કોરોનાની ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે તા.૧લી ફેબ્રુઆરીથી શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની જાહેરાત
(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૭
કોરોના મહામારીના કાળ દરમિયાન લાંબા સમય સુધી શાળા-કોલેજો બંધ રહ્યા બાદ હવે કોરોનાના કેસોમાં ઘટાડો થતાં તેને પગલે ધીમે-ધીમે શાળા-કોલેજોના અમુક વર્ગ-વિભાગો શરૂ કરવામાં આવી રહ્યા છે. અગાઉ ધો.૧૦-૧રના વર્ગો શાળાઓમાં શરૂ કરાયા બાદ હવે સરકારે તા.૧લી ફેબ્રુઆરીથી રાજ્યભરની શાળાઓમાં ધોરણ ૯ અને ૧૧ના વર્ગો શરૂ કરવાની આજે જાહેરાત કરી છે. આ સાથે ધો.૯થી ૧રના ટ્યુશન ક્લાસિસ પણ ચાલુ કરવાનો નિર્ણય લેવાયો છે. ૨૦૨૦ના વર્ષમાં કોરોનાની મહામારીને કારણે લૉકડાઉન લગાવવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલો અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરીને બાળકો અભ્યાસથી વંચિત ના રહી જાય એ માટે ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. હવે નવા વર્ષમાં ૧૧ જાન્યુઆરીના રોજ રાજ્યમાં ધોરણ ૧૦ અને ૧૨ની સ્કૂલો શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠક પૂરી થયા બાદ ધોરણ ૯-૧૧ની સ્કૂલો ખોલવાની જાહેરાત કરવામાં આવી છે. વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટેના કોચિંગ ક્લાસિસ પણ પૂનઃ શરૂ કરી શકાશે. જ્યારે કોલેજ કક્ષાએ પ્રથમ અને બીજા વર્ષનું શૈક્ષણિક કાર્ય પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે, આ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. કેબિનેટની બેઠક બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરી કે રાજ્યમાં ધોરણ ૯ અને ૧૧ની સ્કૂલો પહેલી ફેબ્રુઆરીથી શરૂ કરાશે. એ ઉપરાંત કોરોનાની ગાઈડલાઈન્સ પ્રમાણે, ટ્યૂશન ક્લાસિસ શરૂ કરવાની મંજૂરી પણ આપવામાં આવી છે. ધોરણ ૯થી ૧૨ના જ ટ્યૂશ ક્લાસિસ ખોલવા મંજૂરી આપી છે. ધોરણ ૯ અને ૧૧ના વર્ગો શરૂ કરવા માટે ૮ જાન્યુઆરીએ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહેશે. જ્યારે કોચિંગ ક્લાસિસ માટે પણ કોરોના સંક્રમણ નિયંત્રણ અંગે જારી કરેલી માર્ગદર્શિકા એસઓપીનું ચુસ્તપણે પાલન કરવું ફરજિયાત રહેશે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એમ પણ જણાવ્યું કે વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટેના કોચિંગ કલાસીસ પણ રાજ્યમાં પૂનઃ શરૂ કરી શકાશે. આવા કોચિંગ કલાસીસ માટે પણ રાજ્ય સરકારે કોરોના સંક્રમણ નિયંત્રણ અંગે જારી કરેલી માર્ગદર્શિકા એસઓપીનું ચુસ્તપણે પાલન કરવું ફરજિયાત રહેશે. શિક્ષણ મંત્રીએ કહ્યું કે રાજ્યમાં કાર્યરત સરકારી, ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં હવે તા.૧ ફેબ્રુઆરીથી ધોરણ ૯ અને ૧૧નું શૈક્ષણિક કાર્ય શરૂ થશે અને તે જ રીતે ખાનગી ટ્યૂશન ક્લાસીસ પણ ધો. ૯ થી ૧૨ના વર્ગનું સંચાલન શરૂ કરી શકશે, પરંતુ રાજ્ય સરકારે કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ગાઈડલાઈનની જે એસઓપી અગાઉ ધો. ૧૦ અને ૧૨ના તેમજ ઉચ્ચ શિક્ષણમાં કોલેજના અંતિમ વર્ષના વર્ગો શરૂ કરતાં પહેલાં તા.૮મી જાન્યુઆરી એ જાહેર કરેલી છે તે એસઓપીનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. ચુડાસમાએ ઉમેર્યું કે કોલેજ કક્ષાએ ઉચ્ચશિક્ષણ માટે પ્રથમ અને બીજા વર્ષનું શૈક્ષણિક કાર્ય પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે આ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોલેજની હોસ્ટેલમાં કોવિડ-૧૯ સંદર્ભે કોવિડ કેર સેન્ટર કાર્યરત કર્યા હતા આ સેન્ટરો સંપૂર્ણ ખાલી જોવા મળી રહ્યા છે. રાજ્યના આરોગ્ય સચિવ અને શિક્ષણ સચિવ દ્વારા આવા કેર સેન્ટરની સંપૂર્ણ ચકાસણી કરીને, સેનિટાઈઝેશન સહિતની કામગીરી પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને રહેવાલાયક છે એવી ચકાસણી કર્યા પછી રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવ્યા બાદ આ અંગે યોગ્ય નિર્ણય કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું. સરકારની જાહેરાતને ઓલ ગુજરાત વાલીમંડળ દ્વારા આવકારવામાં આવી છે. વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે સ્કૂલોએ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામા આવેલી એસઓપીનું ધ્યાન રાખવું પડશે. તે ઉપરાંત રાજ્યમાં ટ્યુશન ક્લાસિસ ચાલુ કરવાની જે વાત છે એમાં વર્ગો ખૂબ જ નાના હોય છે અને કોમર્શિયલ બિલ્ડિંગમાં હોય છે. ટ્યુશન ક્લાસિસમાં સખ્ત પણે એસઓપી અને ફાયર સેફ્ટીનું ધ્યાન રાખવું પડશે. જ્યારે કોઈપણ બાળક કોરોનાથી સંક્રમિત થશે તો તેની જવાબદારી આ ટ્યુશન ક્લાસીસની રહેશે. આ ક્લાસિસ કોઈપણ બાબતે ચુકશે તો તેની સામે સખત કાયદેસરની કાર્યવાહી કરવા હું વાલી મંડળ તરફથી રાજ્ય સરકારને વિનંતી કરું છું.
Recent Comments