અમદાવાદ-સુરત-વડોદરા-રાજકોટ-જામનગર-ભાવનગર મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી તા.ર૧ ફેબ્રુઆરીએ
૮૧ નગરપાલિકા-૩૧
જિ. પંચાયત-ર૩૧ તાલુકા પંચાયતની તા.ર૮ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે
ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાં રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં આચારસંહિતા લાગુ

 

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.ર૩
રાજયમાં મ્યુનિ. કોર્પોરેશન સહિત સ્થાનિક સ્વરાજય સંસ્થાઓની ચૂંટણી અંગે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આણતા આજે રાજય ચૂંટણી આયોગ સ્થાનિક સ્વરાજય સંસ્થાઓની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી છે. અગાઉથી જેની સંભાવના હતી તેમજ આ ચૂંટણી બે તબક્કામાં યોજાવાનું જાહેર કરાયું છે જે મુજબ રાજયની છ મહાપાલિકાની ચૂંટણી તા.ર૧મી ફેબ્રુઆરીએ અને બાકીની જિલ્લા-તાલુકા પંચાયત-પાલિકાઓની ચૂંટણી તા.ર૮મી ફેબ્રુઆરી યોજાવાની જાહેરાત કરાઈ છે બે તબક્કાની ચૂંટણી બાદ મતગણતરી પણ એ જ રીતે બે તબક્કા વચ્ચે યોજાશે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે. ૬ મહાનગર પાલિકાની ચૂંટણી ૨૧ ફેબ્રુઆરીએ અને ૮૧ નગર પાલિકાની ચૂંટણી ૨૮ ફેબ્રુઆરીએ તથા ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવા તઈ રહી છે. આજે ૨૩ જાન્યુઆરીના રોજ ગુજરાત ચૂંટણી આયોગે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત કરી છે. જેમા ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ મહાનગરપાલિકા માટે ૦૧ ફેબ્રુઆરી તેમજ જિલ્લા/તાલુકા પંચાયત/નગરપાલિકા માટે ૮ ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે. ઉમેદવારોને ઉમેદવારી પત્રો ભરવા માટેની છેલ્લી તારીખ ૬ ફેબ્રુઆરી તથા જિલ્લા/તાલુકા પંચાયત/નગરપાલિકા ૧૩ ફેબ્રુઆરી નક્કી કરાઇ છે. ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ મહાનગરપાલિકા માટે ૮ ફેબ્રુઆરી તથા બાકી તમામ જિલ્લા-તાલુકા માટે ૧૫ ફેબ્રુઆરી છે. આ દરમિયાન મહાનગરપાલિકાના ઉમેદવાર ૯ ફેબ્રુઆરી સુધીમાં પોતાની ઉમેદવારી પરત ખેચી શક્શે તથા જિલ્લા/તાલુકા પંચાયત/નગરપાલિકાના ઉમેદવાર ૧૬ ફેબ્રુઆરી સુધીમાં પોતાની ઉમેદવારી પરત ખેચી શક્શે. રાજ્યની ૬ મહાનગર પાલિકાના મતદારો ૨૧/૨/૨૦૨૧ રવિવારના રોજ સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન કરી શક્શે. જ્યારે ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત અને ૮૧ નગર પાલિકાના મતદારો ૨૮/૨/૨૦૨૧ રવિવારના રોજ સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન કરી શક્શે. ૬ મહાનગરપાલિકાની મતગણતરીની તારીખ ૨૩/૨/૨૦૨૧ અને ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત અને ૮૧ નગર પાલિકાની ચૂંટણીની મતગણતરી ૦૩/૦૨/૨૦૨૧ના રોજ હાથ ધરાશે.
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જણાવાયા અનુસાર ઉપરોક્ત મહાપાલિકા-પાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીની સાથે રાજ્યમાંની કેટલીક સ્થાનિક-સ્વરાજ્ય સંસ્થાઓની ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણી પણ યોજાશે. જેમાં જૂનાગઢ મ્યુનિ. કોર્પોરેશનની બે બેઠકો તથા તાલુકા પંચાયતની ત્રણ બેઠક, નગરપાલિકાઓની ર૬ બેઠક માટે પેટાચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ કરવામાં આવશે. ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તેમ પણ આયોગ દ્વારા જણાવાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની મુદત છેલ્લા એક માસથી પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે આજે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. રાજ્યની ૩૧ જિલ્લા પંચાયતો, ૨૩૧ તાલુકા પંચાયતો, ૮૩ નગરપાલિકાઓ અને ૬ મહાનગરપાલિકાઓ મુદ્દત પૂર્ણ થઈ જતાં હાલ વહીવટદાર શાસન છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં આ ચૂંટણી જીતવા ભાજપ અને કોંગ્રેસે છેલ્લા એક મહિનાથી કવાયત હાથ ધરી છે. ઉમેદવારો નક્કી કરવા માટે નિરીક્ષકોની નિમણૂંક સહિતની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. બન્ને પક્ષો હાલ ચૂંટણી જાહેર થવાની રાહ જોઈ રહ્યાં છે. કોરોનાના લીધે એક તબક્કે બન્ને પક્ષોમાં મતદાન પર અસર થવાનો ડર પણ વ્યાપેલો છે.
ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવતાની સાથે જ આજથી રાજ્યમાં આચરસંહિતાનો અમલ શરૂ થઇ ગયો છે. ચૂંટણી પંચે હાલ પ્રવર્તમાન કોરોના કાળનાં કારણે ચૂંટણી માટેની જડબેસલાક વ્યવસ્થા અને તૈયારીઓ કરી લીધી છે. રાજ્યમાં લાંબા સમયથી જોવામાં આવતી ચૂંટણી રાહ વચ્ચે ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવતા ભાજપ, કોંગ્રેસ સહિતની પાર્ટી આજથી જ કામે લાગશે.