(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.ર૪

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસનો વ્યાપ વધવા સાથે રોજેરોજ કોરોના પોઝિટિવ કેસો નોંધાવવાને પગલે રાજ્યભરમાં કોરોના કેસોનો આંક ઝડપથી ઉછાળા ભરી રહ્યો છે. છેલ્લા સપ્તાહ કરતા વધુ સમયથી રોજના કેસોનો આંક ૧૪૦૦થી પણ વધુનો જળવાઈ રહેતા રાજ્યના કુલ કોરોના કેસોનો આંક સવા લાખ કરતા પણ વધી જવા પામ્યો છે. છેલ્લા ર૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના વધુ નવા ૧૪૦૮ કેસ બહાર આવ્યા છે જેમાં સૌથી વધુ ર૭૮ કેસ સાથે સુરત ટોપ પર યથાવત્‌ રહેલ છે. જ્યારે રાજ્યમાં કોરોનામાં મૃત્યુનો મામલો પણ એ જ સરેરાશ ગતિએ જારી રહેતા વધુ ૧૪ વ્યક્તિઓનાં આજે મૃત્યુ નિપજ્યા છે. બીજી તરફ કોરોનામાંથી સાજા થનારાનો આંક ઉછાળા ભરી રહ્યો છે. ર૪ કલાકમાં નવા ૧પ૧૦ દર્દીઓ કોરોનામાંથી સાજા થવામાં સફળ રહ્યા છે. એટલે કે, આજે કોરોનાના નવા કેસ કરતા સાજા થનારા દર્દીની સંખ્યા વધી જવા પામી છે જેને પગલે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને ૮૪.૬૯ ટકાએ પહોંચી જવા પામ્યો છે.

આજે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧,૪૦૮ નવા કોરોના કેસ નોંધાયા છે. આજે કોવિડ-૧૯ના કારણે રાજ્યમાં ૧૪ લોકોનાં દુઃખદ મોત થયા છે. આ સાથે હવે કુલ મૃત્યુઆંક ૩,૩૮૪એ પહોંચ્યો છે. ગુજરાતમાં કોરોનાના કુલ ૧,૨૮,૯૪૯ કેસ થયા છે.

સુરતની વાત કરીએ તો આજરોજ ૨૭૮ નવા કોરોના કેસ નોંધાયા છે જ્યારે ૫ લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદમાં પણ આજે ૧૮૩ નવા કોરોના કેસ નોંધાયા છે અને ૩ દર્દીઓનાં મોત થયા છે. રાજકોટ જિલ્લામાં આજે ૧૪૭ નવા કેસ સામે આવ્યા અને ૩ લોકોનાં મોત થયા છે. વડોદરામાં ૧૩૩ નવા કેસ નોંધાયા અને ૨ દર્દીઓના મૃત્યુ થયા છે. જામનગરમાં ૯૮ નવા કેસ અને ગાંધીનગરમાં ૫૦ નવા કેસ સામે આવ્યા. જ્યારે ગાંધીનગરમાં ૧ દર્દીનું મોત થયું હોવાનું બહાર આવ્યું છે.

આ સિવાય ભાવનગરમાં ૩૮ અને જૂનાગઢમાં ૩૬ નવા કોરોના કેસ નોંધાયા છે. મહેસાણામાં ૪૯ અને બનાસકાંઠામાં ૪૪, કચ્છ અને પાટણમાં ૩૩-૩૩ નવા કોરોના કેસ, જ્યારે અમરેલી અને પંચમહાલમાં ૨૮-૨૮ કેસ,  ભરૂચમાં ૨૩ અને મોરબીમાં ૨૨ કેસ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગરમાં ૨૦-૨૦ કેસ, મહિસાગરમાં ૧૯, દાહોદમાં ૧૪, સાબરકાંઠામાં ૧૩ તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓમાં ૧થી ૧ર જેટલા કેસ નોંધાવવા પામેલ છે.

બીજી તરફ રાજ્યમાં કોરોનામાંથી સાજા થનારાના રાહતજનક આંકમાં આજે નવા ૧પ૧૦ દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં રાજ્યભરમાં કુલ ૧,૦૯,ર૧૧ દર્દીઓ કોરોનામુક્ત થવામાં સફળ રહ્યા છે. જ્યારે રાજ્યમાં કોરોના કેસ્ટના પ્રમાણમાં આંશિક ઘટાડો જોવા મળતા ર૪ કલાકમાં ૬૧૯૦૪ ટેસ્ટ થયા હતા. જેને પગલે કુલ ૪૦.૪૮ લાખ ટેસ્ટ થવા પામ્યા છે. રાજ્યમાં કુલ કોરોનાના ૧૬૩પ૩ એક્ટિવ કેસ પૈકી ૮૯ વેન્ટીલેટર પર છે અને અન્ય ૧૬ર૬પની સ્થિતિ સ્થિર બતાવવામાં આવી રહી છે.