• રાજ્યમાં કોરોનામાં વધુ ૧૪ વ્યક્તિઓ મોતને ભેટી; કુલ મૃત્યુઆંક ૩૨૭૩ • કોરોનાના કુલ કેસોનો આંક ૧,૧૯,૦૮૮ : ૨૪ કલાકમાં સૌથી વધુ ૮૫,૬૨૦ કોરોના ટેસ્ટ

 

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.૧૭

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર યથાવત છે અને રોજેરોજ કોરોના પોઝિટિવ કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજયભરમાં ફેલેલા કોરોનાના વ્યાપ વચ્ચે પાંચથી સાત જેટલા જિલ્લાઓમાં કોરોનાના કેસોનો વધારો જારી રહેતા તંત્ર માટે ચિંતાજનક બાબત બની રહી છે. રાજયમાં છેલ્લા ર૪ કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ કોરોનાના હાઈએસ્ટ ૧૩૭૯ નવા કેસ બહાર આવ્યા છે. જેમાં સૌથી વધુ ર૮૦ કેસ સાથે સુરત ટોપ પર રહેલ છે. જયારે કોરોનામાં મૃત્યુનો મામલો એ જ સ્થિતિએ જારી રહેતા ર૪ કલાકમાં વધુ ૧૪ વ્યકિતઓ મોતને ભેટી છે. બીજી તરફ રાજયમાં કોરોનામાંથી સાજા થવાના મામલામાં આજે રેકર્ડબ્રેક ઉછાળો જોવા મળ્યો છે. ર૪ કલાકમાં વધુ ૧૬પર દર્દીઓ કોરોનામાંથી સાજા થવામાં સફળ રહ્યા છે. જેને પગલે કોરોનાનો રિકવરી રેટ વધીને ૮૩.૮૧ ટકાએ પહોંચ્યો છે. આ ઉપરાંત રાજયમાં આજે કોરોનાના ટેસ્ટ પણ અત્યાર સુધીમાં સૌથી વધુ એવા ૮પ,૬ર૦ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આજે પણ રાજ્યમાં કોરોનાએ માથું ઊંચક્યું છે. આજે ગુજરાતમાં કોરોના વાયરસના ૧૩૭૯ નવા કેસ નોંધાયા છે. આ સાથે હવે રાજ્યમાં કોરોના કેસનો આંકડો ૧,૧૯,૦૮૮ એ પહોંચ્યો છે. જ્યારે મૃત્યુઆંક ૩,૨૭૩ એ પહોંચ્યો છે.

સરકારની અખબારી યાદી મુજબ આજના ઉછાળારૂપ વધુ ૧૬૫૨ દર્દીઓ કોરોનામાંથી સાજા થતાં અત્યાર સુધી રાજ્યમાં કુલ ૯૯,૮૦૮ દર્દી કોરોનામુક્ત થયા છે એટલે કે આ આંક ૧ લાખની નજીક પહોંચ્યું છે. સુરતની વાત કરીએ તો આજે ૨૮૦ નવા કેસ નોંધાયા છે. જ્યારે ૬ દર્દીઓના મોત થયા છે. આ સિવાય અમદાવાદમાં ૧૭૧ નવા કેસ નોંધાયા છે. જ્યારે ૪ના મોત નીપજ્યા છે. વડોદરામાં ઉછાળારૂપ ૧૨૭ નવા કેસ નોંધાયા છે અને ૨ દર્દીના મોત થયા છે. જામનગરમાં પણ આજે ૧૨૯ નવા કોરોના કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટમાં પણ આજ સ્થિતિ જોવા મળતા ૧૪૫ નવા કેસ નોંધાયા છે.

જ્યારે ભાવનગરમાં ૫૫ નવા કેસ આવ્યા છે. જૂનાગઢમાં ૩૭ નવા કેસ, ગાંધીનગરમાં ૪૭ અને મહેસાણામાં ૪૧ નવા કેસ નોંધાયા છે. બનાસકાંઠામાં ૩૯, કચ્છમાં ૩૦ અને પંચમહાલમાં ૨૮ નવા કોરોના કેસ સામે આવ્યા છે. પાટણમાં આજે ૨૮, મોરબીમાં ૨૬ અને અમરેલીમાં ૨૬ નવા કેસ નોંધાયા છે. આ સિવાય ભરૂચમાં ૨૫, મહિસાગરમાં ૧૯ અને દાહોદમાં ૧૭, ગીર સોમનાથમાં ૧૩ તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓમાં ૧થી ૧૨ જેટલા કેસ નોંધાવવા પામેલ છે.

રાજ્યમાં કોરોનામાં આજે વધુ ૧૪ મૃત્યુ થયા છે તેમાં સૌથી વધુ સુરતમાં છનાં મૃત્યુ પછી અમદાવાદમાં ૪નાં મોત તથા વડોદરા ૨ અને બનાસકાંઠા-દેવભૂમી દ્વારકામાં ૧-૧ વ્યક્તિના મૃત્યુ નિપજેલ છે. જેને પગલે રાજ્યભરમાં અત્યાર સુધીમાં કુલ ૩૨૭૩ લોકોએ કોરોનામાં જીવ ગમાવ્યા છે.

રાજ્યમાં કોરોનાના કેસોમાંના ૧૬૦૦૭ એક્ટિવ કેસ છે જે પૈકી ૯૬ દર્દી વેન્ટિલેટર પર રખાયા છે. જ્યારે અન્ય ૧૫,૯૧૧ની સ્થિતિ તંત્ર દ્વારા સ્થિર બતાવવામાં આવી રહી છે. રાજ્યમાં કોરોનાના ટેસ્ટનું પ્રમાણ વધવાને પગલે અત્યારસુધીમાં કુલ ૩૬.૦૯ લાખ કોરોના ટસ્ટ કરવામાં આવ્યા છે.