(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૭
રાજ્યની ભાજપ સરકાર એક તરફ શિક્ષણ ક્ષેત્રે હરણફાળ પ્રગતિની સાથે સાથે અનામત જાતિઓને તેમના હક આપવાની વારેઘડીયે મોટી મોટી વાતો કરતી રહે છે. ત્યારે બીજી તરફ ખરી સ્થિતિ કંઈક જુદી જ જોવા મળી રહી છે. સરકારી દફતરેથી જ બહાર આવતી વિગતો રાજ્ય સરકારના દેખાડવાના અને કરવાના જુદા અભિગમની પોલ ખોલે છે. રાજ્યમાં આવેલી યુનિ.ઓના વહીવટમાં વિવિધ સત્તામંડળોની ખાસ ભૂમિકા હોય છે ત્યારે આ સત્તામંડળોની રચનામાં અનામત પ્રથા લાગુ કરવા યુજીસી (યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન) દ્વારા ર૦૦૬માં પત્ર પાઠવાયેલ હોવા છતાં ૧૪ વર્ષીય તેનું કંઈ ઠેકાણું પડયું નથી. જે રાજ્ય સરકારની ઉદાસીનતા દર્શાવે છે.
રાજ્યમાં છેલ્લા રપ વર્ષથી સત્તામાં રહેલ ભાજપ વિવિધ મુદ્દાઓ ઉપર ભૂતકાળની કોંગ્રેસની સરકારની દુહાઈ કરી પોતાની વિકાસગાથા તથા નિર્ણયોની વાહવાહી કરતી રહે છે પરંતુ ભાજપના જ શાસનકાળમાં જેનો અમલ કરવાનો આવે અને તેનો અમલ ના કરી શકાય તો તેમાં સરકારની નીતિ સ્પષ્ટ થવા સાથે અનેક પ્રશ્નો ઊભા કરે છે. શૈક્ષણિક ક્ષેત્રે વિકાસની અને ચાર-આટલી યુનિ.ઓ વધાર્યાની સાથે સાથે ભૂતકાળમાં અનામત જાતિઓને માત્ર વોટ બેંક બનાવી તેમનો વિકાસ ના કરાયો અને અમારા શાસનમાં જ બધુ થયું હોવાની મોટી મોટી વાતો કરતી સરકારે પોતાના જ શાસનકાળ દરમિયાનના કેન્દ્રીય સંસ્થાના યુનિ. સત્તામંડળોમાં અનામત પ્રથાનો અમલ કરવાના નિર્દેશોના અમલ ના કરી નરી ઉદાસીનતા દર્શાવી છે.
વિધાનસભામાં ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં સરકારના શિક્ષણ મંત્રીએ જ આપેલ જવાબમાં તમામ વિગતો બહાર આવી છે. જેમાં જણાવાયા અનુસાર યુનિ.ઓના સંચાલનમાં ખાસ ભૂમિકા ભજવતા સેનેટ, સિન્ડિકેટ તથા એકેડેમિક કાઉન્સિલ જેવા સત્તામંડળોમાં અનામત લાગુ કરવા માટે યુજીસીએ તા.રપ/૮/ર૦૦૬એ પત્ર પાઠવ્યો હતો. તે બાદ રાજ્યની યુનિ.ઓને છેક તા.૧૧/૩/ર૦૧૬એ સરકાર તરફથી પત્ર પાઠવી સક્ષમ સત્તામંડળોની ભલામણ મેળવવા પત્ર પાઠવ્યો હતો. બસ આ એક માત્ર પત્ર પાઠવી સરકાર તરફથી સંતોષ માની લેવાયો તે પછી કોઈ બીજો પત્ર કે રિમાઈન્ડર કરાયો ન હતો. સરકારના આ પત્ર બાદ રાજ્યની કુલ ૧૪ સરકારી યુનિ.ઓ પૈક આઠ યુનિ.ઓ તરફથી સરકારને ભલામણો મોકલી આપવામાં આવી હતી અને બાકીની છ યુનિવર્સિટીઓ દ્વારા હજુ સુધી એટલે કે, જાન્યુઆરી ર૦ર૦ સુધી કોઈ ભલામણ સરકાર સમક્ષ કરવામાં આવી નથી.
ર૦૦૬થી ર૦ર૦ એટલે કે, ૧૪-૧૪ વર્ષ જેટલો લાંબો સમય થવા છતાં યુનિ. સત્તામંડળોમાં અનામત પ્રથા લાગુ કરી શકાય નથી ત્યારે તે અંગે શા પગલાં લેવાયા તેવો પ્રશ્ન કરાતા જવાબમાં સરકાર તરફથી જણાવાયું છે કે, આ મુદ્દે અમલ તથા કાયદાકીય સલાહ-માર્ગદર્શન માટે શિક્ષણ વિભાગે તા.ર૯-૧૧-ર૦૧૯માં ઠરાવ કરી હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એક ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરવામાં આવી છે. આથી પગલાં લેવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.