(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૦
કોરોનાનું સંક્રમણ વધવાને પગલે રાજ્ય સરકાર દ્વારા કડક પગલાં લેવાનું અભિગમ અપનાવતા ફરીવાર રાજ્યમાં લોકડાઉન આવશે તેવી ચર્ચા શરૂ થવા સાથે લોકોમાં ચિંતાજનક રીતે દોડધામ વધી જવા પામી છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકોને રાહત આપતા જણાવ્યું છે કે, લોકડાઉન લગાડવાની હમણા કોઈ વાત નથી માત્ર અફવા છે. રાજ્યમાં લોકડાઉન અંગે ચર્ચાઓ શરૂ થતાં મુખ્યમંત્રી રૂપાણીએ અંબાજીથી સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, લોકો ડરનો માહોલ ન રાખે રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિને જોતા માત્ર અમદાવાદ શહેરમાં ૬૦ કલાકનો કર્ફ્યૂ લગાડવાનો નિર્ણય કર્યો છે. સમગ્ર રાજ્યમાં લૉકડાઉન લગાડવાની વાત અફવા છે, લોકો કોરોના સામે સાવચેતી રાખે, માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને વારંવાર સાબુથી હાથ ધોવે. સરકારે તકેદારીના ભાગરૂપે વ્યવસ્થાઓ કરી છે. નાગરિકો અફવાથી દૂર રહે. વાળીના તહેવાર પછી ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે રાજ્ય સરકાર દ્વારા કોરાના વાયરસના સંક્રમણને અટકાવવા અનેક નિર્ણયો કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં આગામી તારીખ ૨૩ નવેમ્બરથી શાળા-કોલેજો શરૂ કરવાનો નિર્ણય કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે શાળાઓ-કૉલેજોને બંધ રાખવાનો નિર્ણય હાલની સ્થિતિને જોતા કર્યો છે. આગામી બેઠકમાં સમીક્ષા કરીને આગળની જાહેરાત કરીશું.
Recent Comments