે. અન્ય ર૮ જિલ્લામાં કુલ ૩ર૦૦ બેડની ક્ષમતા અને વેન્ટીલેટર તથા આઈસીયુ ફેસેલીટીઝ સાથેની હોસ્પિટલો ખૂબ જ નજીકના ભવિષ્યમાં શરૂ થવામાં છે તેની ભૂમિકા અશ્વિનીકુમારે આપી હતી. આજે રાજ્ય મંત્રીમંડળે ર૬ જિલ્લામાં ૩૧ ખાનગી હોસ્પિટલોને ડેઝીગ્નેટેડ કોવિડ-૧૯ હોસ્પિટલ તરીકે કાર્યરત કરવાનો નિર્ણય કરતાં કુલ ૪૦૬૪ બેડની ક્ષમતા વધવાની છે. આમ, સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમિત અસરગ્રસ્તોની તાત્કાલિક સારવાર માટે કુલ ૯૪૬૪ બેડની ક્ષમતાવાળી હોસ્પિટલો સાથે ગુજરાત જે ર૬ જિલ્લાઓમાં ૩૧ ખાનગી હોસ્પિટલોને ડેઝિગ્નેટેડ કોવિડ-૧૯ હોસ્પિટલ તરીકે કાર્યરત કરવામાં આવી છે તેની યાદી પ્રમાણે અરવ્વલી- કે.કે. શાહ સાબરકાંઠા આરોગ્ય મંડલ (શ્રીમંત ફતેસિંહરાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલ વાત્રક, સાબરકાંઠા- મેડીસ્ટાર હોસ્પિટલ હિંમતનગર, બનાસકાંઠા-ગાંધી લિંકન હોસ્પિટલ-ડીસા, પાટણ-પાટણ જનતા હોસ્પિટલ, મહેસાણા-સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલ, આણંદ-ઝાયડસ હોસ્પિટલ, ખેડા-ડૉ. એન. ડી. દેસાઇ ફેકલ્ટી ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ નડિયાદ, મહિસાગર-કે.એમ.જી. જનરલ હોસ્પિટલ, બાલાસિનોર, પંચમહાલ-નારાયણ આઇ હોસ્પિટલ તાજપુરા-હાલોલ, દાહોદ-સમીર ઓર્થોપેડીક હોસ્પિટલ એન્ડ ટ્રોમા સેન્ટર, છોટાઉદેપુર- મેડિટોપ લાઇફકેર હોસ્પિટલ અને ધોકાલિયા પબ્લિક હોસ્પિટલ બોડેલી, નર્મદા-આર્યુવેદિક હોસ્પિટલ રાજપીપળા, ભરૂચ-જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર અને તાપી-કાલીદાસ હોસ્પિટલ વ્યારા, નવસારી-યાસ્ફીન કાર્ડિયાક હોસ્પિટલ અને ઉદીત હોસ્પિટલ એન્ડ આઇસીયુ વાંસદા, વલસાડ-શ્રેયસ મેડિકેર હોસ્પિટલ વાપી, અમરેલી-નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ હોસ્પિટલ, બોટાદ-વ્હાઇટ હાઉસ, કષ્ટભંજન દેવ હનુમાન મંદિર સાળંગપુર, જામનગર-આર્મી હોસ્પિટલ (૧૦૦ બેડ), દેવભૂમિ દ્વારકા-સાકેત હોસ્પિટલ જામખંભાળિયા, ગીરસોમનાથ-આદિત્યા બિરલા હોસ્પિટલ વેરાવલ, અને અંબુજા હોસ્પિટલ કોડીનાર, જુનાગઢ-કલ્પ હોસ્પિટલ, પોરબંદર-મોરારજી ખેરાજ ઠકરાર હોસ્પિટલ, મોરબી-ક્રિષ્ણા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ, કચ્છ-સ્ટેલીંગ રામક્રિષ્ણા સ્પેશ્યાલીટી હોસ્પિટલ ગાંધીધામ, હરિઓમ હોસ્પિટલ ગાંધીધામ, વાયેબલ હોસ્પિટલ ભૂજ, ભાવનગર-એચ.સી.જી હોસ્પિટલનો સમાવેશ થાય છે.