અમદાવાદ, તા. ૨૧
રાજ્યની સરકારી તથા ખાનગી યુનિવર્સિટી દ્વારા પરીક્ષાઓ લેવા મામલે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે અતિ મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું હતું કે, આગામી દિવસોમાં યુનિવર્સિટીઓ હસ્તકની કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષાઓ લેવામાં આવશે પરંતુ યુજીસી દ્વારા પરીક્ષાઓ અને અન્ય બાબતો અંગે નિર્ણય લેવા માટે નિષ્ણાત સભ્યોની સમિતિના સૂચનો અને ભલામણો અનુસાર પરીક્ષા અંગેની માર્ગદર્શિકા રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે તે મુજબ જ પરીક્ષા લેવામાં આવશે. આજે કોરોના કોવિડ-૧૯ના સંદર્ભમાં રાજ્યની સરકારી તથા ખાનગી યુનિવર્સિટીઓએ લોકજાગૃત્તિ અને કોરોનાથી જરૂરી રક્ષણ મેળવવા સંદર્ભે કરેલી કામગીરીની સમીક્ષા કરવા ગાંધીનગરમાં યોજાયેલી વિડિયો કોન્ફરન્સમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ મહત્વની સ્પષ્ટતા કરી હતી. યુનિવર્સિટીઓની પરીક્ષાઓ અંગે શિક્ષણ મંત્રીએ કુલપતિઓને પણ જણાવ્યું હતું કે, ભારત સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલય દ્વારા યુનિવર્સિટીની પરીક્ષા યોજવા બાબતે માર્ગદર્શિકા નક્કી કરવા જે ટાસ્ક ફોર્સની રચના કરી છે તેના માર્ગદર્શન પ્રમાણે આપણે આગળ વધવાનું રહેશે. વિદ્યાર્થીઓ માટે વાર્ષિક પરીક્ષા કઇ રીતે લેવામાં આવે તેના સૂચનો સત્વરે મોકલી આપવા માટે શિક્ષણમંત્રીએ કુલપતિઓને અપીલ કરી હતી. કોરોનાની અભૂતપૂર્વ પરિસ્થિતિનો ઉલ્લેખ કરતા શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે, આ એક પડકારરુપ સમય છે. ભવિષ્યમાં કોઇપણ પ્રકારની આફતને પહોંચી વળવા માટે જનજાગૃત્તિ, તાલીમ શિક્ષણ અને માર્ગદર્શન આપે તેવો યુનિવર્સિટી અભ્યાસક્રમ તૈયાર કરે તે માટે શિક્ષણમંત્રીએ કુલપતિઓને આહવાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કોરોનાએ દુનિયામાં વ્યવહાર અને વહીવટની પદ્ધતિ બદલી નાંખી છે. હવે જીવન પદ્ધતિ અને જીવનશૈલી પણ બદલવાની રહેશે. અગાઉની આફતો દૃશ્ય આફતો હતી જે આપણે જોઈ શકતા હતા. આ તમામ આફતોનો સફળતાપૂર્વક સામનો કર્યો છે પરંતુ આ આફત અદૃશ્ય હોવા છતાં સમગ્ર દેશ અને આપણા રાજ્યની જનતા હિંમતભેર સામનો કરી રહી છે. શિક્ષણમંત્રીએ આગામી દિવસોમાં સ્ટાર્ટઅપના માધ્યમથી ઘરમાં, કચેરી કે વાહનોમાં સેનેટાઈઝની વ્યવસ્થા આપોઆપ થઇ જાય તેવા પ્રયોગોના સંશોધનની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. અગ્રસચિવ, ઉચ્ચ શિક્ષણ અંજુ શર્મા તથા ઉચ્ચ શિક્ષણ કમિશનર નટરાજને પણ વિડિયો કોન્ફરન્સમાં ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું.
રાજ્યની યુનિ.ઓ હસ્તકની કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે વાર્ષિક પરીક્ષા લેવાશે

Recent Comments