રાજ્યભરમાં કોરોનાનો કુલ આંક ૬૪૬૮૪ : અત્યાર સુધીમાં રપ૦૯ લોકોના કોરોનામાં જીવ ગયા !

કોરોના હોટસ્પોટ અમદાવાદમાં કુલ ર૬૯૬૯ કેસ : કોરોનાનો મૃત્યુઆંક ૧૬૧૧ ! •રાજ્યભરમાં અત્યાર સુધીમાં કુલ ૪૭પ૬૧ લોકો થયા કોરોનામુક્ત !

 

(સંવાદદાતા દ્વારા)

ગાંધીનગર,તા.૩

કોરોના વાયરસના સંક્રમણના વધતા પ્રમાણને નાથવા સરકારી તંત્રની દોડધામ વચ્ચે રાજયમાં કોરોનાના કેસો રોજેરોજ વધતા જોવા મળી રહ્યા છે. રાજયભરને  કોરોનાએ ઝપટમાં લેતા એકેય જિલ્લો કોરોનાથી કોરો રહી શકયો નથી. રાજયના  છ-સાત જિલ્લામાં તો કેસોનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. રોજેરોજ સતત ઉછાળારૂપ રેકોર્ડબ્રેક કેસોના  જારી રહેલ સિલસિલા બાદ આજે ઘણા સમય બાદ કોરોનાના કેસોમાં રાજયમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા ર૪ કલાકમાં રાજયભરમાં કોરોનાના  નવા ૧૦૦૯ કેસ બહાર આવ્યા છે. જેમાં આજે પણ  કેસમાં સુરત નં.૧ પર નવા રપ૮ કેસ નોંધાયા છે. જયારે રાજયમાં કોરોનામાં મૃત્યુનું પ્રમાણ વધુ જારી રહેલા  ર૪ કલાકમાં વધુ રર લોકોના  મૃત્યુ નીપજયા છે. બીજી તરફ કોરોનામાંથી સાજા થવાના  મામલામાં ભારે ઉછાળો જારી રહેતા રાહતજનક બની રહેલ છે. છેલ્લા ર૪ કલાકમાં રાજયભરમાં વધુ ૯૭૪ દર્દીઓ કોરોનામાંથી સાજા થવામાં સફળ રહ્યા છે. જેને પગલે રાજયનો રિકવરી રેટ વધીને ૭૩.પ૩ ટકા થવા પામ્યો છે.

ભારતમાં કોરોનાના કેસ આજે ૧૮ લાખને પાર પહોંચી ગયા છે તો ગુજરાતમાં કોરોનાના કેસ ૬૪ હજારને પાર પહોંચ્યા છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય દેશોની સરખાણીએ ભારતમાં વધારે છે. રાજ્યમાં આજે કોરોનાના ૧૦૦૯ કેસ નોંધાતા કુલ આંકડો ૬૪,૬૮૪ પર પહોંચ્યો છે. આજે ૯૭૪ દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ ૪૭,૫૬૧ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આમ ગુજરાતમાં સાજા થવાનો દર ૭૩ ટકા થયો છે.  તો આ સાથે જ એક ચિંતાજનક બાબત એ પણ છે કે, રાજ્યમાં સુરત અને અમદાવાદ બાદ હવે વડોદરા અને રાજકોટમાં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાઇ રહ્યો છે. ૨૪ કલાકમાં સુરત-અમદાવાદ કરતા પણ વધુ દર્દી બનાસકાંઠા જિલ્લામાં સાજા થયા છે. બનાસકાંઠામાં ૧૪૭ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જ્યારે અમદાવાદમાં ૧૦૯ અને સુરતમાં ૧૯૫ દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી છેલ્લા ૨૪ કલાકમાં ૨૨ દર્દીઓના ભોગ લીધો છે. જેને લઇને અત્યાર સુધીમાં રાજ્યમાં ૨,૫૦૯ દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. જેમાં સૌથી વધુ સુરત જિલ્લામાં ૧૧, અમદાવાદમાં ૬ તેમજ ભાવનગર, જૂનાગઢ, કચ્છ, રાજકોટ, વડોદરામાં ૧-૧ વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યાં છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં ૨૫૮ નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં ૧૯૮ અને સુરત જિલ્લામાં ૬૦ કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો ૧૩,૮૨૬ પર પહોંચ્યો છે. આજે સુરતમાં ૧૧ દર્દીઓના મોત થયા છે. આ સાથે સુરતમાં અત્યાર સુધીમાં કુલ ૪૪૯ દર્દીના મૃત્યુ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં ૧૫૧ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં ૧૩૯ અને અમદાવાદ જિલ્લામાં ૧૨ કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો ૨૬,૯૬૯ પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે ૬ દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક ૧૬૧૧ પર પહોંચ્યો છે.

રાજયમાં આજે બહાર આવેલ ૧૦૦૯ કેસો પૈકી સુરત, અમદાવાદમાં જ ૪૦૦થી વધુ કેસ નોંધાયા છે. તે પછી વડોદરા જિલ્લામાં ઉછાળારૂપ ૯૮ કેસ તથા રાજકોટ જિલ્લામાં ૮પ કેસ નોંધાયા છે. જયારે ભાવનગરમાં-૪૭, જામનગર-૩૪, દાહોદ-ર૯, મહેસાણા-ર૬, ગાંધીનગર-રપ, પંચમહાલ-રર, ખેડા-ર૦ અમરેલી-૧૯, ભરૂચ-૧૮, કચ્છ-૧૭ તેમજ રાજયના  અન્ય જિલ્લાઓમાં ૧થી ૧૬ કેસ નોંધાયા છે. રાજયમાં આજ સુધીમાં કોરોનાના  કુલ ૧૪૬૧૪ એકિટવ કેસ છે. જે પૈકી ૮૩ દર્દીને વેન્ટીલેટર પર રાખવામાં આવેલ છે. જયારે અન્ય ૧૪પ૩૧ની સ્થિતિ તંત્ર દ્વારા  સ્થિર દર્શાવવામાં આવી રહી છે. રાજયમાં ર૪ કલાકમાં ૧૯૭૬૯ કોરોના ટેસ્ટ કરાયા હતા અત્યાર સુધીમાં રાજયમાં કુલ ૮.૩૪ લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવેલ છે.