અમદાવાદ, તા.રપ
કહેરને લઈને દેશભરમાં લોકડાઉન છે. ગુજરાતની તમામ યુનિ.ઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી અને રાજ્યપાલને પત્ર લખીને રજૂઆત કરાઈ છે. યુથ કોંગ્રેસ ગુજરાતના સેક્રેટરી ડૉ.સુબહાન સૈયદ અને એનએસયુઆઈના ગુજરાત પ્રેસિડેન્ટ મહિપાલસિંહ ગઢવીએ મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી અને રાજ્યપાલને રજૂઆત કરતાં પત્રમાં જણાવ્યું છે કે, ગુજરાતની તમામ યુનિ.માં હાલ માર્ચ અને એપ્રિલ મહિનામાં લેવાનારી વાર્ષિક પ્રેકટીકલ-થિયરી પરીક્ષા આખા વિશ્વમાં હાહાકાર મચાવતો કોરોના વાયરસની મહામારીને કારણે મોકૂફ રાખવામાં આવી છે. સરકાર દ્વારા તા.૩૧ માર્ચ સુધી લોકડાઉન કર્યા બાદ વડાપ્રધાને ર૧ દિવસનું લોકડાઉન જાહેર કરતાં કોલેજો-યુનિ.ઓ હવે ૧૪ એપ્રિલ સુધી બંધ અને પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી છે. હવે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં શિક્ષણ કાર્ય સંપૂર્ણ ઠપ્પ થવા સાથે શિક્ષકો, અધિકારીઓ અને વહીવટી કર્મચારીઓ માટે પણ ર૧ દિવસ સંપૂર્ણ રજા રહેશે. ૧૪ એપ્રિલ સુધી યુનિ. સંપૂર્ણ લોકડાઉન હોઈ આગામી ઉનાળુ સત્રની તમામ સેમેસ્ટરની પરીક્ષાઓ પણ ન લેવાય તેવી સ્થિતિ છે. ૧પ એપ્રિલ બાદ પણ પરીક્ષાઓ થાય છે કે કેમ એ એક પ્રશ્ન છે તો આ મહામારી અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે તેવી માંગ એનએસયુઆઈ અને યુવા કોંગ્રેસ વતી કરવામાં આવે છે જેના પર સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવા વિનંતી છે.