ગાંધીનગર,તા.ર૭
ગુજરાતના વિકાસ મોડેલની વાતો કરનાર સરકાર અનેક વિગતો માત્ર કાગળ પર જ દર્શાવે છે જ્યારે વાસ્તવિકતામાં લોલમલોલ હોય છે. જ્યારે વિધાનસભા સત્ર દરમ્યાન કોંગ્રેસ દ્વારા શિક્ષણમંત્રીને સરકારી પ્રાથમિક શાળાઓમાં રમત-ગમતના મેદાન ન હોય તેવી શાળાઓ અંતે પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં સરકારે જે જવાબ રજૂ કર્યો હતો. તેમાં સરકાર પ્રજાજનોની જેમ ગૃહમાં પણ ખોટા જવાબ આપી લોલીપોપ આપતી હોય તેવું દેખાઈ આવ્યું હતું. સરકારના જવાબ મુજબ ૩૧/૧ર/ર૦૧૭ની સ્થિતિએ રાજ્યની ૭ર૦૯ શાળાઓમાં રમતગમતના મેદાન ન હતા. વળી છેલ્લા બે વર્ષમાં ભાજપ સરકાર દ્વારા માત્ર ર૬૧ જ મેદાનો બનાવવામાં આવ્યા છે. તેવું સ્વીકારયા બાદ ૩૧/૧ર/ર૦૧૯ની સ્થિતિએ રમતગમતના મેદાનો ન હોય તેવી શાળાઓની સંખ્યા ૪૬૧ર જેટલી છે. તેવું જણાવતા રપ૯૭ શાળાઓમાં રમતગમતના મેદાનો ક્યાંથી આવી ગયા ? તે પ્રશ્ન થયા વગર રહેતો નથી કે ‘રમશે ગુજરાત અને જીતશે ગુજરાત’ની વાતોમાં કેટલું સત્ય છે. રમતગમતના મેદાનો વગર ક્યાં રમશે ? રમશે ગુજરાત, જીતશે ગુજરાતની વાતો કરતી ગુજરાતની ભાજપ સરકારમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં રમતગમતના મેદાન ન હોય તેવી શાળાઓ અંગેના પ્રશ્નના જવાબમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું છે કે તા.૩૧/૧ર/ર૦૧૯ની સ્થિતિએ રાજ્યની ૪૬૧ર સરકારી પ્રાથમિક શાળાઓમાં રમતગમતના મેદાન નથી. શિક્ષણમંત્રીએ અગાઉ તેમના જવાબમાં જણાવેલ કે, તા.૩૧/૧ર/ર૦૧૭ની સ્થિતિએ રાજ્યની ૭ર૦૯ શાળાઓમાં રમતગમતના મેદાન નહોતા છેલ્લા બે વર્ષમાં ભાજપ સરકાર દ્વારા માત્ર ર૬૧ શાળાઓમાં જ મેદાનો બનાવવામાં આવ્યા છે. ત્યારે રપ૯૭ શાળાઓમાં રમતગમતના મેદાન ક્યાંથી આવી ગયા ? તા.૩૧/૧ર/ર૦૧૭ની સ્થિતિએ આણંદ જિલ્લામાં રમતગમતના મેદાન વગરની ૧૬૪ શાળાઓ હતી. ત્યાં એકપણ રમતગમતનું મેદાન બનાવ્યા વગર ૧૬૪ શાળાઓમાં રમતગમતના મેદાન ક્યાંથી આવ્યા ? ભાજપ સરકાર જેમ પ્રજાને લોલીપોપ આપે છે. તેવી જ રીતે વિધાનસભા ગૃહમાં પણ ખોટા જવાબો રજૂ કરીને પ્રજાના પ્રતિનિધિઓને પણ ગેરમાર્ગે દોરે છે. વિધાનસભા ગૃહમાં ખોટો જવાબ રજૂ કરનાર શિક્ષણ મંત્રી રાજ્યમાં રમતગમતના મેદાનો બનાવ્યા વગર રપ૯૭ શાળાઓ ક્યાંથી આવી ? તેનો ખુલાસો કરે. તેવો સવાલ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે.