• જુનિયર્સ ડૉક્ટર્સનું પણ સમર્થન : તો અમે પણ હડતાળ પર ઊતરી જઈશું
• હડતાળથી કોવિડ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓની મુશ્કેલી વધી

(સંવાદદાતા દ્વારા)  અમદાવાદ, તા.૧૪
રાજ્યના વિવિધ શહેરના ઈન્ટર્ન ડૉક્ટરો સ્ટાઈપેન્ડ વધારવાની માંગ સાથે હડતાળમાં જોડાતા વિવિધ હોસ્પિટલોમાં કામગીરી પર માઠી અસર પડી છે. ઉપરાંત આ ઈન્ટર્ન ડૉક્ટરોને જુનિયર તબીબોનું પણ સમર્થન મળતા હડતાળને વેગ મળે તેવી શક્યતા છે. રાજ્યના અનેક શહેરોમાં ડૉક્ટરો હડતાળ પર ઉતાર્યા હતા અને દેખાવો કર્યા હતા. હડતાળના કારણે કોવિડ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. રાજ્યભરમાં હડતાળ પર ઉતરેલા ઈન્ટર્ન ડૉક્ટરને હવે જુનિયર ડૉક્ટરોએ પણ સમર્થન જાહેર કર્યું છે. જુનિયર ડૉક્ટર એસોસિએશન જેડીએ દ્વારા હડતાળને સમર્થન જાહેર કરી ઈન્ટર્ન ડૉક્ટરની હડતાળને યોગ્ય ગણાવી સરકાર ઝડપથી નિર્ણય લે તેવી માગણી કરી છે. સાથે જ જો સરકાર ઈન્ટર્ન ડૉક્ટરોની વાત ઝડપથી નહીં સાંભળે તો અમે પણ હડતાળ પર ઉતરીશું તેવી ચીમકી જુનિયર ડૉક્ટરોએ ઉચ્ચારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તબીબોએ વિવિધ માગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. અન્ય રાજ્યો કરતાં વેતન ખૂબ જ ઓછું મળતું હોવાથી ઓછામાં ઓછું ૨૦ હજાર વેતન અને રૂા.૧ હજાર દૈનિક ભથ્થું આપવામાં આવે તેવી માંગ કરી છે. સાથે જ કોરોના ડ્યુટી કરતા હોવાથી વેતન સાથે એક હજાર ઈન્સેન્ટિવ પણ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આજે સવારથી અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજ, વડોદરાની ગોત્રી અને સયાજી હોસ્પિટલ, સુરતની નવી સિવિલ હોસ્પિટલ, વલસાડ સિવિલ હોસ્પિટલ, રાજકોટ સિવિલ હોસ્પિટલ, જૂનાગઢ સિવિલ હોસ્પિટલ, પાટણ મેડિકલ કોલેજના તબીબો, જામનગરની જી.જી.હોસ્પિટલમાં ફરજ બજાવતા ૧૫૦ જેટલા ઈન્ટર્ન તબીબો પણ હડતાળ પર ઉતર્યા હતા. નોંધનીય છે કે, ઈન્ટર્ન ડૉક્ટરોની માગણી છે કે, તેમનું રૂા.૧૨,૮૦૦ સ્ટાઈપેન્ડ વધારી ઓછામાં ઓછું રૂા.૨૦,૦૦૦ કરી આપવામાં આવે જે એપ્રિલ માસથી ગણી અને તેનું એરિયર્સ પણ ચૂકવવામાં આવે, એપ્રિલ મહિનાથી આજદિન સુધી તમામ ઈન્ટર્ન ડૉક્ટરોને બોન્ડ સમયગાળામાં ૧ઃ૧ ગણી ઈન્ટર્નશિપ પૂરી થયે તમામને બોન્ડમુક્ત ગણવા, આજદિન સુધી કોરોનામાં જે ફરજ બજાવી છે તેમાં ઈન્ટર્ન ડૉક્ટરોને પ્રોત્સાહિત માનદ વેતનરૂપે પ્રતિદિન રૂા.૧૦૦૦નું મહેનતાણું આપવામાં આવે.