અમદાવાદ, તા.૬
કોરોના મહામારી અને લોકડાઉનને પગલે છેલ્લા બે મહિના કરતાં વધુ સમયથી રાજ્યભરની શાળાઓ બંધ છે ત્યારે હજુ પણ એક મહિનો સ્કૂલો ખૂલશે નહીં એમ શિક્ષણમંત્રીભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું. પરંતુ ૮મી જૂનથી એટલે કે, સોમવારથી તમામ શિક્ષકોએ સ્કૂલે હાજર રહેવું પડશે અને ધો.૧થી ૯માં ઓનલાઈન પ્રવેશ આપવાની પ્રક્રિયાનો પણ પ્રારંભ થશે. જો કે, ૩૦મી જૂન સુધી વિદ્યાર્થીઓએ શાળાએ આવવાનું રહેશે નહીં. વિદ્યાર્થીઓને ઘેર બેઠા જ હોમ લર્નિંગ સિસ્ટમ મુજબ ભણાવાશે. પુસ્તકો પણ ઘરે જ પહોંચાડવામાં આવશે તેમજ ૮ જૂનથી ધો.૧થી ૯ સુધીના વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાશે જ્યારે ૧પમી જૂનથી ડીડી ગિરનાર ચેનલ ઉપરથી શૈક્ષણિક કાર્યક્રમ પ્રસારિત કરાશે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને યોજાયેલ ઉચ્ચ સ્તરની બેઠકમાં ઉપસ્થિત તમામ મત એવો હતો કે અગાઉ જૂનમાં સ્કૂલો ખોલવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જો કે, હાલની પરિસ્થિતિ જોતાં સ્કૂલો ખોલી શકાય તેમ નથી. હજી ઓછામાં ઓછા એક મહિના સુધી શાળાઓ બંધ રહેવી જોઈએ. એવો તમામનો અભિપ્રાય હતો ત્યાં સુધી સ્થિતિ કાબૂમાં આવી જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
રાજ્યમાં સરકારે માર્ચ મહિનામાં લીધેલા નિર્ણય મુજબ શાળાઓ ૮ જૂનથી શરૂ થવાની હતી. સૂત્રોનું માનીએ તો શાળાઓમાં સોમવારથી વેકેશન પૂરું થઈ જશે. જો કે, શૈક્ષણિક કાર્ય શરૂ નહીં થાય પણ શિક્ષકો અને અન્ય સ્ટાફે ફરજ પર હાજર રહેવું પડશે. શાળાઓ બંધ રહેવા મામલે રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખે જણાવ્યું હતું કે, આપણે આ મહામારીનો સાથે મળીને સામનો કરવાનો છે. શાળાઓ લાંબા સમય સુધી બંધ રહી શકે છે ત્યારે અમે સરકારને વિનંતી કરી છે કે વિદ્યાર્થીઓ પાસેથી ફી લેવાની મંજૂરી આપવામાં આવે જે લોકોને આર્થિક સંકડામણ હોય તેમને છૂટછાટ આપવામાં આવશે. પરંતુ સ્કૂલો ચલાવવા માટે નાણાં જરૂરી છે. સાથે જ અમદાવાદ સ્કૂલ્સ પ્રોગેસિવ મેનેજમેન્ટ એસો.ના પ્રમુખે એમ જણાવ્યું હતું કે, સોફટ લોન રૂપે સરકાર અમને આર્થિક મદદ આપે તેવી રજૂઆત કરી છે.