(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૬
વિધાનસભામાં આજે ફરી એકવાર ગૌચરનો મુદ્દો ઉછળ્યો હતો. વિરોધ પક્ષ કોંગ્રેસે રાજયમાં ર૭પ૪ જેટલા ગામોમાં ગૌચર જ નથી ૮૩૧૮ એવા ગામો છે જયાં નિયમ મુજબ ગૌચર નથી એટલે કે ઓછું છે. આ ઉપરાંત રાજયમાં કુલ ૪.૭પ કરોડ એકર ગૌચરની જમીન પર ગેરકાયદેસર દબાણ કરી દેવાયું છે. તો ગાયના નામે મતો માંગી ગાયની બહુ ચિંતા કરતી સરકારની આ મુદ્દે નીતિ શું છે ? તેવો પ્રશ્ન ઉઠાવતા સરકાર તરફથી મંત્રીએ ગૌચરની જમીનના દબાણો દુર કરવા અંગે સ્પષ્ટ ઉત્તર આપવાને બદલે જયાં ગૌચર નથી. તેવા ગામોમાં અન્ય ચરણ કરવાની વ્યવસ્થાની વાત કરી હતી. સરકાર પાસેથી જવાબ ન મળતા અને આક્ષેપ પ્રતિઆક્ષેપો થતા ગૃહમાં હોહા મચી જવા પામી હતી.
વિધાનસભા ગૃહમાં આજે પ્રશ્નોત્તરી કાળમાં પ્રથમ પ્રશ્ન જ ગૌચરની જમીનનો આવતા વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યોએ એક પછી એક પ્રશ્નોનો મારો ચલાવી સરકારને ભીંસવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મહેસૂલ મંત્રી દ્વારા તે પૈકીના અમુક પ્રશ્નોના યોગ્ય અને સ્પષ્ટ જવાબ ના આપતા હોહા મચાવાઈ હતી. કોંગી ધારાસભ્ય સુરેશ પટેલના ગૌચર અંગેના પ્રશ્નમાં જિલ્લામાં જેટલા ગામો છે તેની સામે અમુક ગામો બાદ કરતા મોટા ભાગના ગામોમાં ગૌચર ન હોવાનું સરકાર તરફથી જવાબમાં જણાવાયું હતું. ગામોમાં ગૌચર બિલકુલ નથી તથા જયાં છે તે ઓછું છે અને હજારો એકર ગૌચરમાં દબાણ અંગેના સવાલના જવાબમાં મહેસૂલ મંત્રીએ જણાવ્યું હતું કે રાજયમાં ગૌચર એક પણ ઈંચ ઓછું ન થાય તે માટે સરકારની નેમ છે. ર૦૧પમાં સરકારે અલાયદી ગૌચર નીતિ બનાવી છે અને તેના પરિણામે ૧.પ૦ કરોડ હેકટર ગૌચરનો વધારો કર્યો છે. જયાં ગૌચર નથી ત્યાં પડતર જમીન, રોડ સાઈડની જમીન વગેરેમાં ચણ કરવાની છૂટ આપવા સાથે ગૌચર વિકાસ ફંડમાંથી પણ આયોજનો કરાય છે.વિધાનસભામાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના ઉત્તરમાં રાજય સરકારે લેખિતમાં જવાબ આપતાં સ્વીકાર્યું હતું કે, રાજયના ૨૨ જિલ્લાના ૮૩૧૮ ગામોમાં નિયમ કરતા ગૌચરની જમીન ઓછી છે. કેટલાક ગામો તો એવા છે કે જયાં સમ ખાવા પૂરતી ગૌચરની જમીન છે. રાજયમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં ૧૧૬૫ ગામોમાં ગૌચરની જમીન સફાચટ થઇ ગઇ હોવાની વાત સામે આવી હતી. વિપક્ષ કોંગ્રેસે ભૂમાફિયાઓ અને સરકારી તંત્રની મિલીભગતના કારણે ગૌચરની જમીનો ગાયબ થઇ રહી હોવાના ગંભીર આક્ષેપ સાથે રાજયના ખેડૂતો, પશુપાલકો અને પશુધન માટે ગૌચરની પૂરતી જમીન હતી તો કયાં ગઇ તેવા ગંભીર સવાલો પણ ઉઠાવ્યા હતા. જેના જવાબમાં મહેસૂલ મંત્રીએ જણાવ્યું હતું કે, રાજયમાં કુલ ૨૨ જિલ્લાઓમાં જોવા જઇએ તો, બનાસકાંઠાના ૧૧૬૫ ગામો, સુરતના ૬૮૯ ગામો, મહિસાગરના ૬૬૬ ગામો, ભાવનગરના ૬૧૦ ગામો, દાહોદના ૫૪૮ ગામો, અમરેલીના ૫૩૫ ગામો, અરવલ્લીના ૩૬૦ ગામો, ગીર સોમનાથના ૩૨૬ ગામો, કચ્છના ૩૧૨ ગામો, ભરૂચના ૩૧૦ ગામો, જામનગરના ૨૯૧ ગામો, નર્મદાના ૨૮૯ ગામો, ગાંધીનગરના ૨૬૩ ગામો, અમદાવાદના ૨૩૧ ગામો, આણંદના ૨૧૯ ગામો, દેવભૂમિ દ્વારકાના ૨૧૨ ગામો, સાબરકાંઠાના ૧૭૫ ગામો, બોટાદના ૧૭૪ ગામો, પંચમહાલના ૧૫૮ ગામો, મહેસાણાના ૧૨૭ ગામો, પાટણના ૧૨ ગામો અને સુરેન્દ્રનગર જિલ્લાના ૦૨ ગામોમાં ગૌચરની જમીનમાં ઘટાડો થયો છે. એટલે કે, સરકારની માહિતી બાદ ચોંકાવનારી સ્થિતિ સામે આવી હતી કે, રાજયના ૨૨ જિલ્લાઓમાં મળી કુલ ૮૩૧૮ ગામોમાંથી મોટાપાયે ગૌચરની જમીનો ગાયબ થઇ ગઇ છે. પશુધનને ચરવા માટે પૂરતી ગૌચરની જમીન પણ હવે રાજયમાં રહી નથી, જેને લઇ વિપક્ષ કોંગ્રેસે પશુપાલકો, પશુધન અને ખેડૂતો પરત્વે ભારે ચિંતા વ્યકત કરી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.