(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૯
રાજ્યમાં આવેલી ખાનગી હોસ્પિટલો, ખાનગી દવાખાનાઓ અને નર્સિંગ હોમ કોરોના મહામારી ફેલાયા બાદથી તકેદારીના ભાગરૂપે બંધ કરી દેવાયા હતા, જેને પુનઃ ચાલુ કરવા રાજ્યના આરોગ્ય કમિશનરની કચેરી દ્વારા વિનંતી કરાતા રાજ્યની ખાનગી હોસ્પિટલો, ક્લિનિક અને નર્સિંગ હોમ પુનઃ કાર્યરત થાય તેવી શક્યતા છે. દેશભરમાં ફેલાયેલી કોરોના મહામારી બાદથી દેશની સાથે ગુજરાતમાં પણ લોકડાઉનની સ્થિતિ અમલમાં છે. જેમાં આવશ્યક સેવાઓ અને જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની દુકાનો સિવાય તમામ ધંધા-રોજગાર બંધ છે. આવી પરિસ્થિતિમાં શરૂઆતના તબક્કે ખાનગી હોસ્પિટલો, ખાનગી દવાખાનાઓ અને નર્સિંગ હોમ ચાલુ હતા, પરંતુ હોસ્પિટલમાં કે દવાખાનામાં કોઈ કોરોના પોઝિટિવ કેસ માલૂમ પડ્યો હોય તો તે હોસ્પિટલ કે દવાખાનું બંધ કરી દેવાતું હતું. પરિણામે ડરના માર્યા મોટાભાગના ડૉક્ટરોએ તેમના હોસ્પિટલ કે દવાખાના સાવચેતીરૂપે બંધ કરી દીધા હતા. આ સંજોગોમાં દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. સરકારી હોસ્પિટલમાં લોકો સારવાર લેવા જતા ડરી રહ્યા છે. તેમને ડર છે કે, સામાન્ય બીમારીમાં પણ તેમને કોરોનાનો ટેસ્ટ કરી દાખલ કરી દેવાશે. પરિણામે હાલ હજારો દર્દીઓ સારવાર વિના પીડાઈ રહ્યા છે. આ વાતને ધ્યાને રાખી ઈન્ડિયન મેડિકલ એસોસિએશને રાજ્ય સરકારમાં રજૂઆત કરતા તબીબી સેવાઓ ગાંધીનગરના અધિક નિયામક દ્વારા ગતરોજ ઈન્ડિયન મેડિકલ એસોસિએશનને પત્ર પાઠવી અપીલ કરી છે કે, રાજ્યમાં આવેલી ખાનગી હોસ્પિટલો, ખાનગી દવાખાનાઓ અને નર્સિંગ હોમ પૂર્વવત્‌ સેવાઓ આપે. આ ઉપરાંત તેમને ખાતરી પણ આપવામાં આવી છે કે, જો કોઈ ખાનગી હોસ્પિટલ, દવાખાના કે નર્સિંગ હોમમાં કોરોના વાયરસના દર્દી દાખલ થયાનું પાછળથી પણ માલૂમ પડશે તો તે હોસ્પિટલને બંધ ના કરતા જરૂરી સેનિટાઈઝિંગની પ્રક્રિયા હાથ ધરી, તે હોસ્પિટલ પૂર્વવત્‌ ચાલુ રાખવામાં આવશે. આ પત્રને ધ્યાનમાં લઇ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા શહેરના જમાલપુર, ખાડિયા, શાહપુર, દરિયાપુર ,કાલુપુર, શહીદ કોટ વિસ્તારના દાણીલીમડા અને બહેરામપુરાના તમામ ડૉક્ટરોને અપીલ કરી છે કે, તેઓ તેમના ખાનગી હોસ્પિટલો અને દવાખાના વહેલી તકે ચાલુ કરે, જેનાથી બીમારોનો વહેલી તકે ઈલાજ થઈ શકે. ઈમરાન ખેડાવાલાએ ડૉક્ટરોને અપીલ કરી છે, જો હોસ્પિટલ કે દવાખાનું શરૂ કરવામાં તેમને કોઈ તકલીફ જણાતી હોય તો તુરંત જ મારો સંપર્ક કરે.