• સૌરાષ્ટ્રની અનેક સ્થાનિક નદીઓમાં પૂરની સ્થિતિ • અનેક ગામો સંપર્ક વિહોણા : રાજ્યના ૧૪૯ રોડ-રસ્તા બંધ • આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી : તંત્ર એલર્ટ : માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

અમદાવાદ, તા.૩૦
રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે હાલ જોરદાર વરસાદી માહોલ જામ્યો છે શનિવારથી જ મેઘાએ રાજ્યભરમાં સટાસટી બોલાવતા છેલ્લા ર૪ કલાકમાં ર૧૪ તાલુકાઓમાં સામાન્યથી ૮ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને પગલે રાજ્યની અનેક સ્થાનિક નદીઓમાં પૂરની સ્થિતિ છે. તો અનેક કોઝવે પાણીમાં ગરકાવ થયા છે. વળી ભારે વરસાદને કારણે રાજ્યના કુલ ૧૪૯ રોડ-રસ્તા બંધ કરવામાં આવ્યા છે. કચ્છના એક નેશનલ હાઈવે સહિત રાજ્યના ર૧ હાઈવે પણ બંધ કરાયા છે તો અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે જ્યારે હજુપણ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ બન્યું છે.
રાજ્યભરમાં વરસાદી માહોલ વચ્ચે વાત કરીએ સૌરાષ્ટ્રની તો રાજકોટમાં ૬ ઈંચ જ્યારે જિલ્લામાં ૭ ઈંચ વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં પૂર તેમજ સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગોંડલ તાલુકામાં ત્રણ ઈંચ વરસાદથી જૂની માગણી ગામમાં પૂરના પાણી ઘૂસ્યા છે. વળી ડેમમાં પાણીની આવક વધતા પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે કાંઠા વિસ્તારના લોકોને સતર્ક કરાયા છે જ્યારે ભાવનગર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. બોટાદ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં તેમજ ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ઘેલો નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે. આટકોટમાં ત્રણ ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. વેરાવળની કપિલા નદીના પાણી સોનારિયા ગામમાં ઘૂસતા અનેક મકાનોમાં પાણી ભરાતા ઘરવખરીને નુકસાન થયું છે. સૂત્રાપાડાનું ઝાલા વડોદરા ગામ બેટમાં ફરેવાયું છે. ગામ અને શહેરની વચ્ચેની અવર-જવર બંધ થઈ ગઈ છે. જોડિયા પંથકનું હડિયાણા ગામ પણ બેટમાં ફેરવાયું છે. તો જામનગરમાં ૩ ઈંચ, કાલાવમાં બે ઈંચ, વંથલીમાં ૭ ઈંચ, મેંદરડામાં પ ઈંચ, માંગરોળ-કેશોદમાં ૪ ઈંચ, માળિયાહાટીનામાં પાંચ, બોટાદના બરવાળા, જૂનાગઢના માણાવદરમાં ૩ ઈંચ, જોડિયામાં અઢી ઈંચ, ઉનામાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે. ગીર-ગઢડાના કણેરી ગામે આભ ફાટ્યું હોય તેમ માત્ર એક જ કલાકમાં પાંચ ઈંચ વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જામવાળામાં ૪ કલાકમાં ૮ ઈંચ અને એભલવડમાં ૪ કલાકમાં ૬ ઈંચ વરસાદ ખાબક્યો છે. હિરણ ડેમના ૭ દરવાજા ખોલાતા ૧પ ગામોને હાઈ એલર્ટ કરાયા છે. સૂત્રાપાડામાં પણ ૮ ઈંચ વરસાદ ખાબક્યો છે. બીજી તરફ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરામાં અનેક સ્થળોએ ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો અનેક સ્થાનિક નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. જ્યારે બંગાળની ખાડીામાં સર્જાયેલા લો-પ્રેશરના કારણે આગામી બે દિવસ સુરત, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, આહવા, ભરૂચ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, મોરબી, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અન્ય અનેક સ્થળોએ મધ્ય વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની આગાહીને પગલે આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

તંત્ર એલર્ટ : NDRFની ૧૩ ટીમ તૈનાત કરાઈ

અમદાવાદ, તા.૩૦
રાજ્યમાં હાલ ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે આગામી બે દિવસ અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વળી રાજ્યની અનેક નદીઓમાં પૂરની સ્થિતિ છે જ્યારે અનેક ડેમ પણ ઓવરફલો થયા છે. ત્યારે ભારે વરસાદની સ્થિતિ જોતાં વહીવટીતંત્ર પણ એલર્ટ પર છે અને કોઈ વિકટ પરિસ્થિતિ ઊભી થાય તો તેને પહોંચી વળવા એનડીઆરએફની ૧૩ ટીમો તૈનાત કરવામાં આવી છે. રાજ્યમાં સતત વરસાદી માહોલ છે. ભારે વરસાદને કારણે કોઈ મુશ્કેલી ન પડે તે માટે એનડીઆરએફની ટીમો તૈનાત છે. વડોદરાના જરોદ સ્થિત આવેલા એનડીઆરએફ હેડ કવાર્ટરથી ભરૂચ, સુરત, દ્વારકા, ભૂજ, નવસારી, ગીર-સોમનાથ, મોરબી, દાહોદ અને ગાંધીનગરમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે.