રાજપીપળા, તા.૩
ગુજરાત સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સાતમા પગારપંચના તફાવતની રકમ આપવાની કરેલી જાહેરાતમાં રાજ્યની ગ્રાન્ટેડ શાળાના ૬૦ હજારથી વધુ કર્મચારીઓ અને શિક્ષકોનો ઉલ્લેખ ન કરતા ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરી છે. તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા ૪.૬૫ લાખ સરકારી કર્મચારીઓ અને ૪.૧૨ લાખ પેન્શનરોને ૭માં પગારપંચના તફાવતની રકમ રોકડમાં ત્રણ હપ્તામાં આપવાની જાહેરાત કરી હોળીની ભેટ આપી છે. તફાવતનો પ્રથમ હપ્તો માર્ચમાં, બીજો હપ્તો મેમાં અને ત્રીજો હપ્તો જુલાઈમાં ચુકવવામાં આવશે. આનાથી ગુજરાત સરકાર પર ૩ હજાર કરોડથી પણ વધુ રૂપિયાનો બોજો પડશે. પરંતુ આ જાહેરાતમાં ગ્રાન્ટેડ શાળાના ૬૦ હજારથી પણ વધુ શિક્ષકો અને કર્મચારીઓનો ઉલ્લેખ ન કરાતા ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિએ રૂપાણી સરકારના આ નિર્ણયને વખોડી કાઢી ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો અને કર્મચારીઓને પણ સમાવવા રૂપાણી સરકારને રજૂઆત કરી છે. ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો અને કર્મચારીઓએ રૂપાણી સરકાર પર આ બાબતે ગંભીર આક્ષેપો પણ લગાવ્યા છે કે અમારા પક્ષે સરકારી કર્મચારીઓ કરતા ૨૦ માસ મોડો ૭ માં પગારપંચનો અમલ કરાયો.ફિક્સ પગારના વધારામાં સરકારી શિક્ષકો અને કર્મચારીઓ કરતા અમારા શિક્ષક સહાયકોને ૬ હજારથી ૧૨ હજાર ઓછો વધારો અપાયો છે. સરકારી સહાયક કર્મચારીઓની નોકરી ૨૦૦૬થી ઉચ્ચતર પગાર ધોરણ,નિવૃત્તિના લાભો માટે સળંગ જ્યારે ગ્રાન્ટેડ શાળાના સહાયકોની નોકરી ૧/૭/૧૯૯૯થી સળંગ ગણાઈ જ નથી, મેડિકલ એલાઉન્સ પણ સરકારી કર્મચારીઓ કરતા ઓછું અપાયું હતું. તો ગુજરાત સરકારના ગ્રાન્ટેડ શાળાના ૬૦ હજારથી વધુ શિક્ષકો અને કર્મચારીઓ પ્રત્યેના ઓરમાયા વર્તન સામે ભારે અસંતોષ ફેલાયો છે.