(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૩
વિધાનસભામાં આજે બજેટની માગણીઓ પરની ચર્ચા વખતે ઓબીસી, અનુસૂચિત જાતિ સહિતના પછાત વર્ગ માટેના વિવિધ પ્રશ્નો અંગે વિરોધ પક્ષ કોંગ્રેસના ધારાસભ્યોએ રજૂઆતો કરી હતી. રાજ્યની કુલ વસ્તીના પરથી પ૪ ટકા વસ્તી ઓબીસીની હોવા છતાં સરકારના કુલ બજેટ પૈકી તેના બહુ જ ઓછું ફાળવવામાં આવે છે અને જે બજેટ ફાળવાય છે તે પણ વર્ષના અંતે પૂર્ણરૂપે વપરાતું નથી અને રકમ વણવપરાયેલી રહી જતી હોવાની રજૂઆત કરતાં કોંગ્રેસે સરકારની નીતિ-રીતિ પર આકરા પ્રહારો કર્યા હતા તો પર્યાવરણ મુદ્દે પ્રદૂષણ કરતાં ઉદ્યોગ એકમોને સેટીંગ કરી છાવરવામાં આવતાં હોવાના આક્ષેપો પણ કર્યા હતા. વિધાનસભામાં ચર્ચા વખતે આજે કોંગ્રેસના ધારાસભ્ય બળદેવ ઠાકોરે જણાવ્યું હતું કે, સરકારે ૧૪૭ જાતિઓનો બક્ષીપંચ (ઓબીસી)માં સમાવેશ કરાયો છે અને રાજ્યની કુલ વસ્તીમાં પ૪ ટકા જેટલી વસ્તી ઓબીસીની છે તેમ છતાં તેના પ્રમાણમાં બજેટ સરકાર ફાળવતી નથી. આદિજાતિ સહિતના પછાત વર્ગના કુલ બજેટમાંથી માત્ર ૧૯૦૦ કરોડની જોગવાઈ ઓબીસી માટે કરાઈ તે બહુ ઓછી છે અને અન્યાયકર્તા છે. કેન્દ્ર સરકાર તરફથી પણ આ અંગે ર૦૧૩-૧૪ સુધી સહાય મળતી હતી તે પછીથી તે બંધ થઈ ગઈ હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું કે ઓબીસીના બાળકો ભણી શકે તે માટે હાલ ચારથી પાંચ હજાર જેટલા અપાય છે જેમાં ડૉક્ટર માટે ચાર ટકા વ્યાજે માત્ર રૂા.રપ હજાર જ અપાય છે તો આટલી રકમમાં શું થાય ? તે વિચારવું રહ્યું માટે સરકારે તેમાં વધારો કરવો જોઈએ. આ જ સ્થિતિ કોળી-ઠાકોર વિકાસ નિગમની છે જેને બહુ ઓછી રકમ સરકાર ફાળવે છે જેનાથી નિગમ દ્વારા ખાસ કામગીરી થઈ શકતી નથી. બેકલોગની વધુમાં વધુ જગ્યા ઓબીસીની ભરવાની બાકી છે. ભાજપ શાસન આવ્યું ત્યારથી ધારાસભ્યો, મંત્રીઓની ભરતીઓ થાય છે તેવો કટાક્ષ કરતાં તેમણે કહ્યું કે પરંતુ ઓબીસીની ભરતી નોકરીઓમાં કરાતી નથી. કોંગ્રેસના પૂંજાભાઈ વંશે પણ ઓબીસીની વસ્તી રાજ્યમાં પર ટકા જેટલી છે તેમ છતાં તેના પ્રમાણમાં બજેટ ફાળવવાની વાત દર બજેટ વખતે કરાય છે પરંતુ સરકાર તેમાં કંઈ કરતી નથી. ઓબીસીના વિકાસ માટે આ બજેટ અપૂરતું છે. તેટલું જ નહીં જે બજેટ ફાળવાય છે તે પણ વિભાગ દ્વારા પૂર્ણ રીતે વપરાતું નથી અને રકમ વણવપરાયેલી રહે છે જેના કારણે પ્રજાના કામો થતાં નથી. વર્ષ ર૦૧૪-૧પમાં રૂા.૪૯.૯૭ કરોડ, ર૦૧પ-૧૬માં ૧૭૭ કરોડ, ર૦૧૬-૧૭માં ર૦૬ કરોડ, ર૦૧૭-૧૮માં ૧૭૬.૮૭ કરોડ અને ર૦૧૮-૧૯માં ૧૭.૪ કરોડ રકમ વપરાયા વિના પડી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે મોદી-માલ્યાને કરોડો રૂપિયાનું ધિરાણ આપી ભાગી જાય છે તેની સામે પર ટકા વસ્તી ધરાવતા ઓબીસી માટે મોટી રકમની ફાળવણી કરવી જોઈએ. ધારાસભ્ય લલિત વસોયા અને જીતુ ચૌધરીએ પર્યાવરણની ચિંતા કરતાં પ્રદૂષણ ફેલાવતા ઔદ્યોગિક એકમોની વાત કરી હતી. આવા પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે યોગ્ય કડક પગલાં લેવાતા નથી. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થાય છે તેમ છતાં ઉદ્યોગોવાળા સાથે બારોબાર ગોઠવણ થઈ જતી હોય છે. રાજ્યમાં પ્રદૂષણની માત્ર ચિંતાજનક રીતે વધી રહી હોઈ સરકાર આમાં ગંભીર બને તે જરૂરી છે.

OBC સમાજને અન્યાય ન થાય તે માટે CM પૂરતું ધ્યાન આપે

ગાંધીનગર, તા.ર૩
વાવના ધારાસભ્ય ગેનીબેને સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું કે, રાજ્યમાં આટલી મોટી વસ્તી ધરાવતો સમાજ હોવા છતાં સરકાર તેમની સાથે અન્યાય કરી રહી છે. રાજ્યમાં ઓબીસી સમાજની સ્થિતિ સારી નથી. ઓબીસી સમાજને ન્યાય થાય તે માટે સીએમ પૂરતું ધ્યાન આપે. આ સિવાય સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના બજેટ અંગેની ચર્ચામાં ગેનીબેને પોતાનું નિવેદન ગૃહમાં સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઓબીસી સમાજની વસ્તી ૫૨ ટકા છે છતાં બજેટ ઓછું ફાળવવામાં આવ્યું છે. ઓબીસી સમાજના બાળકોને અભ્યાસ માટે દાતાઓ સંકુલ બનાવી આપે છે, બાદમાં જાળવણી થતી નથી. બાળ લગ્ન અટકાવવા અભ્યાસ માટેની યોગ્ય વ્યવસ્થા સરકારે કરવી જોઈએ. ઓબીસી સમાજની સ્થિતિ સારી નથી, છતાં સત્તાપક્ષના પ્રતિનિધિ સાચું બોલતા નથી. ગેનીબેને વધુમાં જણાવ્યું હતું કે, સત્તાપક્ષના ઓબીસી સમાજના એમએલએને ટિકિટ કપાવવાનો અને મંત્રીનું પદ જવાનો ડર લાગે છે. ઓબીસી સમાજને ન્યાય થાય તે માટે મુખ્યમંત્રી પૂરતું ધ્યાન આપે.