અમદાવાદ,તા.૧૯
પાટીદાર અનામત આંદોલન વેળા વિવિધ જગ્યાએ મંજૂરી વિના રેલી અને કાર્યક્રમો કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડનારા પાસના હાર્દિક પટેલ અને તેની ટીમને અચાનક રાજયની કાયદો અને વ્યવસ્થાની ચિંતા થવા લાગી છે. જેને લીધે પાસની ટીમે રાજયપાલને મળવા માટે સમય માંગતો પત્ર લખ્યો છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે ગુજરાતના રાજયપાલ ઓ.પી. કોહલીને મુલાકાતનો સમય ફાળવવા પત્ર લખ્યો છે આ પત્રમાં હાર્દિકે જણાવ્યું હતું કે ગુજરાતની સાંપ્રત પરિસ્થિતિને અનુલક્ષીને ગુજરાત રાજયની હાલની કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ અંગે પાટીદાર અનામત આંદોલન સમિતિ આપની રૂબરૂ મુલાકાત કરવા માગે છે. ગુજરાતની હાલની સ્થિતિથી વાકેફ કરવા અમે આવેદનપત્ર આપી ગુજરાતની પ્રજાના અવાજને વાચા આપવા માગીએ છીએ. આ મુલાકાત માટે પાસની ટીમના ર૧ પ્રતિનિધિઓ મળવા ઈચ્છે છે. એક પત્રમાં હાર્દિક પટેલે જણાવ્યું છે. અત્રે નોંધનીય છે કે ગુજરાતમાં હવે પાટીદાર આંદોલનને ફરી શરૂ કરવા માટે હાર્દિક પટેલે હવે શહેરો અને જિલ્લા મથકોની મુલાકાત શરૂ કરી છે.