અમદાવાદ, તા.ર
રાજ્યમાં લોકડાઉન બાદથી બેકારી અને બેરોજગારીના દરમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યના અનેક ખાતાઓમાં હજારો જગ્યાઓ ખાલી પડી છે તેમાં યોગ્ય લાયક ઉમેદવારોની ભરતી કરવામાં આવે તો બેકાર યુવાનોને રોજગાર મળી શકે. રાજ્યની વિવિધ કૃષિ યુનિવર્સિટીઓ અને ખેતીવાડી ખાતામાં અનેક જગ્યાઓ ખાલી છે તેમાં ખેતીવાડી સ્નાતક ડિપ્લોમા બેરોજગાર યુવાનોની ભરતી કરવા માંગ ઊઠી છે. રાજ્યમાં ચાર સરકારી એગ્રીક્લ્ચરલ યુનિવર્સિટી, ૧૪થી વધુ ડિપ્લોમા ખેતીવાડી શાળાઓ અને રાજ્યની ઉત્તર બુનિયાદી સંસ્થાઓમાંથી દર વર્ષે હજારો એગ્રીક્લ્ચરના વિદ્યાર્થીઓ સ્નાતક/અનુસ્નાતક/ડિપ્લોમા લાયકાત લઈને બહાર પડે છે. આ તમામ વિદ્યાર્થીઓ આજે બેકારીનો સામનો કરી રહ્યા છે. હવે તેમની માંગ ઊઠી છે કે, ગુજરાત સરકાર વહેલામાં વહેલીતકે ખેતીવાડી ખાતામાં અને રાજ્યની કૃષિ યુનિવર્સિટીમાં આજે જે હજારોની સંખ્યામાં અધિકારી/કર્મચારીઓની ખાલી જગ્યાઓ છે તે ભરવાની કાર્યવાહી શરૂ કરે. ઉપરાંત રાજ્યના ખેતીવાડી ખાતામાં જુદા-જુદા વિભાગોમાં ગ્રામસેવકથી લઈને ખેતી અધિકારી સુધી તેમજ રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીમાં ખેતીવાડી મદદનીશથી લઈને મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક/સહ સંશોધન વૈજ્ઞાનિક સુધીની ખૂબ મોટા પ્રમાણમાં ખાલી જગ્યાઓ છે. ત્યારે ગુજરાત સરકાર જલ્દીથી આ તમામ ખાલી જગ્યાઓ ભરે એવી વિદ્યાર્થીઓની માગણી છે. ખેતીવાડી ખાતામાં ખેતીવાડી અધિકારીની ૧૦૧ જગ્યાઓ માટે ભરતી અંગે પ્રાથમિક કસોટીની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે જેમાં ઈન્ટરવ્યૂ બાકી છે પણ જીઆરના લીધે અટકી પડ્યા છે. વિદ્યાર્થીઓની માગણી છે કે, ગુજરાત સરકાર દ્વારા ત્વરિત તેનું નિરાકરણ લાવવામાં આવે અને વહેલીતકે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરે. વચનો આપવામાં ખંતીલી ગુજરાત સરકારના કૃષિ મંત્રી બાબુ બોખરિયાએ ચૂંટણીને ધ્યાનમાં રાખી એક ટીવી ચેનલના ઈન્ટરવ્યૂમાં ખેતીવાડીના બેરોજગાર યુવાનોને કહ્યું હતું કે, ગુજરાત સરકાર દર ૧૦ ગામ વચ્ચે એક બીએસસી એગ્રીક્લ્ચર લાયકાત ધરાવતા ઓફિસર મૂકશે, પરંતુ આજ દિવસ સુધી આ બાબતે કોઈ નિર્ણય લેવાયો નથી. આજ રીતે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એવી જાહેરાત કરી હતી કે, ગુજરાતમાં ૩૦૦૦ ગ્રામસેવકની ભરતી કરવામાં આવશે જે પૈકી ૧૦૦૦ની ભરતી આ વર્ષે જ કરવામાં આવશે. પરંતુ આ અંગેની કોઈ પ્રક્રિયા હજુ સુધી રાજ્ય સરકાર તરફથી શરૂ કરવા આવેલ નથી, આમ ભાજપા સરકારના જવાબદાર મંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ રાજ્યના બેરોજગાર યુવાનોને આપેલા વચનો ઉપર કોઈ કાર્યવાહી નહીં કરીને તેમના ભવિષ્ય સાથે મજાક કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.

ખેડૂતોની આવક બમણી કરવાના મોદીના
વચનને સરકાર ભરતી કરી પૂર્ણ કરે

એક બાજુ દેશના વડાપ્રધાન ર૦રરમાં દેશના ખેડૂતોની ખેતીની આવક બમણી કરવાના વચનો આપી રહ્યા છે. જ્યારે બીજી બાજુ રાજ્યની કૃષિ યુનિ.ઓની કોઈ પણ કચેરીઓમાં પૂરતો ટેકનિકલ સ્ટાફ નથી અને તેથી કૃષિ સંશોધન, કૃષિ શિક્ષણ અને કૃષિ વિસ્તરણ કાર્ય ઉપર ખૂબ મોટી ખરાબ અસર પડી રહી છે અને આ બાબતોને લઈને અમુક જરૂરી સંશોધન કાર્ય બંધ છે અથવા અસરકારક નથી થઈ રહ્યા તેને કારણે કૃષિ સંશોધનના પરિણામો જેવા કે ખેડૂતોને સુધારેલી આધુનિક ખેતી પાક પદ્ધતિઓ, સુધરેલા બિયારણો, અદ્યતન યાંત્રીક ખેતી સામગ્રીની સમજ કે બીજા કોઈપણ નવા ખેતી સંશોધનના વિકલ્પ નથી મળી રહ્યા, આમ ખેેડૂતોને બમણી આવક કરી આપવાનું વચન રાજ્ય સરકારના વહીવટી ઈરાદામાં કે નિર્ણયમાં જોવા મળતું નથી.