• રાજ્યમાં કોરોનાના નવા કેસથી પણ વધુ રેકર્ડરૂપ ૧૩૨૪ દર્દી થયા કોરોનામુક્ત ! કુલ ૬૭,૨૭૭ દર્દી સાજા થયા ! • કોરોનામાં વધુ ૧૪ લોકો મોતને ભેટ્યા રાજ્યમાં કોરોનાના કુલ મૃત્યુઆંક ૨૮૬૯ • રાજ્યભરમાં કોરોના કેસનો કુલ આંક ૮૪,૪૬૬ : ર૪ કલાકમાં સૌથી વધુ ૭૨,૮૫૭ કોરોના ટેસ્ટ !

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.ર૧
કોરોના વાયરસનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. રાજયમાં હવે કોરોના ટેસ્ટનું પ્રમાણ વધતા પોઝિટિવ કેસોમાં ફરી એકવાર ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજયમાં હવે રોજના કેસોનો આંક ૧ર૦૦ને પણ પાર થઈ જવા પામ્યો છે. અત્યાર સુધી ૧૧૦૦થી ૧ર૦૦ની વચ્ચે રહ્યા બાદ હવે આજે ઉછાળા સાથે વધુ નવા રેકોર્ડબ્રેક ૧ર૦૪ કોરોનાના કેસ બહાર આવ્યા છે. જેમાં સૌથી વધુ કેસો આજે પણ સુરતમાં જ જોવા મળ્યા છે. જયારે કોરોનામાં મોતનું પ્રમાણ પણ એ જ રીતે જારી રહેતા આજે વધુ ૧૪ વ્યકિતઓના મૃત્યુ નિપજયા છે. બીજી તરફ રાજયમાં કોરોનામાંથી સાજા થવાના મામલામાં પણ ભારે ઉછાળો જોવાયો છે. આજે રેકોર્ડબ્રેક ૧૩ર૪ દર્દીઓ કોરોનામાંથી સાજા થયેલ છે. જેને પગલે રાજયનો રિકવરી રેટ વધીને ૮૦ ટકાએ પહોંચ્યો છે. રાજયમાં કોરોના ટેસ્ટનો વધારો જારી રહેવા સાથે આજે તો અત્યાર સુધીના સૌથી વધુ રેકર્ડબ્રેક ૭ર,૮પ૭ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં કોરાનાનાં કેસમાં અચાનક વધારો થયો છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે ૧૨૦૪પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા વધીને ૮૪,૪૬૬એ પહોંચી છે. જ્યારે રાજ્ય વધુ ૧૪ દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને ૨૮૬૯એ પહોંચ્યો છે.
કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સુરત કોર્પોરેશન ૧૬૯, અમદાવાદ કોર્પોરેશન ૧૫૬, વડોદરા કોર્પોરેશન ૯૭, સુરત ૮૨, જામનગર કોર્પોરેશન ૬૯, રાજકોટ કોર્પોરેશન ૬૦, પંચમહાલ ૪૪, કચ્છ ૩૮, રાજકોટ ૩૭, ભરૂચ ૩૧, અમરેલી ૨૯, દાહોદ ૨૮, મહેસાણા ૨૭, અમદાવાદ ૨૩, બનાસકાંઠા ૨૩, વડોદરા ૨૩, મોરબી ૨૦, જુનાગઢ ૧૯, ગાંધીનગર કોર્પોરેશન ૧૮, ગીર સોમનાથ ૧૭, ગાંધીનગર ૧૬ તેમજ અન્ય જિલ્લાઓમાં ૧થી ૧પ જેટલા કેસ નોંધાયા છે.
આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વીતેલા ૨૪ કલાકમાં અમદાવાદ કોપોરેશન ૩, સુરતમાં પાંચ, વડોદરા કોર્પોરેશન ૨, આણંદ ૧, ભાવનગર કોર્પોરેશન ૧, પંચમહાલ ૧, રાજકોટ કોપોરેશન ૧ વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે કુલ ૧૪ લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને ૨૮૬૯એ પહોંચ્યો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૬૭,૨૭૭ નાગરિકો સાજા થઈ ગયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ કોરોનાના કુલ કેસમાં ૧૪,૩૨૦ સારવાર હેઠળના દર્દીઓ પૈકી ૮૭ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને ૧૪,૨૩૧ની સ્થિતિ તંત્ર દ્વારા સ્થિર દર્શાવવામાં આવી રહી છે.
કોરોના વાયરસના કારણે ગુજરાતમાં દિવસેને દિવસે ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. હાલ રાજ્ય કુલ ૬૧ લેબોરેટરી કાર્યરત છે અને છેલ્લા એક માસથી રેપિડ એન્ટીજન કિટનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં આજે સૌથી વધુ કોરોના વાયરસના ૭૨,૮૫૭ ટેસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે ટેસ્ટિંગનો કુલ આંકડો ૧૬,૨૦,૦૬૭ પર પહોંચ્યો છે.