(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.૧૮
રાજ્યની ૩૩ જિલ્લાઓમાં પ્રમુખની કેટેગરી (અનામત સહિત)ની સત્તાવાર જાહેરાત વિકાસ કમિશનર દ્વારા કરવામાં આવી છે. જે મુજબ રાજયના તમામ ૩૩ જિલ્લાઓમાં એસ.સી., એસ.ટી., જનરલ અને સ્ત્રી અનામત પ્રમુખની વરણી કરવામાં આવશે. જે મુજબ હવે અમદાવાદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ જનરલ કેટેગરીના રહેશે. જયારે બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં અનામત કેટેગરીમાં એસ.ટી.ના મહિલા પ્રમુખ બનશે. એ જ રીતે સાબરકાંઠામાં એસ.સી.ના મહિલા ઉમેદવાર પ્રમુખ પદ મેળવી શકશે. ૧૧ જિલ્લા પંચાયતોમાં જનરલ કેટેગરીના મહિલા પ્રમુખ સત્તા ગ્રહણ કરશે.
રાજયના વિકાસ કમિશનર દ્વારા રાજયની તમામ ૩૩ જિલ્લા પંચાયતોમાં પ્રમુખ માટેની કેટેગરી નકકી કરવામાં આવેલ છે. પ્રો. રેલ મુજબ પ્રમુખ પદની કેટેગરી બદલાતી રહેતી હોય છે તે મુજબ જ આ નવી જાહેરાત કરવામાં આવી છે. વિકાસ કમિશનર દ્વારા ૩૩ જિલ્લાઓના પ્રમુખ પદની કેટેગરીની સરકારી ગેઝેટમાં પ્રસિધ્ધિ પણ કરી દેવામાં આવી છે. આ નવા ફેરફાર મુજબ એસ.સી.ની અનામત કેટેગરી માટે અમરેલી અને સાબરકાંઠા જિલ્લા પંચાયતનો સમાવેશ કરાયો છે. જેમાં સાબરકાંઠામાં મહિલા એસ.સી. પ્રમુખ બનશે તે પ્રમાણે જ એસ.ટી. અનામત કેટેગરીમાં બનાસકાંઠા, દાહોદ, ડાંગ, જૂનાગઢ, નર્મદા, પોરબંદર અને તાપી મળી કુલ સાત જિલ્લા પંચાયતોનો સમાવેશ કરાયો છે. આ પૈકી બનાસકાંઠા, તાપી અને ડાંગમાં એસ.સી.ના મહિલા પ્રમુખ પદ મેળવશે.
જયારે અરવલ્લી, છોટાઉદેપુર અને ગીર સોમનાથ જિલ્લા પંચાયતો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે અનામત રહેશે. તે પૈકી અરવલ્લી અને છોટાઉદેપુરમાં મહિલા ઉમેદવાર પ્રમુખ પદ મેળવશે. બાકી રહેલી ર૧ જિલ્લા પંચાયતોનો જનરલ કેટેગરીમાં સમાવેશ કરાયો છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, મહેસાણા, રાજકોટ, ગાંધીનગર, ભાવનગર, ભરૂચ વગેરે જિલ્લા પંચાયતોનો સમાવેશ થાય છે. આ કુલ ર૧ પૈકી ૧૧ જિલ્લા પંચાયતો (સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, ભાવનગર, મહેસાણા સહિત)માં જનરલ કેટેગરીમાં મહિલા પ્રમુખ પદ મેળવાશે.