(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૫
રાજ્યમાં જ્યારથી ભાજપની સરકાર સત્તામાં આવી ત્યારથી એટલે કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયથી ઉત્સવો અને ઉજવણી પાછળ તથા સરકારના ભપકાદાર કાર્યક્રમો પાછળ પ્રજાના કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ત્યારે બીજી તરફ તેમના જ શાસન કાળમાં જીવન માટે અત્યંત મહત્ત્વપૂર્ણ શિક્ષણ મેળવવા જતાં બાળકો શાળામાં ઓરડાઓના અભાવે ખુલ્લા આકાશ તળે કે વૃક્ષ નીચે શિક્ષણ મેળવવા મજબૂર બન્યા છે. ભાજપના શાસનમાં રાજ્યની શાળાઓમાં આર.ટી.ઈ.ના અમલ બાદ બાળકો વધતાં ૪૬,૬૬૦ જેટલા ઓરડાઓની અછત વર્તાવવા પામી હતી. તે બાદ છેલ્લા કેટલાક વર્ષોથી ઓરડા બનાવવાનું હાથ ધરાતા તેમ છતાં હજુય રાજ્યની શાળાઓમાં ૧૬,૪૪૩ ઓરડાઓની ઘટ વર્તાઈ રહી હોવાની હકીકતની ખુદ સરકાર દ્વારા કબુલાત કરવામાં આવી છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ સ્થિતિમાં કેવી રીતે ‘વાંચશે ગુજરાત’ અને ‘ભણશે ગુજરાત’. વિધાનસભાના બજેટ સત્રમાં આજે પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન રાજ્યની શાળાઓમાં બાળકો, ઓરડાઓ વિના શિક્ષણ મેળવતા હોવાનો મુદ્દો ચર્ચાયો હતો. આજના દિવસની પ્રશ્નોની પુસ્તિકામાં આ સંદર્ભમાં ઘણા પ્રશ્નો પૂછવામાં આવતાં તેના જવાબમાં શિક્ષણ મંત્રીએ શાળાઓમાં ઓરડાઓની ઘટ અંગે છણાવટ કરી હતી. રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓમાં ખુદ સરકારના મંત્રીના જણાવ્યા અનુસાર હાલમાં ૧૬૪૪૩ ઓરડાઓની ઘટ છે એટલે કે શાળાઓમાં ઓરડાના અભાવે બાળકોને ખુલ્લા આકાશ તળે વૃક્ષની નીચે શિક્ષણ મેળવવું પડી રહ્યું છે. આજની જ પ્રશ્નોત્તરીમાં એક તરફ સરકારના જણાવ્યા અનુસાર રાજ્યમાં રણોત્સવ, પતંગોત્સવ, નવરાત્રિ જેવા ઉત્સવો પાછળ રૂા.૩૮ કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો. ત્યારે તેની સામે રાજ્યની શાળાઓમાં હજુ ૧૬,૪૪૩ ઓરડાઓ ઓછા છે. તો જો આટલો ખર્ચ ઓરડાઓ પાછળ કર્યો હોત તો તેનાથી કેટલા બધા ઓરડાઓ બની શક્યા હોત. સરકારના શિક્ષણ રાજ્ય મંત્રીએ આજે જવાબમાં કબુલાત કરતાં જણાવ્યું હતું કે ભાજપના અગાઉના શાસન કાળમાં ઓરડાઓની ઘટ રાજ્યમાં ૩ર,૩૧૦ જેટલી હતી તે પછી આરટીઈનો કાયદો આવતાં બાળકો વધતાં રાજ્યની શાળાઓમાં ૪૬,૬૬૦ ઓરડાઓની ઘટ થઈ જવા પામી હતી. તે પછી સરકાર દ્વારા ઓરડાઓ બનાવવાની કામગીરી હાથ ધરાતા હવે ૧૬૪૪૩ની ઘટ રહી જવા પામી છે અને હજુ કામગીરી ચાલુ હોઈ બાકીના ઓરડા પણ ઝડપથી બનાવી દેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જે ઓરડાઓની ઘટ છે તેમાં રાજ્યમાં સૌથી વધુ ઓરડાઓની ઘટ આદિવાસી વિસ્તાર દાહોદમાં ૧૪૧૬ અને બનાસકાંઠામાં ૧૧૦૪ રહેવા પામી છે. તે પછીના ક્રમે સાબરકાંઠા ૮ર૮ અને પંચમહાલ ૮૩પ પણ આદિવાસી બહુમતીવાળા જિલ્લાઓમાં ઓરડાઓની ઘટ વર્તાય છે ત્યારે આદિવાસીઓના હિતની વાતો કરતી આ સરકારમાં એમના વિસ્તારની સ્થિતિ રજૂ થઈ છે.