રાજ્યભરમાં ઈદ-ઉલ-અઝહાની આનંદ-ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે લોકોએ પોતાના વિસ્તારોની મસ્જિદમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે નમાઝ અદા કરી હતી. બાદમાં એકબીજાને ઈદની શુભેચ્છા પાઠવી હતી. તથા મૌલાનાઓએ રાજ્ય તથા ભારતમાં કોમી એકતા ભાઈચારાનું વાતાવરણ જળવાઈ રહે તથા વિશ્વભરમાંથી કોરોના વાયરસની બીમારી દૂર થાય તે માટે ખાસ દુઆઓ કરાઈ હતી. રાજ્યભરમાં શાંતિના માહોલમાં ઠેર-ઠેર ઈદની ઉજવણી કરાઈ હતી.

ભાવનગર શહેર-જિલ્લાના મુસ્લિમ બિરાદરોએ  ઈદ-ઉલ-અઝહાની સાદગીપૂર્ણ ઉજવણી કરી હતી. શહેર નવાપરા વિસ્તારમાં આવેલ ઈદગાહમાં પેશ ઈમામ સહિત છ વ્યક્તિઓએ ઈદની નમાઝ અદા કરી કરી હતી. ઉપરાંત શહેર રબ્બર ફેકટરી સામે આવેલ કંસારા કબ્રસ્તાન અને કુંભારવાડા કબ્રસ્તાન બંધ રાખવામાં આવેલ તેમજ તમામ મસ્જિદોમાં પણ સોશિયલ ડિન્ટન્સ સાથે ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી ત્યારબાદ એક-બીજાથી દૂર ઊભા રહીને તેમજ ટેલિફોનિક ઈદની મુબારકબાદી  પાઠવી હતી.

મુસ્લિમ બિરાદરોએ પોતાના ઘરો તેમજ મસ્જિદોમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે નમાઝ અદા કરી હતી. જ્યારે શહેર ખતીબ સાથે ૪થી પ લોકોએ સામાજિક દૂરી રાખી અને માસ્ક પહેરી ઈદગાહ મેદાનમાં નમાઝ અદા કરી હતી. પોતાના ઘરોમાં જાનવરોની કુરબાની કરી હતી.  શહેર ખતીબે ઈદ નિમિત્તે મુસ્લિમ સમાજને અપીલ કરી હતી કે કોરોનાની મહામારીને કારણે ઈદની શુભેચ્છા માટે ગળે મળવા કે હાથ મિલાવવાની પ્રક્રિયાથી દૂર રહેવું. લોકોને ઘરે જ ખાસ નમાઝ અદા કરવી. ધર્મગુરૂઓની અપીલ તેમજ કોરોના મહામારીના પગલે મોટાભાગના લોકોએ પરિવાર સાથે ઘરમાં જ નમાઝ અદા કર્યા બાદ ફોન દ્વારા ઈદની શુભેચ્છાઓ આપી હતી. ઉલ્લેખનીય છે કે ૧૭પ વર્ષથી સતત દર વર્ષે ઈદગાહ મેદાનમાં સામૂહિક નમાઝ અદા કરવામાં ર૦ હજાર જેટલા મુસ્લિમ બિરાદરો એકઠા થાય છે, ચાલુ વર્ષે આ પ્રથા તૂટી હતી. બીજી તરફ ઈદ નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા પશુઓની કુરબાની પણ આપવામાં આવતી હોય છે.

ડભોઇ શહેર તાલુકાના મુસ્લિમ બિરાદરો દ્વારા સાદાઈપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કોઈની લાગણી દુભાય ના તેવી રીતના ભાઈચારા અને એખલાસભર્યા વાતાવરણમાં સરકારની ગાઈડલાઈન મુજબ માસ્ક પહેરી અને સોશિયલ ડિસ્ટન્સ રાખી પોતપોતાના વિસ્તારોની મસ્જિદમાં ઇદની નમાઝ અદા કરવામાં આવી હતી. ઈદની નમાઝ બાદ એકબીજાને ઈદમુબારક પાઠવી હતી. મુસ્લિમ બિરાદરોએ સવારે કબ્રસ્તાનમાં પૂર્વજનોની કબર ઉપર ફૂલ અર્પણ કર્યા હતા ત્યારબાદ કુરબાનીની રસમ અદા કરી હતી. સમગ્ર ડભોઇ શહેર તાલુકાની મસ્જિદના પેશ ઇમામો અને હઝરત પીર મુરશીદ દ્વારા ઇદની નમાઝ અદા કરાઇ હતી. ડભોઇ શહેર કસ્બા જામા મસ્જિદના ઇમામ મૌલાના અનવર અશરફીએ હાલ ચાલતા કોરોના વાયરસ વહેલી તકે દૂર થાય તેવી દુઆ ગુજારવામાં આવી હતી અને મુસ્લિમોને વતનની હિફાઝત કરવા ત્યાગ અને બલિદાનની ભાવના રાખી પરસ્પર પ્રેમ રાખી જીવન જીવવા ઉપદેશ આપ્યા હતા.

 

પાવીજેતપુર નગરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ઈદુલ અઝહાની ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી

પાવીજેતપુર નગરમાં ૯ જેટલા તેમજ તાલુકામાં ૧૬ જેટલા કોરોના વાયરસના કેસ થઇ ગયા છે ત્યારે તંત્ર પણ અગમચેતી વાપરી સોશિયલ ડિસ્ટનસિંગ જળવાઈ રહે તે માટે પીએસઆઇ પરમાર દ્વારા દરેક મુસ્લિમ બિરાદરોને અપીલ કરવામાં આવી હતી. ઇદગાહમાં મુસ્લિમ બિરાદરો નમાઝ પઢવા માટે ગયા ન હતા. પાવીજેતપુરના મુસ્લિમ બિરાદરાએે સોશિયલ ડિસ્ટનસિંગ સાથે નમાઝ અદા કરી ઈદની મુબારકબાદી પાઠવી હતી.

 

કલોલ : કલોલમાં આવેલ મુસ્લિમ વિસ્તારોમાં ઈદ-ઉલ-અઝહાની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જુમ્મા મસ્જિદના મૌલાના શમ્સીએ નમાઝ અદા કરાવી હતી. આ પ્રસંગે મુસ્લિમ બિરાદરોએ પોતાના વિસ્તારોની મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરી હતી. તાલુકાના જેઠલજ, કેરીસા, છત્રાલ ગામમાં ઈદની ઉજવણી કરવામાં આવી હતી.

 

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ડીસામાં સાદગીપૂર્વક ઇદ-ઉલ-અઝહાની ઉજવણી કરાઈ હતી

સોશિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને જૂજ લોકોએ ઈદ-ઉલ-અઝહાની નમાઝ ડીસાની મસ્જિદમાં મૌલનાની ઇમામત હેઠળ અદા કરાઈ હતી. જયારે બાળકો તથા વૃદ્ધોએ ઘરે નમાઝ અદા કરી હતી. આ પ્રસંગે હઝરત સૈયદ મોહમ્મદ અલી બાવા તથા હઝરત હસન અલી બાવા દ્વારા દેશમાં કોરોનાની બીમારી નાબૂદ થાય તે માટે વિશેષ દુઆ કરી હતી જયારે મોલાના શોકતઅલી અકબરી દ્વારા પણ દેશમાં કોરોના જેવી બીમારી નાબૂદ થાય અને દેશમાં અમન અને ભાઈચારો જળવાઈ રહે તે માટે વિશેષ દુઆ કરવામાં આવી હતી.

 

 

મોડાસા : મોડાસા શહેર સાથે અરવલ્લી જિલ્લાના બાયડ, માલપુર, મેઘરજ, ભિલોડામાં ઈદની સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી. કોવિડ રોગની વૈશ્વિક મહામારીને પગલે લોકોએ જાહેરમાં એકત્ર થવાનું ટાળી ઘરમાં અને મહોલ્લામાં જ ઈદની અત્યંત સાવચેતીપૂર્વક ઉજવણી કરી હતી.

ઈદના દિવસે જાનવરોની કુરબાનીની પણ ખૂબ જ સ્વચ્છતા અને સાવચેતી રાખી કરવામાં આવી હીત. લોકોએ પણ સમજદારી રાખી એકબીજાને મળીને ઈદની મુબારકબાદ આપી હતી. મોહદ્દીસે આઝમ મિશન મોડાસા યુનિટ દ્વારા પ્લાસ્ટિકના પાથરણા સાથે પ્લાસ્થિકની મોટી બેગ, ફિનાઈલની બોટલની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેના લીધે સ્વચ્છતા અને સફાઈ જાળવવામાં આ કિટ ખૂબ જ ઉપયોગી  સાબિત થઈ હતી.

 

ટંકારીઆ :  ભરૂચ તાલુકાના ટંકારીઆ તથા પંથકમાં બકરી ઈદની ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવી હતી. સવારે ઈદની નમાઝ વિવિધ મસ્જિદોમાં અદા કરવામાં આવી હતી. ઈદના ખુત્બા બાદ ઇમામ સાહેબોએ સમગ્ર વિશ્વને આ કોરોનાની મહામારીમાંથી મુક્તિની વિશિષ્ટ દુઆ ગુજારવામાં આવી હતી. કોરોનાની મહામારીને લઈને લોકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવી દરેકને ઈદની શુભકામનાઓ પાઠવી હતી.

 

સિદ્ધપુર : મુસ્લિમ તહેવાર ઈદની ઉજવણી સરકારી નિયમો અનુસાર કરવામાં આવેલ. સિદ્ધપુર શહેર અને તાલુકામાં પણ લોકોએ સરળ અને સાદગીથી ઈદની ઉજવણી કરી હતી અને દેશ માટે આ રોગ નાબૂદ થાય એવી અલ્લાહ પાસે દુઆ કરી હતી.

 

છોટાઉદેપુર : છોટાઉદેપુર સહિત સમગ્ર પંથકમાં ઈદુલ અઝહાની  સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

કોરોના મહામારીના કારણે તમામ તકેદારીના ભાગરૂપે ફરજિયાત માસ્ક અને સોશ્યિલ ડિસ્ટન્સિંગ સાથે નગરના  મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી હતી અને અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. નમાઝ બાદ ભારત દેશ સહિત સમગ્ર દુનિયામાંથી આ કોરોના મહામારીનો કહેર નાશ પામે અને સત્વરે માનવજાત આનંદોત્સવમાં  પોતાનું જીવન વ્યતીત કરે તેવી અલ્લાહ  પાસે દુઆઓ કરવામાં આવી હતી.

 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરની જુમ્મા મસ્જિદ સહિત જિલ્લાની વિવિધ મસ્જિદોમાં ઈદની નમાઝ સોશિયલ ડિસ્ટન્સ સાથે અદા કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર શહેરમાં રહેતા અને કોમી એકતાના પ્રખર હિમાયતી એવા સૈયદ યુસુફમિયા બાપુ અને જુમ્મા મસ્જિદના પેશઈમામ હનીફબાપુ દ્વારા ઈદની નમાઝ અદા કર્યા બાદ દેશમાંથી કોરોના  વાયરસ નાબૂદ થાય દેશમાં સલમાતી અને શાંતિનું વાતાવરણ જળવાય તથા કોમી એકતા અને ભાઈચારાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે ખાસ દુઆ કરી હતી. તથા મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છા પાઠવી હતી. તાલુકામાં પણ ઈદની ઉજવણી આનંદ ઉલ્લાસભેર કરવામાં આવી હતી.

 

અંકલેશ્વર : અંકલેશ્વર શહેર તથા આજુબાજુના ગામોમાં શાંતિપૂર્ણ તથા સાદગીભર્યા વાતાવરણમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-અઝહાની ઉજવણી કરાઈ હતી. અંકલેશ્વર પંથકમાં ઈદ-ઉલ-અઝહાના દિવસે વહેલી સવારેથી જ મુસ્લિમ બિરાદરો શહેરની  આજુબાજુના ગામોની મસ્જિદોમાં ભેગા થઈને ઈદની વિશેષ નમાઝ (ખુત્બો) અદા કરાઈ હતી. મસ્જિદોમાં સામાજિક અંતર તથા સરકારની ગાઈડલાઈન મુજબ ઈદની નમાઝ અદા કરાઈ હતી. ઈદ-ઉલ-અઝહાની કોમી એકતા તથા સાદગીભર્યા વાતાવરણમાં ઉજવણી કરાઈ હતી.

શહેરની તમામ મસ્જિદોમાં ઈદની મુબારકબાદી મુસ્લિમ બિરાદરોએ પાઠવી હતી. શહેરના મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં શહેર પોલીસ દ્વારા બંદોબસ્ત મૂકાયો હતો.

આણંદ : આણંદ શહેર સહિત જિલ્લાનાં બોરસદ, પેટલાદ, ખંભાત, ઉમરેઠ, આંકલાવ, સોજીત્રા તારાપુર સહિત જિલ્લાભરની જામા મસ્જિદો સહિત વિવિધ મસ્જિદોમાં વહેલી સવારે મુસ્લિમ બિરાદરો દ્વારા સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરીને સરકારની ગાઈડલાઈન અનુસાર ઈદુલ અઝહાની ઉજવણી કરી હતી તેમજ હાથ મેળવી ગળે મળી ઈદની મુબારકબાદી પાઠવવાનાં બદલે કોરોનાં સંક્રમણને લઈને મુસ્લિમ બિરાદરોએ ફકત ઈદ મુબારક કહીને ઈદની મુબારકબાદી પાઠવી હતી અને ત્યારબાદ કુરબાની આપવામાં આવી હતી. બોરસદની જામા મસ્જિદ ખાતે ઈમામ સૈયદ જાકીરહુશેન બાપુએ લોકોને સાવધાની રાખીને ઈદની ઉજવણી કરવા તેમજ અલ્લાહએ બતાવેલી રાહ અનુસાર સાદગીપૂર્વક ઈદની ઉજવણી કરવા અનુરોધ કર્યો હતો. આણંદ શહેરમાં જામા મસ્જિદ, મિના મસ્જિદ સહિત વિવિધ મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી. અને ઈદની નમાઝ બાદ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા ઈદની મુબારકબાદી પાઠવવામાં આવી હતી.