ભાજપ દ્વારા પેજપ્રમુખ ફોર્મ્યુલાથી બહુમત મેળવવાનું ગણિત !
કોંગ્રેસ હજુ જૂની પદ્ધતિથી મંદગતિએ ચૂંટણી તૈયારીમાં વ્યસ્ત

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.ર૩
રાજયની સ્થાનિક સ્વરાજય સંસ્થાઓની ચૂંટણીઓ જાહેર થતાની સાથે જ તે અંગે રાજકીય પક્ષોમાં કાઉન્ટડાઉન શરૂ થઈ જવા સાથે અગાઉના પરિણામો અને યોજાનાર ચૂંટણીના દેખાવ મુદ્દે ચર્ચાઓ શરૂ થઈ જવા પામી છે અગાઉની સામાન્ય ચૂંટણી વખતે રાજયના શહેરી વિસ્તારોમાં ભાજપનું પ્રભુત્વ રહ્યું હતું તો ગ્રામ્ય-તાલુકા કક્ષાએ કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો હતો. એટલે કે તાલુકા-જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસ અને મહાપાલિકા તથા નગરપાલિકામાં ભાજપ બાજી મારી ગયું હતું. જો કે પરિણામો બાદથી પાંચ વર્ષના ગાળા દરમ્યાન ભાજપ દ્વારા તડજોડની નીતિ અપનાવી પાછળથી કેટલીક તાલુકા-જિલ્લા પંચાયતોમાં પોતાનું બહુમત સાબિત કરવાના પ્રયાસો પણ કરાયા હતા.
વર્ષે ૨૦૧૫ની ચૂંટણી બાદ યોજાયેલી પેટા ચૂંટણીના અંતે વર્તમાન સમયમાં જો સ્થાનિક સ્વરાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓની વાત કરવામાં આવે તો ભાજપ પાસે મહાનગરપાલિકાની ૬૬૪ બેઠકોમાંથી ૪૭૩ બેઠકો છે. એટલે કે મહાનગરપાલિકામાં ભાજપના ૭૧.૨૩ પ્રતિનિધિઓ ચૂંટાયા છે.
જ્યારે નગરપાલિકાના ૪,૯૮૭માંથી ભાજપના ૩,૦૯૯ પ્રતિનિધિઓ ચૂંટાયા છે. એટલે કે ૬૨.૧૪ ટકા ઉમેદવાર ચૂંટાયા છે. જિલ્લા પંચાયતના કુલ ૧,૦૯૮ ઉમેદવારમાંથી ભાજપના ૫૧૨ પ્રતિનિધિ છે. એટલે કે ૪૬.૬૩ ઉમેદવાર ચૂંટાયા છે. જ્યારે તાલુકા પંચાયતની ૫,૨૧૮ બેઠકમાંથી ૨,૫૯૩ બેઠક ભાજપ પાસે છે, એટલે કે ૪૯.૬૯ ટકા ઉમેદવાર જીત્યા હતા.
હવે જ્યારે વર્ષે ૨૦૨૧માં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે રાજ્યમાં કોઈ પણ પ્રકારના આંદોલનો નથી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ પેજ પ્રમુખ ફોર્મ્યુલાથી વિધાનસભાની આઠમાંથી આઠ બેઠકોની પેટા ચૂંટણી પર ભાજપે જીત મેળવી છે. બીજી તરફ ભાજપ કાર્યકરો પણ રિચાર્જ થઈ ગયા છે ત્યારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ૧૧ હજાર જેટલી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકોમાંથી વધુમાં વધુ બેઠકો જીતવાનો લક્ષ્યાંક ભાજપ અધ્યક્ષ કાર્યકરોને આપ્યો છે. બીજી તરફ કૉંગ્રેસ હજુ પણ પોતાની જૂની પદ્ધતિથી ચૂંટણીની તૈયારી કરી રહ્યું છે. આથી હવે જોવાનું એ રહેશે કે ભાજપ પોતાની ઐતિહાસિક જીત કેવી રીતે મેળવે છે અને કૉંગ્રેસ પોતાની બેઠકો કેવી રીતે જાળવી શકે છે.