વિવિધ તબક્કે ચર્ચા-વિચારણાઓના દોર હાથ ધરાયા પછી લાંબા સમયથી ચાલી રહેલ અટકળોના અંતે આખરે ગુજરાત સરકારનો નિર્ણય !
• કેન્દ્ર સરકારની SoPના સંપૂર્ણ પાલન સાથે શાળા-કોલેજો શરૂ કરવા સૂચના • શાળાઓમાં ભીડભાડ ટાળવા ઓડ-ઈવન પદ્ધતિનો અમલ કરાશે : વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત રખાઈ નથી
શાળાઓમાં આવવા વાલીઓની સંમતિ મેળવવી ફરજિયાત : સરકાર-સંચાલકોએ વાલીઓના માથે જવાબદારી નાંખી હાથ ખંખેર્યા !
(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૧
કોરોના મહામારીને કારણે છેલ્લા છ મહિનાથી બંધ રહેલ શાળા-કોલેજો શરૂ કરવા માટે ચર્ચા-વિચારણાઓ અટકળોનો લાંબો દોર ચાલ્યા બાદ આખરે આજે ગુજરાત સરકારે શાળા-કોલેજો ફરી શરૂ કરવા માટેનો મહત્ત્વનો નિર્ણય લીધો છે. રાજ્યમાં તા.ર૩મી નવેમ્બરથી માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ અને ઉચ્ચ શિક્ષણની કોલેજો ફરી શરૂ કરવાની જાહેરાત આજે સરકાર દ્વારા કરવામાં આવી છે. વાલીઓની સંમતિથી શાળાઓમાં વિદ્યાર્થીઓ આવી શકશે અને ભીડભાડ ટાળવા ઓડ-ઈવન પદ્ધતિનો અમલ કરવાનો નિર્ણય લેવાયો છે.
રાજ્ય સરકારે આજે મોટી જાહેરાત કરતા દિવાળી પછી રાજ્યમાં શિક્ષણ કાર્ય શરૂ કરવાની જાહેરાત કરી છે. આ માટે કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી ર્જીઁનું સ્કૂલ-કોલેજો તરફથી ફરજિયાત પાલન કરવાનું રહેશે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કેબિનેટ બેઠક બાદ આ જાહેરાત કરી હતી. આ પ્રસંગે તેમણે એવી પણ સ્પષ્ટતા કરી છે કે, વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત ગણાશે નહીં. આ ઉપરાંત ઓનલાઈન શિક્ષણ કાર્ય પણ ચાલુ જ રહેશે.
શિક્ષણમંત્રીની જાહેરાત પ્રમાણે ૨૩મી નવેમ્બરથી રાજ્યમાં ધો.૯થી ૧૨ સુધીના વર્ગો શરૂ થશે. કોલેજ અને યુનિવર્સિટીની વાત કરીએ તો અનુસ્નાતક કક્ષાના વર્ગો શરૂ થશે. આ ઉપરાંત સ્નાતક કક્ષાએ ફક્ત અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગો શરૂ થશે. આ ઉપરાંત મેડિકલ અને પેરામેડિકલના વર્ગો શરૂ થશે. ઈજનેરી શાખામાં માત્ર અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે તેમજ ૈં્ૈં અને પોલિટેકનિકના વર્ગો શરૂ થશે.
શિક્ષણમંત્રીની જાહેરાત પ્રમાણે સ્કૂલોને ઓડ-ઈવન ફોર્મ્યુલા અપનાવવાની સૂચના આપવામાં આવી છે. જે પ્રમાણે એક દિવસ એક ધોરણના વિદ્યાર્થીઓને અને બીજા દિવસે બીજા ધોરણના વિદ્યાર્થીઓને સ્કૂલ ખાતે બોલાવી શકે છે. આ ઉપરાંત એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત ગણાશે નહીં. એટલે કે જે વિદ્યાર્થીઓ સ્કૂલે આવવા માંગે છે તે આવી શકે છે, તેમને ફરજ નહીં પાડવામાં આવે. આ ઉપરાંત ઓનલાઈન અભ્યાસ પણ ચાલુ જ રહેશે. એટલે વિદ્યાર્થીઓ ઓનલાઈન ભણી શકે છે અથવા સ્કૂલે જઈને પણ અભ્યાસ કરી શકે છે. સ્કૂલો શરૂ થયા બાદ કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાનું ફરજિયાત પાલન કરવાનું રહેશે. સ્કૂલ શરૂ કરતા પહેલાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું થર્મલ ગન વડે તાપમાન માપવાનું રહેશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે રીતે બેસાડવા પડશે. વિદ્યાર્થીઓ માટે સ્કૂલમાં સાબુથી હાથ ધોવાની પણ વ્યવસ્થા કરવાની રહેશે. આ તમામ વસ્તુનું ફરજિયાત પાલન થાય છે કે, નહીં તેની જવાબદારી સ્કૂલના આચાર્યની રહેશે. ધો.૯થી ૧૨ના વર્ગો શરૂ થયા બાદ અન્ય વર્ગો શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે. સ્કૂલ દરમિયાન જો કોઈ બાળક બીમાર પડે તો તેને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવાનો રહેશે. જે વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવીને અભ્યાસ કરવા માંગે છે તેમના વાલીઓએ સ્કૂલોને લેખિતમાં સહમતિ આપવાનું રહેશે. આ સહમતિ પત્ર પર સ્કૂલો અને વિદ્યાર્થીઓના વાલીઓએ કયા-કયા નિયમોનું પાલન કરવાનું રહેશે તે પણ લખેલું હશે. આ સાથે એવી પણ સૂચના છે કે, સ્કૂલો વિદ્યાર્થીઓને સ્કૂલ ખાતે આવવા માટે દબાણ નહીં કરી શકે.
શાળાઓ માટેની ગાઈડલાઈન
• વિદ્યાર્થીઓ માટે અભ્યાસ માટે અલગ-અલગ ટાઈમ સ્લોટની વ્યવસ્થા કરવાની રહેશે.
• ક્લાસરૂમને બદલે બહાર ખુલ્લામાં અભ્યાસ કરી શકાય છે.
• ઓનલાઈન અને ડિસ્ટન્સ લર્નિંગની વ્યવસ્થા કરવી પડશે.
• શાળા ખોલવામાં આવે એ અગાઉ સ્કૂલ કેમ્પસ, ક્લાસરૂમ, લેબોરેટરી, વર્ગખંડો, બાથરૂમને સેનિટાઈઝ કરવાના રહેશે.
• જે શાળા ક્વોરન્ટાઈન સેન્ટર તરીકે ફાળવવામાં આવી હતી એને વધારે સાવચેતી અને કાળજી સાથે સેનિટાઈઝ કરવાની રહેશે.
• ૫૦ ટકા ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફને ઓનલાઈન ટીચિંગ તથા ટેલિ કાઉન્સિલિંગ માટે શાળા બોલાવી શકાશે.
• વિદ્યાર્થીઓ માટે બાયોમેટ્રિક અટેન્ડેન્સને બદલે કોન્ટેક્ટલેસ અટેન્ડેન્સની વ્યવસ્થા કરવી પડશે.
• એક લાઈનમાં જમીન પર ૬ ફૂટ અંતર પર માર્કિંગ કરવાનું રહેશે. આ વ્યવસ્થા શાળાની અંદર અને બહારની જગ્યા પર હશે.
વિદ્યાર્થીઓને ધ્યાને રાખવાની બાબતો
૧. ફેસ માસ્ક પહેરવું પડશે.
૨. બે લોકો વચ્ચે ૬ ફૂટનું અંતર રાખવું પડશે.
૩. ગમે ત્યાં થૂંકી નહીં શકે.
૪. સ્વાસ્થ્યનું જાતે ધ્યાન રાખવું પડશે.
૫. જ્યાં જરૂરી હશે ત્યાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવશે.
૬. થોડી-થોડીવાર પછી હાથ ધોવા પડશે.
૭. હાથ ગંદા ન દેખાય તો પણ ધોવા પડશે.
૮. ઓનલાઈન અભ્યાસની પરવાનગી ચાલુ રહેશે.
૯. બાળકો પોતાની ઈચ્છાથી જ સ્કૂલે જશે, વાલીઓની સહમતિ જરૂરી.
૧૦. સ્પોટ્ર્સ એક્ટિવિટી અને એસેમ્બ્લી પર કડક પ્રતિબંધ.
૧૧. એસી લાગેલું હશે તો એનું તાપમાન ૨૪થી ૩૦ વચ્ચે રહેશે.
૧૨. એસીમાં હ્યુમિડિટી લેવલ ૪૦થી ૭૦ ટકા રાખવું.
૧૩. કન્ટેન્મેન્ટ ઝોન બહારની સ્કૂલો જ ખોલવાની પરવાનગી અપાશે.
૧૪. સ્કૂલે જનારા વિદ્યાર્થી, શિક્ષક અને સ્ટાફે કન્ટેન્મેન્ટ ઝોનમાં જવાથી બચવું પડશે.
૧૫. જિમનો ઉપયોગ ફક્ત ગાઈડલાઈન્સના આધાર પર જ થઈ શકે છે, સ્વીમિંગ પૂલ બંધ રહેશે.
૧૬. શિક્ષકો, કર્મચારીઓને ફેસ માસ્ક, હેન્ડ સેનિટાઈઝર, ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સ્કૂલ મેનેજમેન્ટની.
૧૭. સાફ-સફાઈ સાથે સંકળાયેલા કર્મચારીને થર્મલ ગન, ડિસ્પોઝલ પેપર ટોવેલ, સાબુ, ૧ ટકા સોડિયમ હાઈપોક્લોરાઈટ સોલ્યુશન આપવાનું રહેશે.
૧૮. પલ્સ ઓક્સિમીટરની વ્યવસ્થા ફરજિયાત.
૧૯. ઢાંકી શકાય તેવી ડસ્ટબિન (કચરાપેટી) હોવી જોઈએ અને કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા આવશ્યક.
૨૦. સફાઈ કામદારોને કામ પર રાખતાં પહેલાં યોગ્ય તાલીમ આપવાની રહેશે.
૨૧. વિદ્યાર્થી પુસ્તકો, અભ્યાસ સામગ્રીની કોપી, પેન્સિલ, પેન, પાણીની બોટલ વગેરે એકબીજાની સાથે આપ-લે કરી શકશે નહીં.
૨૨. પ્રેક્ટિકલના સમયે વિદ્યાર્થી વિવિધ સેક્શનમાં જશે. વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓને એકસાથે લેબોરેટરીમાં લઈ શકાશે નહીં.
Recent Comments