(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૧
રાજ્યમાં કોરોના મહામારીના વધતા જતા વ્યાપને પગલે સરકારને વિવિધ નિર્ણયો લેવા પડી રહ્યા છે. જેમાં અગાઉ કોરોનાના વધતા કેસોને પગલે રાજ્યમાં લગ્ન સમારંભો વગેરે માટે જેને પોલીસ મથકની મંજૂરી લેવાનો નિર્ણય લેવાયા બાદ લોકોની રજૂઆતોને પગલે સરકારે તેને મુલતવી રાખ્યો હતો. જેમાં હવે ફરી નવો નિર્ણય લેતા સરકાર દ્વારા રાજ્યમાં આગામી સમયમાં યોજાનાર લગ્નો માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર લગ્ન પ્રસંગને લઈને અવાર નવાર નિર્ણયમાં ફેરફાર કરે છે અને નવા નિર્ણય લાવે છે. ત્યારે હવે ફરીથી એકવાર નિર્ણય બદલવામાં આવ્યો છે. હવે લગ્ન પ્રસંગ માટે ઓનલાઈન પરવાનગી લેવી પડશે. આ મામલે રાજ્યના ગૃહ વિભાગે જાહેરનામું પાડ્યું છે. સરકારે રજિસ્ટ્રેશન માટે નવુ સોફ્ટવેર પણ બનાવ્યું છે. જો કે લગ્ન પ્રસંગમાં ૧૦૦થી વધુ લોકોને મંજૂરી નહીં જ મળે. આ પહેલાં ગૃહમંત્રીએ મંજૂરી જરૂરી ન હોવાનું કહ્યું હતું. એક તરફ ગુજરાતમાં કોરોના વાયરસે કહેર વરસાવ્યો છે તો બીજી તરફ લગ્નની મોસમ ચાલી રહી છે ત્યારે ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ પહેલાં જણાવ્યું હતું કે, લગ્ન કે અન્ય સત્કાર સમારંભોમાં ૧૦૦ વ્યક્તિની મર્યાદામાં આયોજન કરવાનું રહેશે. અગાઉ આ સાથે લગ્નમાં વરઘોડા અને ફુલેકાને લઇને તેમણે જણાવ્યું હતું કે, લગ્ન પ્રસંગો દરમ્યાન વરઘોડા કે બેન્ડવાજા પર પ્રતિબંધ રહેશે. તેમજ સમારોહના આયોજન માટે પોતાના વિસ્તારના પોલીસ સ્ટેશનની કોઇપણ પ્રકારની મંજૂરી મેળવવાની રહેશે નહીં. દરમ્યાન હવે સરકારે ફરીવાર યુ-ટર્ન લેતા લગ્ન-સમારંભો માટે રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવ્યું છે. ગૃહ વિભાગ દ્વારા જારી કરાયેલ પરિપત્રમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી સમયમાં યોજાનાર લગ્નો માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છેે. ડિજિટલ ગુજરાત પોર્ટલ પર કાર્યરત આ અંગેના નવા સોફ્ટવેરમાં રજિસ્ટ્રેશન કરવામાં આવશે. લગ્ન યોજનારે આ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ અરજદાર રજિસ્ટ્રેશન સ્લીપની પ્રિન્ટ લઈ શકે છે સેવ પણ કરી શકે છે. જો કોઈ પોલીસ અધિકારી કે સ્થાનિક વહીવટી તંત્રના અધિકારી અરજદાર પાસે રજિસ્ટ્રેશન સ્લીપ માંગે તો તે બતાવવાની રહેશે તેમ પરિપત્રમાં વધુમાં ઠરાવાયું છે.
રાજ્યભરમાં લગ્ન સમારંભ યોજવા માટે હવે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત

Recent Comments