(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૮
ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી ચિંતાજનક રીતે વધી રહી છે. ૩૩ જિલ્લામાંથી ૧૭ જિલ્લામાં વાયરસનો ફેલાવો થઈ ગયો છે. ગઈકાલે એક જ દિવસમાં ર૯ પોઝિટિવ કેસો નોંધાયા બાદ આજરોજ નવા સત્તાવાર ૧૧ કેસો સાથે કુલ પોઝિટિવ કેસોની સંખ્યા ૧૮૬ થઈ છે અને બે મોત સાથે કુલ મોતનો આંક ૧૬એ પહોંચ્યો છે, આમ વધતા જતાં કેસોથી ચિંતિત થઈ સરકાર દ્વારા પ્રજાને લોકડાઉનનો કડક અમલ કરવા ચેતવણી આપવામાં આવી છે. જો પોઝિટિવ કેસો નહીં ઘટે તો જે તે વિસ્તારમાં લોકડાઉનની સમયમર્યાદા વધારવામાં આવી શકે છે. રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ.જ્યંતિ રવિએ લોકડાઉનના કડક અમલની ચેતવણી આપીને કહ્યું કે, રાજ્યમાં કોરોનાનો રોગચાળો હવે બેકાબૂ બની રહ્યો છે. આજે વધુ ૭ પોઝિટિવ કેસ સામે આવતા કોરોનાના કુલ ૧૮૬ દર્દીઓ થયા છે. જ્યારે જામનગરમાં ૧૪ માસના બાળકનું કોરોનાથી મોત નિપજતાં કુલ મૃત્યાંક ૧૬ પર પહોંચ્યો છે. ગત યાદી કરતા બુધવારે ચાર નવા કેસનો ઉમેરો થયો છે, જેમાં ભાવનગરમાં બે અને વડોદરામાં પાંચ કેસ સામે આવ્યા છે. આ તમામ કેસ લોકલ ટ્રાન્સમિશનના કેસ છે. તમામ દર્દીઓમાંથી હાલ બે લોકો ક્રિટિકલ છે. કોરોના વાયરસ કેસોની વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવે જણાવ્યું કે, ગઇકાલ સાંજથી અત્યાર સુધીમાં ૪ પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેમાં ભાવનગરમાં બે, સુરત અને વડોદરામાં ૧-૧ પોઝિટિવ કેસ નોંધાયા છે અને બે દર્દીનાં મોત નિપજ્યાં છે. કુલ ૧૭૯ પોઝિટિવ કેસમાંથી ૧૩૮ એક્ટિવ દર્દી, ૧૩૬ દર્દીઓની હાલત સ્થિર એટલે કે સ્ટેબલ અને માત્ર બે જ દર્દીઓ વેન્ટિલેટર છે. જ્યારે ૨૫ દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. છેલ્લાં ૨૪ કલાકમાં ૯૩૨ ટેસ્ટ કર્યાં છે, જેમાં ૧૪ પોઝિટિવ, ૬૮૭ નેગેટિવ અને ૨૩૫ કેસ પેન્ડિંગ છે. તેમણે કહ્યું કે, આજે પણ આ રીતે ટેસ્ટ કરવામાં આવશે. ૧૭૯ પોઝિટિવ કેસમાંથી ૩૩ વિદેશ, ૩૨ આંતરરાજ્ય અને ૧૧૪ લોકલ ટ્રાન્સમિશનના કેસ છે, આમ ગુજરાત અને અમદાવાદમાં લોકલ ટ્રાન્સમિશનના કેસો વધી રહ્યા છે ત્યારે આવા કેસો વધે નહીં એ માટે હોટસ્પોટ વિસ્તારનો સંપૂર્ણ સીલ કરી દેવાયા છે. ૧૭ જિલ્લા જોઇએ તો અમદાવાદ, ગાંધીનગર, પાટણ, સુરત, વડોદરા, સાબરકાંઠા, મહેસાણા, પંચમહાલ, છોટાઉદેપુર, આણંદ, ભાવનગર, ગીરસોમનાથ, રાજકોટ, જામનગર, મોરબી, કચ્છ અને પોરબંદરમાં પણ કોરોના પોઝિટિવ કેસો બહાર આવ્યા છે. ગીરસોમનાથમાં કોરોના કેસોથી એશિયાઇ સિંહો પર પણ ખતરો થઇ શકે તેમ છે. કેમ કે અમેરિકામાં પ્રાણી સંગ્રહાલયના એક વાઘમાં કોરોના લક્ષણો જોવા મળ્યા છે. જો ગીર અભ્યારણ્યમાં કામ કરતાં કોઇ વન કર્મી કે જંગલમાં રહેતા કોઇને કોરોના થયો તો સિંહોમાં પણ તે ફેલાવવાની શક્યતા નકારી શકાય તેમ નથી. ગુજરાતમાં હાલના ૧૭૯ પોઝિટિવ કેસમાંથી ૩૩ વિદેશ, ૩૨ આંતરરાજ્ય અને ૧૧૪ લોકલ ટ્રાન્સમિશનના કેસ છે. સ્થાનિક કક્ષાએથી એટસે કે લોકલ ટ્રાન્સમિશન વધે નહીં એ માટે હોટસ્પોટ વિસ્તારને સંપૂર્ણપણે સીલ કરવામાં આવ્યા છે. બીજી તરફ, ૬૦ વર્ષીય દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા અમદાવાદની જીવરાજ મહેતા હોસ્પિટલના સ્ટાફને ક્વોરન્ટાઈન કરાયો હોવાનું સૂત્રોએ કહ્યું હતું. રાજકોટમાં ૬ બાળકો સહિત ૧૯ કોરોના શંકાસ્પદ દર્દીઓના નમૂના ટેસ્ટ માટે મોકલાયા છે. સાબરકાંઠામાં ખોટી ટ્રાવેલ હિસ્ટ્રી આપવા બદલ પોઝિટિવ દર્દી સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે તો આણંદમાં જાહેરનામાનો ભંગ કરવા બદલ ૪૦ વેપારીઓની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે સાબરકાંઠા જિલ્લામાં અપડાઉન કરતા કર્મચારીઓને બહાર જવાની મનાઇ ફરમાવવામાં આવી છે. આજે દિવસ દરમ્યાન ૭ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં વડોદરામાં પાંચ અને ભાવનગરમાં બે કેસનો સમાવેશ થાય છે. રાજ્યમાં કુલ ૧૮૬ કેસોમાંથી અમદાવાદમાં ૮૩, સુરત ર૩, ભાવનગરમાં ૧૮ અને ગાંધીનગરમાં ૧૩ કેસનો સમાવેશ થાય છે. અત્યાર સુધી રપ લોકો સાજા થયા છે. આજના તમામ કેસ લોકલ ટ્રાન્સમિશનના છે.