(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૭
કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગોને પુનઃ બેઠા કરવા માટે નવી ઉદ્યોગ નીતિની આજે જાહેરાત કરવામાં આવી હતી. આ નવી ઉદ્યોગ નીતિમાં ઉદ્યોગોને લાંબા ગાળાની પ૦ વર્ષની લીઝ પર જમીન આપવા ઉપરાંત સ્ટાર્ટ-અપ્સ, એમએસએમઈને સપોર્ટ આપવા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના શાસનને ૪ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે આ નીતિ જાહેર કરતાં જણાવ્યું હતું કે, ભારત સરકારના સર્વે રિપોર્ટ પ્રમાણે સમગ્ર દેશમાં બેરોજગારીનો દર ગુજરાતમાં સૌથી ઓછા ૩.૪ ટકા છે તેમણે કોરોનાના અંત બાદ આગામી વર્ષની વાયબ્રન્ટ સમિટ અંગે નિર્ણય લેવાશે તેમ પણ જણાવ્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલી નવી પોલિસીમાં વૈશ્વિક અને રાષ્ટ્રીય ઉત્પાદનના વલણો તેમજ ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને ઉદ્યોગો દ્વારા સૂચવવામાં આવેલા મોટાભાગના સૂચનોના સમાવેશ કરવામાં આવ્યો છે. નવી ઉદ્યોગ નીતિની જાહેરાત કરતી વખતે રૂપાણીએ જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર કરવા નવી ઔદ્યોગિક નીતિ પણ મદદરૂપ થશે, તેઓએ સાથે એ પણ જણાવ્યું હતું કે, કોરોના કાબૂમાં આવ્યા બાદ વાઈબ્રન્ટ સમિટ અંગે નિર્ણય લેવાશે. ઉલ્લેખનીય છે કે, ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ ઔદ્યોગિક નીતિ પૂર્ણ થઈ હતી. જેને ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધી લંબાવવામાં આવી હતી.
વિજય રૂપાણીએ જણાવ્યું કે, રાજ્યના સર્વાંગી વિકાસ માટે અધિક વિકાસને સમર્થન મળ્યું હતું. ભારત સરકાર દ્વારા જાહેર થયેલા આંકડા પ્રમાણે ૪૯ મિલીયન યુએસ ડોલરના મૂડીરોકાણમાં દેશની સરખામણીમાં ૫૧ ટકા હિસ્સો ગુજરાતનો છે. રાજ્યની પોલીસીને કારણે આપણને આ સફળતા મળી છે. વર્ષ ૨૦૧૯ દરમિયાન પ્રપોઝ ઈન્વેસ્ટમેન્ટમાં ૪૮ ટકાનો વધારો થયો છે. તેની સામે ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ રોકાણમાં ૩૩૩ ટકાનો વધારો થયો છે. આમ દેશની સરખામણીએ ગુજરાતમાં નોંધપાત્ર વધારો થયો છે. સનરાઈઝ સેક્ટર્સમાં ઇલેક્ટ્રિક વાહનો, વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ્‌સ, ઇકો-ફ્રેન્ડલી કોમ્પોસ્ટેબલ મટિરિયલ્સ, ઇન્ડસ્ટ્રી ૪.૦ ઇક્વિપમેન્ટ, સોલાર/વિન્ડ ઇક્વિપમેન્ટ અને એક્સપોર્ટ આધારિત એકમો સહિતના એવા ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ટેક્નોલોજિકલ ડેવલપમેન્ટની નોંધપાત્ર સંભાવનાઓ છે અને સસ્ટેનેબલ આર્થિક વિકાસમાં યોગદાન આપી શકે છે. થ્રસ્ટ સેક્ટર્સને પોલિસીના એક હિસ્સા તરીકે ઇન્ક્રીમેન્ટલ ઇન્સેન્ટિવ આપવામાં આવશે. જ્યારથી જીએસટી લાગૂ કરવામાં આવ્યો ત્યારથી નેટ એસજીએસટી પ્રમાણે વળતર આપવામાં આવતું હતું, હવે નવી ઉદ્યોગ પોલિસીમાં એસજીએસટીના વળતરોને ડિ-લિંક એટલે કે દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. હવે મોટા ઉદ્યોગોને ઔદ્યોગિક એકમો સ્થાપવા માટે કેપિટલ સબસીડી તરીકે ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ(એફસીઆઈ)ના ૧૨ ટકાના ધોરણે રોકડ રકમ અપાશે. કોઇપણ ઔદ્યોગિક એકમને આપવામાં વળતરની રકમની કોઇ મહત્તમ મર્યાદા રાખવામાં આવી નથી.
આ નિર્ણયથી રાજ્યમાં મોટાં મૂડીરોકાણોને લાવવામાં મદદ મળશે. આ લાભ વાર્ષિક રૂ.૪૦ કરોડની ટોચ મર્યાદામાં ૧૦ વર્ષ સુધી અપાશે. જો એકમને મળવાપાત્ર કેપીટલ સબસીડી ૧૦ વર્ષના સમયગાળાની અંદર ચૂકવણી ન કરી શકાય તેવા કિસ્સામાં વાર્ષિક ટોચમર્યાદા રૂ.૪૦ કરોડ જ રહેશે તેવી શરત સાથે ૧૦ વર્ષની સમયમર્યાદામાં વધુ ૧૦ વર્ષનો વધારો કરી આપવામાં આવશે. જો ૨૦ વર્ષના સમયગાળામાં ચૂકવણી ન થાય તો મળવાપાત્ર કેશ સબસીડીનું વિતરણ ૨૦ વર્ષના સમાન હપ્તાની અંદર કોઇ ટોચમર્યાદા વિના કરવામાં આવશે.
પોલિસીના ખાસ મુદ્દામાં જોઈએ તો
(૧) નવા ઉદ્યોગોને સરકારી જમીન લાંબા ગાળા માટે લીઝ પર આપાશે : રાજ્યમાાં સંતુલિત પ્રાદેશિક વિકાસને વેગ આપવા માટે રાજ્ય સરકાર ૫૦ વર્ષ સુધી લાાંબાગાળાની લીઝ ઉપર ‘સરકારી જમીન’ મેળવવામાાં ઉદ્યોગોને સુવિધા પૂરી પાડશે. ઔદ્યોગિક એકમોને જમીનની બજાર કિંમતના ૬% લીઝ રેન્ટ પર આપવામાાં આવશે. આવા ઉદ્યોગો બેન્કમાાંથી લોન-સહાય મેળવી શકે તે માટે જમીન મોટર્ગેઝ પણ કરવા મંજૂરી આપવામાાં આવશે.
(૨) સ્ટાર્ટ-અપ્સને સમર્થન : એક અહેવાલ પ્રમાણે દેશના ૪૩ ટકા ફંડેડ સ્ટાર્ટ-અપ્સ માત્ર અમદાવાદમાાં છે. સમર્થન આપવા માટે હવે સીડ સપોર્ટ રૂ. રૂ.૨૦ લાખથી વધારીને રૂ.૩૦ લાખ સુધીનો કરવામાં આવ્યો છે. આ સાથે અન્ય જાહેરાત પણ કરવામાં આવી છે.
(૩) એમએસએમઈ : એમએસએમઈની વ્યાખ્યા ભારત સરકારે કરેલી વ્યાખ્યા મુજબ કરવામાાં આવશે જેથી મોટી સાંખ્યામાં ઔદ્યોગિક એકમો એમએસએમઈ પોલીસીઓ હેઠળ કરવામાં આવેલી જોગવાઇઓનો લાભ મેળવી શકશે.
લઘુ ઉદ્યોગોની ધીરાણની રકમના ૨૫ ટકા સુધીની અને મહત્તમ ૩૫ લાખ સુધીની કેપિટલ સબસિડી મળવા પાત્ર રહેશે. એમએસએમઈમાં ટર્મ લોન પર લાગતા વ્યાજ દરના ૭% અને મહત્તમ ૩૫ લાખ ઇન્ટરેસ્ટ મળવા પાત્ર રહેશે.
એસસી, એસટી, વિકલાંગ ઉદ્યોગ સાહસિક, મહિલા ઉદ્યોગ સાહસિક, સ્ટાર્ટ અપ ઉપરાંત ૩૫ વર્ષથી ના વયના યુવા ઉદ્યોગપતિઓને ૧ ટકા વધારાની ઇનરેસ્ટ સબસીડી આપવામાં આવશે.