અમદાવાદ,તા.૮
પ્રિ-મોન્સૂન અકિટવીટીની અસરને પરિણામે રાજયમાં છેલ્લા એકાદ સપ્તાહથી સતત વરસાદ પડી રહ્યો છે વળી મધ્ય ગુજરાતમાં દરિયાઈ સપાટીથી ર.૧ થી ૩.૧ કિલોમીટર હાઈટે એક સાયકલોનિક સરકયુલેશન સર્જાયું છે જેની અસરના કારણે આગામી ૧૦થી ૧ર જુન દરમ્યાન રાજયમાં સાર્વત્રિક મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રવિવારે રાજયના ૧૦૩ તાલુકાઓમાં વરસાદ નોંધાયા બાદ રાજયના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો રાજયના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યાના અહેવાલો સાંપડયા છે. બપોરના ર વાગ્યા સુધીના આંકડા જોઈએ તો તે સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર, ભાવનગર અને અમરેલી જિલ્લામાં નોંધાયો છે. ભાવનગર શહેરમાં માત્ર બે કલાકમાં ૩.પ ઈંચ વરસાદ નોંધાયો છે અમરેલીના સાવરકુંડલામાં પણ ધોધમાર ર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે જયારે ગોંડલમાં ધોધમાર ૩.પ ઈંચ જેટલો વરસાદ ખાબકતા રોડ-રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા જયારે પાટણ અને મહેસાણામાં કેટલાક સ્થળોએ પણ બપોરે બાદ ધોધમાર વરસાદ વરસી પડતું ઠેર-ઠેર પાણી ભરાયા હતા. અમદાવાદમાં બપોર સુધી ભારે ઉકળાટ બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યા બાદ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો હતો. જેને કારણે શહેરીજનોને બફારામાંથી રાહત મળી હતી. જયારે સોમવાર બપોર બાદ વડોદરા સાથે વાંઘોડિયા સહિત અનેક તાલુકા તેમજ છોટા ઉદેપુરના બોડેલી પંથકમાં પણ વાવાઝોડા સાથે વરસાદ પડયો હતો. જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરયા હતા. જયારે અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, વરસાદથી જિલ્લામાં ચેકડેમો છલકાયા છે સાવરકુંડલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી નાવલી નદીમાં ઘોડાપુર આવ્યું હતું. ઉપરાંત અમરેલી, બગસરા, સાવરકુંડલા અને ધારી પંથકમાં તેમજ જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતા અનેક સ્થળોએ રોડ -રસ્તા પર પાણી ભરાયા હતા, જયારે આગામી પાંચ દિવસ બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, અમદાવાદ, ડાંગ, તાપી, નર્મદા, વલસાડ, નવસારી દમણ, દાદરા નગર હવેલી, કચ્છ, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ સહિતના સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ થવાની સંભાવના છે ખાસ કરીને તારીખ ૧૦ અને ૧૧ જૂનના રોજ કેટલાક સ્થળોએ પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જયારે જૂનના ત્રીજા સપ્તાહમાં ચોમાસાનો પ્રારંભ થવાની શકયતા છે.