(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૪
રાજ્યની ભાજપ સરકાર શૈક્ષણિક તથા આરોગ્ય ક્ષેત્રે હરણફાળ વિકાસની અને દેશના રાજ્યોમાંથી તથા વિશ્વના અન્ય દેશોમાંથી લોકો ગુજરાતમાં અભ્યાસ તથા આરોગ્ય સારવાર માટે આવે તેવી અદ્યતન સુવિધાની મોટી મોટી વાતો વારેઘડીયે કરે છે અને તે માટે કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરી રહી છે. ત્યારે આ બધા ક્ષેત્રમાં ખાનગીકરણ તથા પીપીપી ધોરણનો બહુ જ ઉપયોગ કરાઈ રહ્યો છે અને સરકાર ધીમે ધીમે કેટલાક ક્ષેત્રમાંથી ખસી રહી છે. સરકારી શાળા-કોલેજો, હોસ્પિટલો અને તેની સામે ખાનગી શાળા-કોલેજો તથા હોસ્પિટલો વચ્ચેના ગેપ બહુ વધી રહ્યો છે. રાજ્યની આવી સ્થિતિ અંગેની વિગતો સરકારી દફતરેથી જ બહાર આવતી રહે છે. આ વખતે સરકારી ફિઝિયોથેરાપી કોલેજોની વિગતો બહાર આવી છે. આખા રાજ્યમાં માત્રને માત્ર પાંચ જ સરકારી કોલેજો છે અને નવી મંજૂર થયેલી કોલેજોમાં પણ એક પણ સરકારી કોલેજો નથી. ગુજરાત રાજ્યમાં મેડિકલ ક્ષેત્રે સરકારી હોસ્પિટલોને અદ્યતન બનાવવાની સરકાર વાતો કરી રહી છે અને બીજી તરફ સરકારી કોલેજો શરૂ કરવાથી લઈ અદ્યતન બનાવવામાં ભારે ઉદાસીનતા દાખવી રહી હોય તેમ જણાય છે. રાજ્યભરમાં સરકાર દ્વારા કાર્યરત માત્રને માત્ર પાંચ જ ફિઝિયોથેરાપી કોલેજો છે જ્યારે તેની સામે ખાનગીકરણને બહુ પ્રોત્સાહન આપતી સરકારના આશીર્વાદથી રાજ્યમાં કુલ ૭૧ ખાનગી ફિઝિયોથેરાપી કોલેજો કાર્યરત છે. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પૂછાયેલ પ્રશ્નના જવાબમાં સરકારના ના.મુખ્યમંત્રીએ આપેલ વધુ વિગતો મુજબ છેલ્લા બે વર્ષમાં નવી ચાર ફિઝિયોથેરાપી કોલેજો માટે મંજૂરી આપવામાં આવી હતી. વધુમાં પેટાપ્રશ્નમાં આ નવી કોલેજો પૈકી સરકારી કેટલી ? તેવો પૂછાતાં તેના જવાબમાં જણાવ્યા અનુસાર આ ચારેય કોલેજો ખાનગી છે અને તેમાં નવી એક પણ કોલેજ સરકારી નથી. આ વિગતો જ જણાવે છે કે, સરકારને લોકોને નજીવા ફીના દરોમાં સરકારી કોલેજોમાં અભ્યાસ પૂરો પાડવામાં રસ નથી. જેને કારણે મસમોટી ફી વસૂલીને ધંધાકીય અભિગમ સાથે કરોડોની કમાણી ખાનગી શાળા-કોલેજોવાળા કરી રહ્યા છે.