(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧ર
ગુજરાતમાં કોરોનાના સંક્રમણના વધતા વ્યાપને લઈ કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રોજેરોજ કોરોનાના ઉછાળારૂપ વધતા કેસો અને મૃત્યુના બનાવોને લઈ ચિંતાજનક સ્થિતિ નિર્માણ પામી રહી છે. રાજયમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોના પોઝિટિવના વધુ નવા અત્યાર સુધીના હાઈએસ્ટ ૧૩૬પ કેસ બહાર આવ્યા છે. જેમાં સૌથી વધુ ર૭૮ કેસ સાથે સુરત પ્રથમક્રમે રહેલ છે જયારે કોરોનામાં મૃત્યુને મામલે પણ યથાવત સ્થિતિ જળવાતા આજે વધુ ૧પ વ્યકિતઓ કોરોનામાં મોતને ભેટી છે. બીજી તરફ રાજયમાં કોરોનામાંથી સાજા થનારાનો વધતો આંક રાહતજનક છે. ર૪ કલાકમાં વધુ ૧૩૩પ દર્દીઓ કોરોનામાંથી સાજા થવામાં સફળ રહ્યા છે. જે આજના નવા કોરોના કેસના આંકની બરાબર જ છે. રાજયનો કોરોનાનો રિકવરી રેટ વધીને ૮ર.૬૧ ટકાએ પહોંચ્યો છે. રાજયમાં કોરોના ટેસ્ટનું વધુ પ્રમાણ જારી રહેતા આજે વધુ ૭૪,૭૮૧ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં ફરી ૧૩૦૦થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સૌથી વધુ ૧૩૬૫ પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા વધીને ૧૧૨૩૩૬એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ ૧૫ દર્દીઓએ દમ તોડતા કોરોનાનો મૃત્યુઆંક વધીને ૩૧૯૮એ પહોંચ્યો છે. કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સુરત કોર્પોરેશન ૧૭૩, અમદાવાદ કોર્પોરેશન ૧૫૩, સુરત ૧૦૫, જામનગર કોર્પોરેશન ૧૦૩, રાજકોટ કોર્પોરેશન ૯૫, વડોદરા કોર્પોરેશન ૮૪, રાજકોટ ૫૧, મહેસાણા ૫૦, વડોદરા ૩૯, પાટણ ૩૧, પંચમહાલ ૨૯, મોરબી ૨૮, બનાસકાંઠા ૨૬, અમરેલી ૨૫, ભાવનગર કોર્પોરેશન ૨૪, અમદાવાદ ૨૨, જામનગર ૨૨, ગાંધીનગર ૨૧, દાહોદ ૨૦, જુનાગઢ ૨૦, ભરૂચ ૧૯, જુનાગઢ કોર્પોરેશન ૧૯, સુરેન્દ્રનગર ૧૯, તાપી ૧૯, કચ્છ ૧૮, ભાવનગર ૧૭ તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી ૧થી ૧૬ જેટલા કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ સુરતમાં પ, અમદાવાદ કોર્પોરેશન ૩, ભાવનગરમાં ર, ગાંધીનગર ૧, ગીર સોમનાથ ૧, રાજકોટમાં ર, વડોદરા કોર્પોરેશન ૧નું મૃત્યુ થયેલ છે. આમ આજે વિતેલા ૨૪ કલાકમાં કુલ ૧૫ લોકોનાં મોત નિપજ્યા છે. જેને પગલે ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને ૩૧૯૮એ પહોંચ્યો છે. રાજ્યભરમાં અત્યાર સુધીમાં કુલ ૯૨,૮૦૫ નાગરીકો સાજા થઈ ગયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ ૧૬,૩૩૩ સારવાર હેઠળના દર્દીઓ પૈકી ૯૦ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને ૧૬,૨૪૩ની સ્થિતિ તંત્ર દ્વારા સ્થિર બતાવવામાં આવી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૩ર.૧૯ લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.