અમદાવાદ, તા.૬
કોરોના વાયરસથી સમગ્ર વિશ્વ ચિંતિત છે, ત્યારે ગુજરાતમાં કોરોના વાયરસના ૩૭ પૈકી ૩૬ સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રને રાહત થઈ છે, જ્યારે એકનો રિપોર્ટ આવવાનો બાકી છે. જ્યારે તંત્ર દરેક રીતે સજ્જ થયું છે. તમામ જિલ્લા/કોર્પોરેશનમાં રપથી પ૦ પથારીની વ્યવસ્થા ધરાવતી કોરોન્ટાઈન ફેસિલિટી તૈયાર કરવામાં આવી છે, જ્યારે જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજમાં કોરોના વાયરસના ટેસ્ટિંગની મંજૂરી પણ અપાઈ છે. ઉપરાંત સુરત, રાજકોટ અને વડોદરા ખાતે કોરોના વાયરસ ટેસ્ટિંગની સુવિધા ઊભી કરવા રાજ્ય સરકારે તૈયારી બતાવી છે. રાજ્યમાં કુલ ૧૮૫૬ મુસાફરો કોરોનાગ્રસ્ત દેશમાંથી આવેલ છે. જે પૈકી ૧૦૭૮ પ્રવાસીઓએ ર૮ દિવસનો ઓબ્ઝર્વેશન પિરિયડ પૂર્ણ કરેલ છે, જે તમામ મુસાફરોની તબિયત સારી છે. આરોગ્ય વિભાગ દ્વારા આ મુસાફરોનું દૈનિક ધોરણે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, તેમજ રાજ્યમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-ર અને સુરત એરપોર્ટ ખાતે કોરોના વાયરસ માટે સ્ક્રીનિંગની વ્યવસ્થા કરવામાં આવેલ છે. અમદાવાદ એરપોર્ટ પર અત્યાર સુધી ૧૪૫ ફ્લાઈટમાં કુલ ૧૬૪૭૮ મુસાફરોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. ઉપરાંત રાજ્યના તમામ બંદરો ખાતે પણ કોરોના વાયરસ અંગે સ્ક્રીનિંગની વ્યવસ્થા કરાઈ છે. અત્યાર સુધી કુલ ર૪ શીપમાં ૧૪૫૪ જેટલા મુસાફરોનું સ્ક્રીનિંગ કરાયું છે. સિવિલ હોસ્પિટલ, અમદાવાદને બેઝ હોસ્પિટલ બનાવવામાં આવેલ છે. જેમાં ર૯ આઈસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવેલ છે. હાલ રાજ્યમાં કુલ ૫૭૬ આઈસોલેશન બેડ અને ર૦૪ વેન્ટીલેટર ઉપલબ્ધ છે. રાજ્યમાં વિવિધ હોસ્પિટલોમાં પીપીઈ કીટ ૨૪૫૫૫, એન-૯૫ માસ્કનો ૩૯૦૪૧, ટ્રિપલ માસ્કનો ૮,૯૨,૩૦૦ તથા ગ્લબ્ઝનો જથ્થો ૨૧,૨૫,૬૦૦ જેટલો ઉપલબ્ધ છે. આમ, રાજ્યમાં લોજિસ્ટિકની હાલ કોઈ કમી જણાતી નથી. રાજ્યની બી.જે. મેડિકલ કોલેજ, અમદાવાદ ખાતે કોરોના વાયરસના લેબોરેટરી પરિક્ષણની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે, જ્યારે અમેરલીમાં ઈટાલીથી આવેલા યુવકને શરદી, ઉધરસ જેવા લક્ષણો જણાતા અમરેલી સિવિલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાયો છે.

કોરોના સામે આકરો ઉનાળો બનશે વરદાન સ્વરૂપ

અમદાવાદ, તા.૬
રાજ્યમાં ઉનાળાનો આરંભ થઈ રહ્યો છે, ત્યારે કોરોના સામે લડવા ઉનાળાની ગરમીનો સાથ પણ મળી રહેશે. કારણ કે ઉનાળો વધુ આકરો રહેવાનો છે અને ઉનાળાની ગરમીમાં વાયરસ વધુ એકટીવ રહી શકતો નથી. કોઈ પણ વાયરસ ઠંડીની સિઝનમાં જ વધુ એકટીવ થાય છે અને લાંબો સમય સુધી વાયરસ ચાલે છે. ગરમીમાં વાયરસ સક્રીય રહી શકતો નથી. ત્યારે કોરોના વાયરસ સામે લડવા માટે ઉનાળાની ગરમી પણ આશીર્વાદ રૂપ સાબિત થશે. સીનિયર ફિજીશિયન ડૉક્ટર પ્રવિણ ગર્ગે જણાવ્યું હતું કે ઉનાળો લોકો માટે ફાયદાકારક રહેશે. કારણે કે ગરમીમાં વાયરસ વધુ સક્રીય રહેતો નથી. કોઈ પણ વાયરસ ઠંડીમાં અથવા તો ઓછા તાપમાનમાં સક્રીય થાય છે. જેમ-જેમ તાપમાન વધતુ જાય તેમ તેમ વાયરસનો ગ્રોથ ઓછો થતો જાય છે. હવે ગરમીની શરુઆત થઈ રહી છે અને જેમ જેમ ગરમી વધશે તેમ તેમ વાયરસ ઓછો થતો જશે. આગામી દિવસમાં કાળઝાળ ગરમી પડશે. જેથી કોરોના વાયરસ અથવા તો કોઈ પણ વાયરસ હશે તે લાંબો સમય સુધી એકટીવ રહી શકશે નહીં. કાળઝાળ ગરમીમાં કોરોના વાયરસથી રાહત મળશે.