અમદાવાદ,તા.૧૧
રાજયમાં ધોધમાર બેટિંગ કર્યા બાદ વરસાદે પોતાનું જોર ઘટાડયું છે. જો કે હજુ પણ કયાંક ધીમી ધારે તો કયાંક ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. શનિવારના રોજ અસહ્ય ગરમી અને બફારા બાદ ઉના અને દીવમાં ધોધમાર વરસાદ પડયો છે. આટકોટમાં ત્રણ કલાકમાં અઢી ઈંચ વરસાદ પડયો છે. બીજી તરફ રાજકોટ, ગોંડલ, ખાંભા, બાબરા અને વીરપુર પંથકમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. બીજી તરફ દીવ અને જસદણમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે છેલ્લા ર૪ કલાકમાં રાજયના ૧પ૬ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં દક્ષિણ ગુજરાતના ર૧ તાલુકાઓમાં સામાન્યથી એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આગામી ૧૩-૧૪ જુલાઈના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ ભારે વરસાદની આગાહી વચ્ચે આટકોટમાં બપોરના ૧થી ૪ દરમ્યાન માત્ર ત્રણ કલાકમાં અઢી ઈંચ વરસાદ ખાબકયો હતો વરસાદને પગલે ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. રાજકોટમાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ વરસાદી માહોલ જામ્યો હતો. રાજકોટના પડધરી તાલુકાના અનેક ગામોમાં વરસાદી માહોલ જેવા મળ્યો હતો. ખીજડિયા સહિત અનેક ગામોમાં ૧થી દોઢ ઈંચ વરસાદ પડતા સ્થાનિક નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી. દીવમાં પણ ભારે વરસાદને પગલે રોડ, રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. વીરપુર પંથકમાં કપાસ, મગફળીના વાવેલ પાક પર કાચુ સોનું વરસતા ખેડુતોમાં હર્ષની લાગણી પ્રસરી ગઈ છે. ધારી પંથકમાં પણ ભારે વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા.
શનિવાર સવારથી જ ગોંડલમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. વરસાદને પગલે લોકોને અસહય બફારામાંથી રાહત મળી હતી. લાંબા વિરામ બાદ બાબરા પંથકમાં મેઘો મન મુકીને વરસતા ખેતરમાં ઉભા પાકને ફાયદો થયો હતો. જયારે ખાંભા પંથકમાં, ભાવનગરમાં ધીમીધારે વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ર૪ કલાકમાં સુરત શહેરમાં ૧.ર ઈંચ વરસાદ પડયો છે. જયારે કામરેજમાં ૧ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તદઉપરાંત રાજયમાં અનેક સ્થળોએ સામાન્યથી ભારે વરસાદી ઝાપટા થયાના અહેવાલો સાંપડયા છે. આમ એક તરફ સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. જયારે આગામી ૧૩-૧૪ જુલાઈના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત અનેક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં અનેક સ્થળોએ જામ્યો મેઘાવી માહોલ : આટકોટમાં અઢી ઈંચ ખાબકયો

Recent Comments