અમદાવાદ,તા.રર
એક તરફ શિયાળાની વિદાયની અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે. જયારે ઉનાળાના પ્રારંભે જ ગરમીનો માહોલ જામવા લાગ્યો છે. આમ છેલ્લા એકાદ સપ્તાહથી દિવસે ગરમી અને મોડી રાત્રે અને વહેલી સવારે સામાન્ય ઠંડી એમ બેવડી ઋતુનો માહોલ બનતા રોગચાળાના પ્રમાણમાં વધારો થયો છે. ખાસ કરીને શરદી, ખાંસી, તાવ અને વાઈરલ ઈન્ફેકશનના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. રાજયમાં છેલ્લા કેટલાક દિવસથી બેવડી ઋતુના કારણે રોગચાળાના પ્રમાણમાં વધારો થયો છે. શહેરની સિવિલ સહિતની ખાનગી હોસ્પિટલો શરદી, ઉધરસ, તાવના દર્દીઓથી ઉભરાઇ રહી છે. ગત એક સપ્તાહમાં સિવિમાં નવા ૧,૦૦૦થી વધુ કેસ નોંધાતાં શરદી, ઉધરસ અને વાયરલના કેસોમાં ચાર ગણો વધારો નોંધાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ઠંડા પવનની લહેરો વચ્ચે પણ દિવસે ગરમી અને રાત્રે ઠંડી એમ બેવડી ઋતુ અનુભવાઇ રહી છે. આવી બેવડી ઋતુમાં મોટા ભાગે રોગચાળાના પ્રમાણમાં વધારો થાય છે. શહેરની ખાનગી હોસ્પિટલોમાં શરદી, તાવ અને ઉધરસના દર્દીઓમાં વધારો થઇ રહ્યો છે. આ અંગે એક ખાનગી હોસ્પિટલના તબીબે જણાવ્યું હતું કે શરદી, ઉધરસ ચેપી રોગ હોવાથી ઝડપથી ફેલાય છે. હાલમાં ઓપીડીમાં આવતા દર્દીઓમાં ૩૦ ટકાથી વધુ દર્દીઓ શરદી ઉધરસ અને તાવથી પીડાઇ રહ્યા છે. દરરોજ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. સામાન્ય શરીદી, ઉધરસ, તાવ, મલેરિયાના કેસો વધી રહ્યા છે. ખાનગી હોસ્પિટલો ક્લિનિક સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં શરદીમાંથી તાવ ખને ઉધરસની બીમારીની સારવાર લેવા માટે દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. નાનાં મોટાં અને બાળકો સહિતને વાયરલ બીમારીએ નિશાન બનાવ્યાં છે. બેવડી ઋતુના કારણે ઘેર ઘેર બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે. સામાન્ય તાવ કે શરદીના લક્ષણો જોવા મળે તો તરત જ દવા અને સમયસર સારવાર લેવી જોઇએ. ફેબ્રુઆરી-માર્ચના વચ્ચેના સમયગાળામાં શિયાળો પૂરો થવા સાથે ઉનાળાની શરૂઆત થતી હોઇને મસીનું પ્રમાણ પણ વાતાવરણમાં વધ્યું છે. તેમજ મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. જેના કારણે મેલેરિયા ઉપરાંત પાણીજન્ય રોગોમાં પણ વધારો થયો છે. ફેબ્રુઆરી માસના હાલના દિવસોમાં મહત્તમ તાપમાન ૩પ ડિગ્રીની નજીક અને લઘુતમ તાપમાન ૧રથી ૧૪ ડિગ્રી જેટલું રહ્યું છે. હજુ પણ શિયાળો વિદાય લે તે પહેલાં તાપમાન વધવાની શકયતા છે. વહેલી સવારે અને મોડી રાત્રે લઘુત્તમ તાપમાન ઘટે છે જયારે બપોરના સમયે મહત્તમ તાપમાન વધે છે જેને પરિણામે રોગચારો વકરે છે. તબીબોના જણાવ્યા અનુસાર તાવ, શરદી, ઉધરસના દર્દીઓએ ઘરમાં પણ માસ્ક પહેરી રાખવો જોઇએ જેથી અન્ય કોઇને ચેપ લાગે નહીં. ઉકાળેલું નવશેકું પાણી પીવું જોઇએ તેમજ બહાર નીકળતી વખતે કાન ઢાંકેલા રાખવા જોઇએ. ખુલ્લી હવા કે પંખાની હવાથી દૂર રહેવું જોઇએ. સમયસર દવા ઉપરાંત ટેસ્ટ કરાવી લેવા જોઇએ. બાળકોને દર્દીથી દૂર રાખવાં જોઇએ. બપોરના તાપમાં બહાર નીકળવાનું ટાળવું જોઇએ.