(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૬
ગત તા.૪ ફેબ્રુઆરીના રોજ યોજાયેલી ૧૧ર૯ ગ્રામ પંચાયતોની ચૂંટણીના આજે પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. ૧૧ર૯ પૈકી ૯૦૦ સરપંચોના વિજેતા જાહેર થયા હતા જ્યારે ૪૬૯૭ સભ્યો વિજેતા બન્યા હતા. ગ્રામ પંચાયતોની ચૂંટણી મોટાભાગે પક્ષના નિશાન પર લડાતી નથી. તેમ છતાં ભાજપે ૮૦ ટકાથી વધુ ગ્રામ પંચાયતો જીતી હોવાનો તો કોંગ્રેસે ૭૦ ટકાથી વધુ ગ્રામ પંચાયતો કબજે કરી હોવાનો દાવો કર્યો છે.
આજે ગ્રામંચાયતોની ચૂંટણીના પરિણામો હોવાથી જે તે મતગણતરી સેન્ટર અને ગ્રામપંચાયત વિસ્તારમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વહેલી સવારથી મતગણતરી કેન્દ્રો ખાતે ઉમેદવારોના ટેકેદારો હાજર થઈ ગયા હતા અને જેમ જેમ પરિણામો આવતા ગયા અને સરપંચો અને સભ્યો વિજેતા જાહેર થતા ટેકેદારોએ વિજયી સરઘસ કાઢી તેમને વધાવી લીધા હતા.
દરમ્યાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજયી થયેલ સરપંચો અને સદસ્યોને અભિનંદન પાઠવ્યા હતા.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ૭૦ ટકાથી વધુ પંચાયતોમાં કોંગ્રેસ સમર્થક સરપંચો અને સદસ્યો વિજયી બન્યા છે. ગ્રામ વિરોધી ભાજપ સરકાર, ખેડૂત વિરોધી ભાજપ સરકાર જે સિંચાઈનું પાણી, ગ્રામ્ય વિસ્તારમાં યુવાનોને રોજગાર, મગફળી-કપાસના ટેકાના પોષણક્ષમ ભાવ વગેરે જેવી સુવિધાઓ ન આપવાના કારણે ખેડૂતો પાયમાલી ભોગવી રહ્યાં છે. ગુજરાતમાં બે વર્ષ અગાઉ જિલ્લા પંચાયત – તાલુકા પંચાયતની ચૂંટણીમાં ૨૩ જિલ્લા પંચાયત અને ૧૪૬ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને જન સમર્થન – જન આશીર્વાદ મળ્યા હતા અને ભાજપનો કારમો પરાજય થયો હતો સાથોસાથ વિધાનસભા ૨૦૧૭માં ગ્રામ વિસ્તારના ૮૦ ટકા વિધાનસભા ક્ષેત્રમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોને જન સમર્થન-જન આશીર્વાદથી વિજયી થયા હતા.
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને શુભેચ્છા આપતા ભાજપના પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આજે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામોમાં ૭૫થી ૮૦ ટકા ભાજપા સમર્થિત સરપંચ અને સદસ્યો ચૂંટાઈને આવ્યા છે. ગ્રામ્ય સ્તરે ભાજપાની ગ્રામ્ય વિકાસનીતિ, યોજનાઓને સ્વીકારીને જનતાએ ભાજપા સમર્થિત ઉમેદવારોને જીતાડ્યા છે. કોંગ્રેસની નકારાત્મકતા અને વેર-ઝેરના સતત પ્રયત્નો વચ્ચે ભાજપાની શાંતિ, એકતા અને વિકાસની લાગણીને માન આપીને ૨૯૨ ગ્રામ પંચાયતોમાં સમરસ સરપંચો થયા છે તે ખૂબ સારી બાબત છે. તેમાંથી ભાજપાના ૮૦ ટકા જેટલા સરપંચો ચૂંટાઈ આવ્યા છે. ૧૨૩૮૬ કુલ વોર્ડમાંથી ૫૩૯૭ વોર્ડ બિનહરીફ એટલે કે સમરસ થયા છે. તે પણ એક નોંધનીય અને અભિનંદનીય બાબત છે. વાઘાણીએ જણાવ્યું હતું કે, નગરપાલિકામાં જાફરાબાદ નગરપાલિકામાં ૨૮માંથી ૨૮ બેઠકો પર ભાજપા બિનહરીફ થયેલ છે. આ ઉપરાંત કચ્છની રાપર નગરપાલિકામાં ૬ સભ્યો, રાજકોટ જીલ્લાની ધોરાજી નગરપાલિકામાં ૧, પંચમહાલની હાલોલ નગરપાલિકામાં ૧ અને ખેડા જિલ્લાની મહુધા અને મહેમદાવાદ નગરપાલિકામાં ૧-૧ સભ્યો એમ કુલ ૩૮ બિનહરીફ ભાજપાના સભ્યો ચૂંટાયા છે.

અભિનંદન કાર્યક્રમમાં સરપંચો ન ફરકતાં
સ્ટાફનું જ અભિવાદન કરાયું !

રાજ્યના ગ્રામપંચાયતોની ચૂંટણીમાં ભાજપે ૮૦ ટકાથી વધુ ગ્રામપંચાયતો જીતી લીધી હોવાનો દાવો કરી કમલમ્‌ ખાતે સાંજના ચાર વાગ્યા ઉજવણી કરી સરપંચોના અભિવાદન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. પરંતુ સાંજ સુધી એકપણ સરપંચ ન આવતા અને ભાજપના પ્રવક્તા સિવાય કોઈ મોટા જોવા ન મળતા ભાજપના આ કાર્યક્રમ ફ્લોપ શો પૂરવાર થયો હતો પરંતુ નાક રાખવા ભાજપે કમલ્‌મમાં કામ કરતા કર્મચારીઓ અને ડ્રાઈવરોને ખેસ પહેરાવી બનાવટી સરપંચો ઊભા કરી ઉજવણીનું નાટક કર્યું હતું. આના પરથી ભાજપના ૮૦ ટકા ગ્રામપંચાયતો કબજે કર્યાના દાવાનું સૂરસુરીયું થયું હતું.