અમદાવાદ, તા.૩
રાજ્યમાં એક તરફ ઉનાળાનો આરંભ થવા જઈ રહ્યો છે, જ્યારે બીજી તરફ પરીક્ષાઓની મોસમ શરૂ થવા જઈ રહી છે. આગામી પમી માર્ચથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૦-૧રની પરીક્ષાઓ શરૂ થવાની છે. પરીક્ષામાં કુલ ૧૭.૫૩ લાખથી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત થશે. તેમાં ધોરણ-૧૦ના ૧૦.૮૩ લાખ, ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના ૧.૪૩લાખ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની સંખ્યા ૫.૨૭ લાખ નોંધાઈ છે. કુલ ૧૩૭ ઝોનમાં ૧૫૮૭ કેન્દ્રોમાં સમાવિષ્ટઓ પ,પપ૯ બિલ્ડીંગમાં આવેલ ૬૦૦૨૭ વર્ગખંડોમાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષાઓ લેવાશે. તેમાંથી ૫૯,૭૩૩ વર્ગખંડોમાં સી.સી.ટી.વી કેમેરાની વ્યવસ્થા કરાઈ છે. જયારે બાકીના ૨૯૪ જેટલા વર્ગખંડોમાં ટેબલેટની વ્યવસ્થા કરાઈ છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ પરીક્ષાર્થીઓને શુભકામના પાઠવતા જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓ નિશ્ચિંતતાપૂર્વક પરીક્ષાઓ આપી શકે તે માટે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્ધારા તમામ પ્રકારની તૈયારીઓ કરાઈ છે ત્યારે વિદ્યાર્થીઓ ઉપરાંત વાલીઓ હળવાશનો અનુભવ કરીને નિશ્ચિંતતાપૂર્વક પરીક્ષા આપી સફળતા મેળવે. જ્યાં પરીક્ષાઓ લેવાનાર છે ત્યાં મહંદઅંશે બિલ્ડીંગ કે વર્ગખંડોમાં સીસીટીવીની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ઈલેકટ્રોનિક્સ સર્વેલન્સની વ્યવસ્થા પણ ૧૦૦ ટકા થઈ ગયેલ છે. પરીક્ષા સંદર્ભે જરૂરિયાત મુજબના યોગ્ય સ્ટાફની પસંદગી થઈ ગયેલ છે. જિલ્લા કક્ષાએ વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું સતત માર્ગદર્શન મળી રહે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. રાજય કક્ષાએ કન્ટ્રોલ રૂમ પણ કાર્યરત છે. પરીક્ષાઓમાં કોઈપણ સંજોગોમાં ગેરરીતિ ન થાય તેની તકેદારી પણ રખાઈ છે. મોબાઈલ અને અન્ય વિજાણુ યંત્રોનો ગેરકાયદેસર ઉપયોગ કરતા ઉમેદવારો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ ડમી ઉમેદવારો સામે પણ કાર્યવાહી કરાશે. જિલ્લા શિક્ષણાધિકારીઓ, ઝોન અધિકારીઓ, મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રના સંચાલકો, સીસીટીવી વ્યુઈંગના કર્મચારીઓ, વિજીલન્સ સ્કવોર્ડ વગેરેને પરીક્ષા સંબંધી જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે. જિલ્લામાં આવેલ ઝોનલ કચેરીમાં આવેલ સ્ટ્રોંગરૂમમાં પૂરતા પોલીસ પ્રોટેકશનની અને પરીક્ષા કેન્દ્રો ખાતે પોલીસ પ્રોટેકશનની વ્યવસ્થા કરવામાં આવેલી છે. જિલ્લામાં ગેરરીતિ વિહીન પરીક્ષા યોજાય તે માટે ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના અગત્યના પ્રશ્નપત્રો દરમિયાન પરીક્ષા બિલ્ડીંકગ ઉપર વર્ગ-૧ અને વર્ગ-રના અધિકારીઓ પૂર્ણ સમય હાજર રહે તેવી વ્યાવસ્થાર પણ કરાઈ છે. જયારે કેટલાક અતિસંવેદનશીલ કેન્દ્રો પણ એસઆરપી અને સીઆરપીએફનો સ્ટાફ ગોઠવાયો છે. પરીક્ષાર્થીઓ પરીક્ષાખંડોમાં સમયસર અને સરળતાપૂર્વક પહોંચી શકે તે માટે એસ.ટી.બસની પૂરતી સગવડ પણ કરવામાં આવી છે. ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષાઓમાંજેલના કેદીઓ માટે પણ વ્યવસ્થા કરાઈ છે. ધોરણ-૧૦માં ૧૨૫અને ધોરણ-૧૨ના પ૦ પરીક્ષાર્થીઓ મળી કુલ ૧૭૫ પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહેશે. દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા ગ્રાઉન્ડ ફલોર પર થાય તે પ્રમાણે વ્ય્વસ્થા કરવામાં આવી છે અને ધોરણ-૧૦ ના દ્રષ્ટિાહીન પરીક્ષા માટે બ્રેન લીપીના પેપર વડે પરીક્ષા આપી શકે તે માટે વ્યવસ્થા કરાઈ છે.