ડભોઈ,તા.૬
રાજ્યમાં આવેલી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શૈક્ષણિક કર્મચારીઓને લાભો આપવામાં અન્યાય કરાઈ રહ્યો હોવાની ચર્ચા સાથે શિક્ષકોમાં વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે. સરકારી પ્રાથમિક શાળાઓ જેવી જ સમાન પ્રકારની કામગીરી કરતાં ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓના શિક્ષકો ભારે અસમાનતા ભોગવી રહ્યા હોવાનું અને સરકાર ઉપેક્ષિત વલણ રાખતી હોવાનો આક્ષેપ ગુજરાત રાજ્ય અનુદાનિત પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
ગુજરાત રાજ્ય અનુદાનિત પ્રાથમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ જાવેદભાઈ શેખ તથા મહામંત્રી ચંદ્રકાંતભાઈ રોહીતે જણાવ્યું છે કે, રાજ્યના શૈક્ષણિક કર્મચારીઓને સાતમાં વેતન આયોગની ભલામણો લાગુ કરી દેવામાં આવી છે. ઠરાવની શરતો અનુસાર તા.૧/૧/૧૬થી ૩૦/૭/૧૮ સુધીના તફાવતની રકમનો પહેલો હપ્તો માધ્યમિક તથા સરકારી પ્રાથમિક શાળાઓમાં ત્રણ હપ્તા ચુકવી દેવામાં આવ્યા છે પરંતુ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓના શિક્ષકોને તફાવતની રકમનો એક પણ હપ્તો ચુકવાયો નથી આ બાબતે નાણાંમંત્રીને વારંવાર રૂબરૂ રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ આવતું નથી. પ્રાથમિક શિક્ષણ નિયામકની દરખાસ્તને નાણાં વિભાગે લટકાવી દીધી છે.
સાતમાં વેતન આયોગને લાગુ કરવા માટે તા.ર૦/૮/૧૭ના રોજ થયેલ ઠરાવમાં ખાલી જગ્યાઓ રદ કરવામાં આવી છે અને ઉચ્ચતર પગાર ધોરણ યોજના પણ સ્થગીત કરાઈ છે. રદ કરાયેલ ખાલી જગ્યાઓ પુનઃ જીવીત કરવા તથા ઉચ્ચતર પગાર ધોરણ યોજના પુનઃ શરૂ કરવા વારંવાર કરાયેલી રજૂઆત પ્રત્યે નિર્ણય લેવામાં આવતો નથી.
સરકારે ઓનલાઈન હાજરી, ઓનલાઈન શિષ્યવૃત્તિ, આધાર ડાયસની કામગીરી કરવા જણાવેલ છે પરંતુ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓને શિક્ષકોના પગાર સિવાય કોઈ ગ્રાન્ટ અપાતી નથી. સરકાર ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓને સરકારી શાળાની જેમ કોમ્પ્યુટર સેટ, ઈન્ટરનેટ કનેક્શન અપાતું નથી અને સંચાલક મંડળો આવકના અભાવે આવી સુવિધાઓ વિકસાવી શકતા નથી માટે ઓનલાઈનની કામગીરી કઈ રીતે કરવી તે સામે પ્રશ્નો ઊભા થયા છે. વિદ્યાસહાયકોને મળવાપાત્ર બધા લાભો આપવામાંથી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓના શિક્ષકોને વંચિત રાખવામાં આવતા શિક્ષક આલમમાં ભારોભાર રોષ અને અસંતોષ પ્રર્વતી રહ્યો છે.
સમાન પ્રકારનું કામ કરતાં ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ શૈક્ષણિક કર્મચારીઓને ચાલુ નોકરીએ અવસાન પામતા શિક્ષકોને રહેમ રાહે રોકડ સહાય, તબીબી સારવાર ખર્ચ તથા જુથવીમા યોજના જેવા લાભોમાં પણ માંગણી નહીં સ્વીકારીને સરકારે અન્યાય કર્યો છેની લાગણી શિક્ષકોમાં જોવા મળી રહી છે ત્યારે રાજ્યની કલ્યાણકારી સરાર ગ્રાન્ટેડ શાળાઓના કર્મચારીઓ માટે વિચારશે ? તેવો પ્રશ્ન ઉઠ્યો છે.