(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.ર૮
રાજયના બનાસકાંઠા જિલ્લામાં તીડના આક્રમણે ખેડૂતોના ઉભા પાકનો સોથ વાળી દીધો છે. ત્યારે હવે સરકાર દ્વારા સઘન કામગીરીના દાવા સાથે મોટા ભાગનો તીડનો નાશ કરી દેવાયો હોવાનું જણાવાયું છે. કેન્દ્ર સરકારની ૧૬ અને રાજય સરકારની ૧૧૭ ટીમોએ સતત કામગીરી જારી રાખી તીડ નિયંત્રણમાં સફળતા મેળવી હોવાની વિગતો પણ અપાઈ છે. એક તરફ એવું કહેવાય છે કે, બાકીનું તીડનું ટોળું રાજસ્થાન તરફ ફંટાયું છે તો તેની સામે સરકાર તરફથી તીડ અન્યત્ર જવાની શકયતાઓ નથી તેવી સ્પષ્ટતા કરાઈ છે.
રાજ્યના બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારમાં થયેલા તીડના આક્રમણના કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે. આ અંગે કૃષિ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે કહ્યું હતું કે, બનાસકાંઠાના ખેડૂતોને હવે તીડના આક્રમણથી ચિંતાનું કોઈ કારણ નથી. તીડના મોટા ટોળાં પર નિયંત્રણ મેળવી લેવાયું છે, કેટલીક જગ્યાએ નાના નાના ટોળા છે તેને પણ નિયંત્રિત કરી લેવાશે. મોટા ભાગના તીડનો નાશ થઈ ગયો હોવાથી હવે તે અન્યત્ર જવાની શક્યતાઓ પણ નથી.તેમજ ૨૫ ડિસેમ્બરે થરાદ તાલુકામાં જોવા મળેલું મોટું ટોળું હવે નિયંત્રણ હેઠળ છે. તીડનો મોટો જથ્થો નિયંત્રિત કરી લેવાયો છે,બાકીનું ટોળું પવનની દિશાના કારણે રાજસ્થાનના સાંચોર તરફ ફંટાયું હતું, ત્યાં પણ અહીંથી કેન્દ્ર સરકારની ટીમો પહોંચી છે અને નિયંત્રણની કામગીરી શરૂ કરવામાં આવી છે. તીડ નિયંત્રણ માટે ૯૬ ટકા મેલાંથીઓન અને કલોરો પાયરી ફોસ નામની દવા મળી કુલ ૫ હજાર લિટર જેટલો જથ્થો વપરાયો છે. પૂનમચંદ પરમારે આગળ કહ્યું કે, રાજ્ય સરકારની ૧૧૭ ટ્રેકટર માઉન્ટેડ સ્પ્રેયર ટીમો અને કેન્દ્ર સરકારની ૧૬ ટીમ મળી કુલ ૧૩૩ ટીમ દ્વારા તીડ નિયંત્રણ કામગીરી દ્વારા મોટા ભાગના તીડનો નાશ કરાયો છે. બનાસકાંઠા જિલ્લાના ૧૩ તાલુકાના ૧૨૨ ગામો, મહેસાણા જિલ્લાના ૧ તાલુકાના ૫ ગામો, પાટણ જિલ્લાના ૨ તાલુકાના ૪ ગામો, સાબરકાંઠા જિલ્લાના ૧ તાલુકાના ૧ ગામ મળી કુલ ચાર જિલ્લાના ૧૭ તાલુકાના ૧૩૨ ગામોમાં તીડની હાજરી જોવા મળી હતી, તેના લોકેશન ટ્રેક કરી આ તમામ વિસ્તારોમાં તીડ નિયંત્રણની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઇ હતી. તેમણે ઉમેર્યું હતું કે, ભારત સરકારની ટીમો, ખેતીવાડી ખાતાની ટીમો, જિલ્લા તંત્ર અને ખેડૂતોએ ખભે ખભો મિલાવીને કામ કર્યું છે, જેને પરિણામે આ સફળતા મળી છે. હવે ધાનેરા, ડીસા, પાલનપુર વિસ્તારમાં નાના નાના ટોળા છે જેને નિયંત્રિત કરી લેવાશે. આગામી દિવસોમાં પણ તીડ જ્યાં જ્યાં જોવા મળશે ત્યાં તમામ પ્રકારના સંસાધનોનો ઉપયોગ કરી તીડનું નિયંત્રણ કરી લેવાશે. તીડથી પાકને થયેલા નુકસાન અંગે જિલ્લા કલેકટર તંત્ર દ્વારા સરવે ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ નિયમાનુસાર એસડીઆરએફ(સ્ટેટ ડિઝાસ્ટર રિસપોન્સ ફંડ) માંથી તે સહાય ચૂકવવામાં આવશે.