(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૩
રાજ્યની સરકારી હોસ્પિટલોમાં જન્મેલા બાળકો પૈકી છેલ્લા બે વર્ષમાં ૧પ હજારથી વધુ બાળકોનાં મૃત્યુ થયા છે. એટલે કે દરરોજ ર૦થી વધુ બાળકો મોતને ભેટતા હોવાની ચોંકાવનારો ખુલાસો આજરોજ ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે એકરાર કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે જવાબ આપ્યો છે કે, સરકારી હોસ્પિટલોમાં છેલ્લા બે વર્ષમાં ૧૫ હજાર ૧૩ બાળકોનાં મોત થયા છે. બે વર્ષમાં સરકારી હોસ્પિટલોમાં ૭૧૭૭૪ બાળકોનો જન્મ થયો હતો. જેમાંથી સૌથી વધુ અમદાવાદની સરકારી હોસ્પિટલમાં ૪૩૨૨ બાળકોના મોત થયા છે. મોતને ભેટેલા આ બાળકો સીક ન્યૂબોર્ન કેર યુનિટમાં દાખલ થયા હતા.
રાજ્યમાં છેલ્લા ૨ વર્ષમાં સરકારી હોસ્પિટલમાં ૭૧૭૭૪ બાળકોનો જન્મ થયો હોવાની અને તે પૈકી ૧૫,૦૧૩ બાળકો મૃત્યુ પામ્યા હોવાની વાત સરકારે સ્વીકારી છે. સરકારે તે વાત કબૂલી હતી કે, દર ૨ દિવસે ૪૧ બાળકોનો મૃત્યુ થાય છે. જેથી દરરોજ ૨૦ કરતાં વધુ બાળકોનો મૃત્યુઆંક ગુજરાતમાં છે. સૌથી વધુ ૪૩૨૨ બાળકો અમદાવાદના સરકારી હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા છે.
છેલ્લા બે વર્ષમાં સરકારી હોસ્પિટલોમાં જન્મેલા બાળકો પૈકી સિક ન્યુ બોર્ન કેર યુનિટમાં દાખલ થયેલ બાળકોની સૌથી વધુ સંખ્યા અમદાવાદમાં ૧ર૬૩૭, બીજા ક્રમે સુરત ૯૬૬૭, ત્રીજા ક્રમે વડોદરા ૬પ૭૬, ચોથા ક્રમે છોટાઉદેપુર ૬ર૪૬ અને પાંચમાં ક્રમે જામનગરમાં ૪૩૬૧નો સમાવેશ થાય છે. જ્યારે સિક ન્યુ બોર્ન કેર યુનિટમાં સારવાર દરમિયાન મોતને ભેટેલ બાળકોની સંખ્યા સૌથી વધુ અમદાવાદમાં ૪૩રર, બીજા ક્રમે વડોદરામાં ર૩૬ર, ત્રીજા ક્રમે સુરતમાં ૧૯૮૬, ચોથા ક્રમે રાજકોટમાં ૧૭પ૮ અને પાંચમાં ક્રમે જામનગરમાં ૮૩૯ બાળકોનો સમાવેશ થાય છે.