ગાંધીનગર, તા.૨૦
રાજ્યભરના ડીડીઓ અને જિલ્લા કલેક્ટરોને કેબિનેટની બેઠક બાદ આજે શરૂ થનાર આ કોન્ફરન્સને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલ સંયુકત સંબોધન કરશે આ કલેક્ટર કોન્ફરન્સ બાદ મોટાપાયે જિલ્લા કલેક્ટરોની બદલી થશે તે વાત નિશ્ચિત હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
રાજ્ય વહીવટી તંત્રમાં આ ફેરફાર એટલા માટે જરૂરી છે. કેન્દ્રના ડેપ્યુટેશન પર ગયેલા અધિકારીઓની સંખ્યા ખૂબ મોટી છે. પરિણામે સચિવાલયમાં ઘણી બધી જગ્યાઓ ચાર્જમાં ચાલી રહી છે. જેમાં વડોદરા મ્યુ.કમિશનર બોટાદ, ભરૂચ કલેક્ટર અને નિવૃત્ત થયેલા અધિકારીઓના પરિણામે આ જગ્યાઓ ચાર્જ પર ચાલી રહી છે. લગભગ છ મહિને યોજાતી આ કલેક્ટર ડીડીઓ કોન્ફરન્સમાં ૨૧ જેટલી બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે.
જેમાં ખાસ કરીને તુમાર નિકાલ, રાજ્યના રેવન્યુ અધિકારીઓની હડતાલ ઉપરાંત જંત્રીના દર જે ડબલ કરવાનો વિચાર થયો હતો તે માંડી વાળ્યા બાદ આવતા દિવસોમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજના હાથ પર લેવામાં આવશે.
લોકસભાની ચૂંટણી બાદ આ પ્રથમ કોન્ફરન્સ યોજાઈ રહી છે. સી.એન. ડેસ્ક બોર્ડના રિપોર્ટ આધારે કલેક્ટર કક્ષાએ થયેલી કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવશે. ડીડીઓને સરકારી કામો, યોજનાઓ, સરકારી તુમાર નિકાલના રિપોર્ટ સાથે હાજર રહેવાના આદેશ થયા છે.