ગાંધીનગર,તા.૨
૩જી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ ૪ ગુજરાતીનું ખાસ સન્માન કરશે અને તેમણે કરેલાં કાર્યો બદલ બિરદાવશે સાથે આગામી દિવસોમાં ગ્રામીણ વિકાસ બાબતે તેમની પાસેથી જાણકારી મેળવશે. જેમાં કચ્છની ૫ હજાર વર્ષ પૌરાણિક અજરખબાટિક હસ્તકલાના જાણતલ ઇસ્માઇલ ખત્રી, જળ વ્યવસ્થાપન સહિતના ક્ષેત્રે ઉમદા કામ કરનાર બિપ્લબ કેતન પોલ (અમદાવાદ), રખડતું ભટકતું જીવન ગુજારતા વંચિતોનાં ઉદ્ધારક મિત્તલ પટેલ (અમદાવાદ, શંખલપુર) તેમજ પુંસરીને શહેરોને પણ ટક્કર મારે તેવું ગામ બનાવી દેશને પ્રથમ મૉડેલ વિલેજ આપનાર હિમાંશુ પટેલ (સાબરકાંઠા)નો સમાવેશ થાય છે.
હિમાંશુ પટેલ (સાબરકાંઠા) સ્માર્ટ વિલેજના સર્જક-પુંસરીને દેશનું પ્રથમ સ્માર્ટ વિલેજ બનાવનાર સરપંચ. વર્ષ ૨૦૦૬માં નાની વયે સરપંચ બની ૨૦૧૩માં ભારતની નંબર ૧ ગ્રામ પંચાયત બનાવી. આ પૂર્વ સરપંચે વિકસાવેલા મોડલ ગ્રામ પર હાલ દેશના ૧૦ હજાર સરપંચો કામ કરી રહ્યા છે. તો છેલ્લા ૩ વર્ષમાં ૨ લાખથી વધુ લોકો તેમની મુલાકાત લઈ ચૂક્યા છે. હિમાંશુ પટેલના આ સફળ કામને ધ્યાને લઇ ભારત સરકારના કુપોષણ મુક્ત ભારતના પ્રોજેક્ટ માટે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિમણૂંક કરાઇ છે. વંચિતોના વણોતર મિત્તલ પટેલ-મહેસાણાના શંખલપુર ગામમાં ઉછરેલી ખેડૂત પુત્રી અહીંની જ શાળામાં ભણી ગણી અને કલેકટર બનવાનાં સપના સાથે અમદાવાદ આવી. અભ્યાસના ભાગરૂપે અચાનક લોકસેવાના ક્ષેત્રમાં પહોંચી ગયાં. કલેક્ટર બનવાનું સપનું છોડી સરનામાં વગરનાં, રખડતું ભટકતું જીવન જીવતાં હજારો પરિવારોને સરનામું અપાવ્યું. દેહવિક્રયના વમળમાં ખૂંપેલી વાડિયાની અનેક મહિલાઓને ઉગારી. રાષ્ટ્રપતિના હસ્તે નારીશક્તિ પુરસ્કાર સહિત અનેક સન્માન મેળવી ચૂક્યાં છે. પાણીદાર માણસ બિપ્લબ કેતન પોલ – ઉત્તર ગુજરાતના સૂકા પ્રદેશમાં જળ વ્યવસ્થાપન ક્ષેત્રે અદ્વિતીય કામગીરી કરી છે. તેમણે વિકસાવેલી ‘ભૂંગરું’ નામની ટેકનિક પાણી રિચાર્જ માટે શ્રેષ્ઠ વ્યવસ્થા છે. દુષ્કાળની સ્થિતિ પણ ભૂંગરું દ્વારા સંગ્રહિત પાણીથી ખેડૂતો વર્ષે બે પાક મેળવે છે. પાટણ જિલ્લાના પાંચ ગામોમાં સૌપ્રથમ ભૂંગરું બનાવ્યા હતા. એક ભૂંગરું ૧૫ એકર જમીનની સિંચાઇની જરૂરિયાત પૂરી કરે છે, જે વર્ષમાં બે વાર જમીનને ઉત્પાદક બનાવે છે. હસ્તકલાનો જાણતલ કચ્છીમાંડું ઇસ્માઇલ ખત્રી-ભૂજથી ૧૦ કિમીના અંતરે આવેલા અજરખપુર ગામના અભણ એવા ઇસ્માઇલ ખત્રી ૫૦૦૦ વર્ષ જૂની અજરખબાટિક હસ્તકલા આજે પણ રખોપી રહ્યા છે. અજરખબાટિક હસ્તકલાનો વિશ્વમાં ફેલાવનાર ઇસ્માઇલ ખત્રીને યુકેની ડી મોન્ટફોર્ટ યુનિ.એ ૨૦૦૨માં ખાસ લંડન બોલાવી ડૉક્ટરેટની પદવીથી સન્માનિત કર્યા હતા. યુનેસ્કો દ્વારા સીલ ઓફ એક્સેલન્સ એવોર્ડથી નવાજાયા હતા. અજરખ બ્લોક પ્રિન્ટીંગના તેઓ અચ્છા કારીગર છે.
રાજ્યનું નામ રોશન કરનાર ચાર ગુજરાતીઓનું આજે રાષ્ટ્રપતિના હસ્તે સન્માન કરાશે

Recent Comments