સિધ્ધપુર, તા.ર૪
ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ૧૭૦૦૦ જેટલી સંસ્થાઓ નોંધાયેલી છે. જેના માટે વકફ બોર્ડની એક કારોબારી સમિતિ વકફ કલમ-૧૪ મુજબ રચવામાં આવે છે. જેની નિમણૂક કે ચૂંટણી થઈ શકે છે.
હાલમાં ગુજરાત રાજ્ય વકફ બોર્ડની કારોબારી બોડી નથી. એની સમય મર્યાદા તા.ર૦-ર-૧૬ના રોજ પૂરી થઈ ગયેલ છે. ગુજરાત રાજ્ય વકફ બોર્ડના સભ્યોની નિમણૂક કરવા ઉમરદરાજ ચશ્માવાલા દ્વારા તા.૧૭-૧-૧૮ સુધીમાં ગુજરાત સરકાર રાષ્ટ્રપતિ સહિત ઉચ્ચ સત્તાધિશો તેમજ રાજકીય અગ્રણીઓને ર૪ વાર રજૂઆતો કરેલ છે. આટલી બધી રજૂઆતો કરવા છતાં રાજ્ય સરકારે કોઈ કામગીરી ન કરતા ઉમરદરાઝ અને તેમની ગુજરાત વકફ મોનિટરિંગ કમિટી દ્વારા વકફ બોર્ડની ચૂંટણીની માગણી કરવામાં આવી છે. આ બાબતે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની રિટ પણ અમુક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી હતી. જેના હુકમમાં તા.૧૬-૬-ર૦૧૭ના રોજ હાઈકોર્ટે તા.૩૧-૧૦-૧૭ સુધી વકફ બોર્ડના નવા સભ્યોની નિમણૂક કરવા રાજ્ય સરકારને હુકમ કરેલ છે. તેમ છતાં રાજ્ય સરકારે હાઈકોર્ટના હુકમનો પણ અનાદર કરેલ છે.
વકફ અને વકફની ચૂંટણી બાબતે લોકોને જાગૃત કરવા વકફ મોનિટરિંગ કમિટી અને અલ્પસંખ્યક અધિકાર મંચ-એડવોકેટ, શમશાદ પઠાણ – અમદાવાદ દ્વારા તા.ર૩-ર-૧૮ના રોજ સરદાર પટેલ સ્મારક અમદાવાદ ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉમરદરાઝે જણાવ્યું હતું કે, ગુજરાત વકફ ઈલેક્શન રૂલ્સ ૧૯૯૮ની જોગવાઈઓ મુજબ જ વકફ બોર્ડની નવી બોડીની રચના કરવામાં આવે. તેમજ શમશાદ પઠાણે જણાવ્યું હતું કે, જો આ બાબતે વહેલી તકે અને યોગ્ય કામગીરી નહીં થાય તો એની માટે રસ્તાઓ ઉપર ઉતરવામાં આવશે.
વધુમાં જણાવવાનું કે, સમગ્ર ભારત દેશમાં વકફની પાંચ લાખ કરતાં વધુ મિલકતો છે. જો આયોજનબદ્ધ રીતે વકફની મિલકતોનું સંચાલન કરવામાં આવે તો વકફની મિલકતોમાંથી અંદાજે ૧૦થી ૧ર હજાર કરોડની વાર્ષિક આવક ઉભી થઈ શકે છે. સૌથી વધુ અન્યાય પણ વકફના કર્મચારીઓ એટલે કે ઉલમાઓ સાથે થાય છે. જે તમામ બાબતો માટે સમગ્ર રાજ્ય અને દેશમાં વકફ મોનિટરિંગ કમિટી કામ કરશે. જિલ્લા તેમજ તાલુકા સત્રની સમિતિની રચના કરવામાં આવશે અને વકફને લાગતી દરેક પ્રકારની કામગીરી લોકોની સાથે મળીને કરવામાં આવશે.