અમદાવાદ, તા.ર૪
ગુજરાતના મુખ્યમંત્રીએ રાજ્યના ૪૬૦ પશુ દવાખાનાનો વહીવટી ૧૦૮ના કર્મચારીઓનું શોષણ કરતી ખાનગી કંપની GVK EMRIને સોંપી એક ઝાટકે રાજ્યમાં ફરજ બજાવતા લાયકાત ધરાવતા ૪૬૦ પશુચિકિત્સકોને બેકાર કરી નાખ્યા છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતાએ છૂટા કરેલા ૪૬૦ પશુ ચિકિત્સકોને ફરજ પર કાયમી ધોરણે હાજ કરવાનો હુકમ કરવા માગ કરી છે.
રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્યના ૪૬૦ પશુ દવાખાનાનો વહીવટ ૧૦૮ના કર્મચારીઓનું શોષણ કરતી GVK EMRI ખાનગી કંપનીને આપીને રર જૂને તેનો લોકાર્પણ સમારોહ યોજ્યો હતો. આમ રાજ્ય સરકાર પોતાના તંત્ર કરતા ખાનગી કંપનીઓ ઉપર વધુ ભરોસો રાખી રહી છે તેવુ આ નિર્ણય પરથી સાબિત થાય છે. એમ જણાવી કોંગ્રેસ પ્રવકતા મનહર પટેલે જણાવ્યું છે કે, GVK EMRI કંપનીએ સરકારને પ્રથમ આયોજનમાં ૧૦૮ પશુ ચિકિત્સકોની યાદી આપી છે તે રાજ્યના પશુ પાલન વિભાગે તેની ખરાઈ કર્યા વગર સીધી જિલ્લાના નાયબ પશુપાલન નિયામકને/જિલ્લા વિકાસ અધિકારીને મોકલી આપી છે, કોંગ્રેસે આ યાદીમા સામેલ અમુક પશુ ચિકિત્સકનો સંપર્ક કરતા તેઓને આ નોકરી અંગે પુરતી જાણ પણ નથી અને તેમને ફરજ ઉપર હાજર થવાની જાણ પણ નથી આમ GVK EMRI કંપનીએ રાજ્ય સરકારને ખોટી યાદી આપી છે તે પશુ ચિકિત્સકની નિમણૂકની ઔપચારિકતા કર્યા વગરની છે, આમ સાબિત થાય છે કે, GVK EMRIખાનગી કંપની રાજ્ય સરકારને ગેરમાર્ગે દોરી રહી છે. આ યાદીમાં સામેલ પશુ ચિકિત્સકો બીજા રાજ્યના માલુમ પડે છે ત્યારે બીજો સવાલ ઉભૉ એ થાય છે કે જેમને ગુજરાતી ભાષા પણ નથી આવડતી તેઓ ફિલ્ડ ઉપર અનેક પ્રશ્નો ઊભા કરશે.
રાજ્ય સરકાર એ કેમ ભુલી જાય છે ગુજરાતના પશુપાલન વિભાગ દ્વારા ૪ કોલેજમાંથી દર વર્ષે ૨૭૦ જેટલા પશુ ચિકિત્સકો લાયકાત સાથે બહાર પડે છે, આજે ૪૬૦ પશુ ચિકિત્સકોને છુટા કર્યા એટલે રાજ્યમાં ૮૦૦થી વધુ જગ્યા ખાલી પડી છે અને રાજ્યમાં કુલ બેરોજગાર ૭૦૦ જ પશુ ચિકિત્સકો છે, જો સરકાર ધારે તો તમામ બેરોજગાર પશુ ચિકિત્સકોને નોકરી આપે તો એક પણ પશુ ચિકિત્સક બેરોજગાર ગુજરાતમા ન રહે.
આમ રાજ્ય સરકાર પશુ પાલકોના પશુઓની સારવાર માટે જુની પદ્ધતિ અને માળખુ છે તેમા ખામી ખરાબી શોધીને દુરસ્તતા કરવાને બદલે રાજ્યની તિજોરી ઉપર ભારરૂપ બનતી અને સ્થાનિક યુવાનોને બેરોજગાર કરતી નફાખોર કંપનીને શા માટે આગળ કરાવાનો આગ્રહ રાખે છે ?
રાજ્ય સરકારને તેમણે આગ્રહ અને અપીલ કરી છે કે, ગુજરાતના બેરોજગાર યુવાનોનું આર્થિક, માનસિક અને પારીવારીક શોષણ કરતી GVK EMRI ખાનગી કંપનીના મોહમાથી સરકાર બહાર આવે અને પોતાના તંત્રમા ભરોસો રાખી તેમની પાસેથી કામ લેવાની ક્ષમતા કે આવડત કેળવે.